નવી દિલ્હી: કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી બુધવારે સાંજે આસામના તેજપુર પહોંચ્યા હતા. અહીં તેમણે દિવાળીની ઉજવણી કરી અને મેઘના સ્ટેડિયમમાં સેનાના જવાનો સાથે ડિનર કર્યુ હતું. LOC અને અટારી બોર્ડર પર, પુરૂષ-મહિલા સૈનિકોએ મીઠાઈઓ વહેંચી, મીણબત્તીઓ પ્રગટાવી અને ફટાકડા ફોડ્યા હતા. LOC પર દિવાળી પર જવાનોએ જોરશોરથી ડાન્સ પણ કર્યો હતો.
રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને દિવાળીના પર્વ પર તમારી (સૈનિકો) વચ્ચે આવવાની તક મળી. મારે આજે અરુણાચલના તવાંગમાં જવાનું હતું. સૈનિકો સાથે ભોજન પણ કરવાનું હતું, પણ કદાચ ભગવાનને આ મંજૂર ન હતું. તેઓ ઇચ્છતા હતા કે હું તેજપુરમાં બહાદુર સૈનિકો સાથે ડિનરમાં હાજરી આપું. તેમણે કહ્યું કે કોઈપણ તહેવારની ખુશી ત્યારે વધી જાય છે જ્યારે તે પરિવાર સાથે ઉજવવામાં આવે. જેટલો મોટો પરિવાર, તેટલી મોટી ખુશી. તેથી હું મારા મોટા પરિવાર, મારા સશસ્ત્ર દળોના પરિવાર સાથે દિવાળી ઉજવવાનો પ્રયાસ કરું છું. તેથી જ હું આ વર્ષે તેજપુરમાં તમારી સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યો છું.