Home Blog Page 4468

મુંબઈમાં દીપિકા રહે છે એ જ મકાનમાં રણવીરે રૂ. 7.25 લાખના ભાડેથી ફ્લેટ ખરીદ્યો

મુંબઈ – રણવીર સિંહ એટલે બોલીવૂડનો પાવર-પેક્ડ અભિનેતા. એ અવારનવાર કંઈક નવું કરીને સમાચારોમાં ચમકતો જ રહે છે. હાલમાં જ એણે મુંબઈમાં એક ફ્લેટ ખરીદ્યો છે જે માટે એ દર મહિને રૂ. 7.25 લાખનું ભાડું ચૂકવે છે.

આ ફ્લેટ એણે મધ્ય મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલા બોમોન્ડ ટાવર્સમાં ખરીદ્યો છે. આ જ બિલ્ડિંગમાં એની અભિનેત્રી પત્ની દીપિકા પદુકોણ પણ રહે છે.

33-માળવાળા બોમોન્ડ ટાવર્સમાં દીપિકા 26મા માળ પર રહે છે. 4-બેડરૂમવવાળો ફ્લેટ દીપિકાએ 2010માં રૂ. 16 કરોડમાં ખરીદ્યો હતો.

રજિસ્ટ્રેશન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર, રણવીરે ત્રણ વર્ષ માટે આ જ બિલ્ડિંગમાં ભાડેથી ફ્લેટ લીધો છે. તે આ ફ્લેટના માલિકને પહેલા બે વર્ષમાં દર મહિને રૂ. 7.25 લાખ ચૂકવશે અને છેલ્લા 12 મહિના માટે દર મહિને રૂ. 7.97 લાખ ચૂકવશે.

રણવીર અને દીપિકાએ 2018માં ઈટાલીના લેક કોમો ખાતે લગ્ન કર્યા હતા.

રણવીરની નવી ફિલ્મ આવી રહી છે ”83′. એમાં એની પત્નીનો રોલ દીપિકા જ ભજવી રહી છે.

દીપિકાની ‘છપાક’ આ જ મહિનાની 10મી તારીખે રિલીઝ થવાની છે.

 

રાશિ ભવિષ્ય 02/01/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય,


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે,


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

પ્રધાનોને ખાતાની ફાળવણીની જાહેરાત ગુરુવારે સાંજ સુધીમાં કરાશેઃ નાયબ CM અજીત પવાર

મુંબઈ – મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે આજે જણાવ્યું છે કે રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકારમાં પ્રધાનોને એમના ખાતાની ફાળવણી આવતીકાલે સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.

મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના બનેલા મહાવિકાસ આઘાડી ગઠબંધને સત્તા સંભાળ્યાને એક મહિનાથી ઉપર સમય વીતી ગયો છે તે છતાં પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં વિલંબ થયો છે. કયા પ્રધાનને કયું ખાતું આપવામાં આવશે તે વિશે જાતજાતના તર્કવિતર્કો થઈ રહ્યા છે.

અજીત પવારને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કયું ખાતું સંભાળશો ત્યારે એમણે કહ્યું કે એ તો અમારા ગઠબંધનના વડાઓ જ નિર્ણય લેશે.

પવારે એમ પણ કહ્યું કે કોંગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ અને પ્રધાન તરીકે શપથ લેનાર બાળાસાહેબ થોરાત અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક થઈ ચૂકી છે. કયા પ્રધાનને કયું ખાતું આપવું જોઈએ એ નિર્ણય સરકારના ભાગીદાર ત્રણેