ફિલ્મોમાં લાગણી દુભાવાનું સત્ય

શાહરૂખખાનની ફિલ્મ પઠાણના એક ગીતમાં દીપિકાએ ભગવા રંગની બિકીની પહેરી છે એ મુદ્દે શરૂ થયેલા વિવાદ વચ્ચે છેવટે ફિલ્મ રિલીઝ થઇ રહી છે એવામાં સમાચાર મળે છે કે, માઘ મેળામાં લાગેલા ટેન્ટમાંથી જાહેર કરાયા પ્રમાણે, અવિમુક્તેશ્વરાનંદજીની અધ્યક્ષતા હેઠળ રચાયેલું દસ સભ્યનું ધર્મ સેન્સર બોર્ડ ફિલ્મ, સિરિયલ-વેબ સિરીઝના કન્ટેન્ટમાં ક્યાંય હિન્દુ ધર્મ કે દેવી-દેવતાનું અપમાન ન થાય એ જોવાનું કામ કરશે.

આ બન્ને ઘટનાના મૂળમાં છે લાગણી દુભાવાની વાત. આપણે ત્યાં લાગણી એટલી નાજુક છે કે એને દુભાતા વાર નથી લાગતી. ક્યારેક ધર્મના અપમાનના મુદ્દે, ક્યારેક જ્ઞાતિ-જાતિ-સમાજ-વ્યવસાય કે પ્રદેશના મુદ્દે. ક્યારેક કોઇ પુસ્તકના મુદ્દે, ક્યારેક ઇતિહાસના અર્થઘટનના મુદ્દે, ક્યારેક કોઇના નિવેદનના મુદ્દે તો ક્યારેક કોઇ ફિલ્મના મુદ્દે. લાગણી દુભાય એટલે બાકીનું બધું ભૂલીને લોકો ગોકીરો મચાવી દે અને એ ગોકીરામાં જે તે મુદ્દે મૂળ સત્ય શોધવાનું કે સત્યના મૂળ સુધી પહોંચવાનું ભૂલાઇ જાય છે. બસ, લાગણી દુભાયા કરે છે, જેમ તાપણું સળગ્યા કરે છે એમ.

છેવટે આ લાગણી એટલી સામાન્ય કેમ બની ગઇ કે વારંવાર દુભાયા જ કરે? છેવટે વાત કેમ વારંવાર આવીને ડાબેરી-જમણેરી વિચારધારા કે અમુક ધર્મ-સંપ્રદાય પર આવીને અટકી જાય છે? છેવટે કેમ જે તે વિવાદમાં કન્ટેન્ટની જગ્યાએ કોઇ વ્યક્તિ કે એનો ધર્મ કેન્દ્રમાં આવી જાય છે? (એમાં વાત શાહરૂખની પઠાણની ય છે અને વિવેક અગ્નિહોત્રીની ધ કશ્મીર ફાઇલ્સની ય છે એટલે કોઇએ સમજ્યા વિના ચર્ચામાં કૂદી ન પડવું.)

ઉભયપક્ષે લાગણી દુભાવાના આ ઉન્માદકાળમાં આ મુદ્દાઓ સમજવાનો પ્રયત્ન કરીએ તો કદાચ એનો જવાબ મળી શકે.

એકઃ આવું વિવાદીત કન્ટેન્ટ અનિવાર્ય હોય છે કે વિવાદ સર્જીને પબ્લિસિટી મેળવવાનો સ્ટંટ?

પરદા પર હીરોઇનના અંગ પ્રદર્શનથી હવે ફિલ્મને સફળતાની ગેરેંટી નથી મળતી કેમ કે, એનાથી વધારે અશ્લીલ કન્ટેન્ટ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તો શું સર્જકો ટીકીટબારી છલકાવવા માટે જ આવો વિવાદ ઊભો કરે છે? જવાબ હા અને ના બન્નેમાં છે. દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મોમાં અગાઉ ઇતિહાસના અર્થઘટન અને અમુક સમાજના ચિત્રણ મુદ્દે આવા જ વિવાદ સર્જાયેલા. આ વિવાદ પદમાવતમાં ફળ્યો, પણ રામલીલામાં ન ફળ્યો. ઘણીવાર વિવાદ ફળે, ઘણીવાર ન ય ફળે. વિવાદ જાગે, બહિષ્કારની હાકલ થાય. વાત એટલી ફંટાઇ જાય છે કે જે કન્ટેન્ટ માટે વિવાદ થયો છે એના તથ્યાતથ્યની કોઇ ચર્ચા જ નથી કરતું! આ પેટર્ન સર્જક અને વિરોધ-બહિષ્કાર માટે આગેવાની લેનાર બન્નેને ફાયદો કરાવતી હોય છે. બન્નેને ભરપૂર પબ્લિસિટી મળે છે, પછી ધીમે ધીમે બધું થાળે પડે છે.

બેઃ તો પછી સર્જકની સ્વતંત્રતાનું શું? ક્રિએટીવ લીબર્ટીનું શું?

જવાબમાં બન્ને તરફી દલીલ થઇ શકે. સર્જકને ક્રિએટીવ ફ્રિડમ મળવું જ જોઇએ, પણ સમાજના વ્યાપક માળખાની મર્યાદામાં રહીને. એ અ-મર્યાદિત ન હોવું જોઇએ એવો મધ્યમમાર્ગ મોટાભાગે સ્વીકારાય છે, પણ સૌથી મોટી તકલીફ એ છે કે એ સ્વતંત્રતાનું માપ કેટલું? એ કેટલી, કેવી, ક્યા પ્રકારની હોવી જોઇએ એ નક્કી કરવાની અંતિમ સત્તા કોની?  પઠાણ ફિલ્મમાં દીપિકાની સાડીનો કલર કેવો હોવો જોઇએ એ નક્કી કરવાની અંતિમ સત્તા કોની? દિગ્દર્શકની? દર્શકોની? સર્જકની સ્વતંત્રતા આંકડામાં માપી શકાતી નથી કે એની લોઅર અને અપર લિમીટ નક્કી કરી શકાય.

હજુ તો વાત કપડાંના કલર સુધી આવીને અટકી છે. આગળ જતાં કોઇ ફિલ્મમાં વિલન અમુક જ્ઞાતિ-જાતિનો હશે તો એ સમાજના લોકોની લાગણી ય દુભાઇ શકે છે કે અમારી જ્ઞાતિ-જાતિને ખરાબ ચીતરી છે. કાલે કોઇ વિલનનું પાત્ર અમુક વર્ગનું દેખાડાશે તો એ વર્ગ ય આગળ આવીને ફરિયાદ કરશે કે આ અમારા વર્ગને નીચો દેખાડવાનો પ્રયાસ છે. ફિલ્મમાં પોલીસ-વકીલ-પત્રકાર-બિઝનેસમેનને લાંચિયા અને ચરિત્રહીન બતાવાશે તો તો એ વર્ગ પણ દલીલ કરી શકે છે કે તમે અમને બદનામ કરી રહ્યા છો. આગળ જઇને ફિલ્મનું નેગેટીવ પાત્ર મરાઠી જ કેમ? ગુજરાતી કે બંગાળી કે તમીળ કેમ નહીં? એ મુદ્દે ય લાગણી દુભાઇ શકે. લાગણી દુભાવાની આગ આમ જ ફેલાતી રહી તો જતે દિવસે ફિલ્મમાં કોઇ રાજકીય નેતાને લંપટ અને ભ્રષ્ટાચારી બતાવાશે તો રાજકીય પક્ષો ય વિરોધમાં આવીને કહેશે કે આ તો અમારું અપમાન છે! હા, લાગણી તો કોઇપણ મુદ્દે દુભાઇ જ શકે ને?

ત્રણઃ આસામના મુખ્યમંત્રીનું શાહરૂખખાનના મુદ્દે બયાન શું સૂચવે છે?

હમણાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ પહેલાં કોણ છે શાહરૂખખાન એમ પૂછ્યું અને ગણતરીના કલાકોમાં શાહરૂખખાને એમને ફોન કર્યા પછી આસામમાં ફિલ્મ રિલીઝ થાય ત્યારે થિયેટરોની સુરક્ષાની ખાતરી આપી એ મુદ્દે એમની ટીકા થઇ રહી છે.

પરંતુ અહીં હિમંતા બિશ્વા સરમા એ શાહરૂખખાનને ઓળખે છે કે નહીં એ મુદ્દો જ નથી. એ શાહરૂખખાનને ઓળખતા હોવા જરૂરી પણ નથી. મુદ્દો એ છે, લોકતંત્રમાં એક કલાકારે પોતાની ફિલ્મના પ્રદર્શન માટે મુખ્યમંત્રીને ફોન કરીને મંજૂરી કે સુરક્ષાની ખાતરી કેમ માગવી પડે? કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની છે જ.

અને જો કોઇ ફિલ્મ જાહેર શાંતિ, દેશની સલામતી કે કોમી એકતા માટે ખતરારૂપ હોય તો સેન્સર બોર્ડે એને પ્રમાણપત્ર આપ્યું જ કેવી રીતે? આવો જ ટ્રેન્ડ ચાલ્યો તો આવતીકાલે ફિલ્મસર્જકોએ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓને (કોઇપણ પક્ષના હોઇ શકે છે) એમનો અહં સંતોષવા ફિલ્મ રિલીઝ થયા પહેલાં વિનવણી કરવી પડશે.

ચારઃ ધર્મ સેન્સર બોર્ડ કે કાયદાના શાસનની અવગણના?

આ ધર્મ સેન્સર બોર્ડ રચાયાની હજુ તો જાહેરાત થઇ છે. એ શું કરશે એની સ્પષ્ટ વિગતો હજુ બહાર આવી નથી, પણ માનવામાં આવે છે કે એ ફિલ્મ-સિરિયલ કે વેબસિરિઝના કન્ટેન્ટમાં ધાર્મિક લાગણીઓ ન દુભાય કે ધર્મનું અપમાન ન થાય એ જોવાનું કામ કરશે.

પરંતુ સવાલ એ છે આવું કરવાની એમની પાસે સત્તા છે? જો આમ કરવાની એમને છૂટ અપાય તો આવતીકાલે તમામ ધર્મ-સંપ્રદાય-જ્ઞાતિ-જાતિના સ્વતંત્ર સેન્સર બોર્ડ બનવા માંડશે. બધાને ફિલ્મમાંથી કાંઇક અપમાનજનક મળવા માંડશે. બધા પોતાપોતાની રીતે સેન્સરશીપ ચલાવશે તો સરકાર દ્વારા ચલાવાતું સેન્સર બોર્ડ શું કરશે?

સમાંતર સેન્સર બોર્ડ બનવાથી ખતરામાં ધર્મ કે સંપ્રદાય નહીં, પણ કાયદાનું શાસન જ આવશે. અલબત્ત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં જ ફિલ્મોના મુદ્દે બીનજરૂરી નિવેદનો-વિવાદ ઊભો ન કરવાની વાત કરીને આ મુદ્દે સાચી દિશાનું વલણ અપનાવ્યું છે એટલે આ ધર્મ સેન્સર બોર્ડની જાહેરાત છેવટે પબ્લિસિટી માટેનો સ્ટંટ બનીને જ રહી જશે એવું અત્યારે તો લાગે છે.

પાંચઃ શું ખરેખર તમારી લાગણી દુભાય છે?

વારંવાર લાગણી દુભાવાના મુદ્દે ખુદ પ્રધાનમંત્રીએ નિવેદન આપવું પડ્યું એ પછી તો આપણને આ મુદ્દાની ગંભીરતા સમજાવી જોઇએ. આ આખો વિષય ‘સબ્જેક્ટીવ’ છે. ઇતિહાસનું અર્થઘટન હોય, ફિલ્મમાં વિષયની રજૂઆત હોય કે કોઇ પાત્રનું નિરુપણ હોય, આ મુદ્દે પરસ્પર વિરોધી કે એકથી વધારે મતો હોવાના. સોશિયલ મિડીયાના જમાનામાં તો જેટલા એકાઉન્ટ એટલા મત એટલે આ મુદ્દે એક પક્ષ સાચો અને બીજો પક્ષ ખોટો એવું નથી હોતું.

અન્યથા, તમારી લાગણી ખરેખર દુભાઇ છે કે નહીં એનો જવાબ તો તમે લાગણીમાં તણાયા વિના તમારી જાતને પૂછશો તો જ મળશે!

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)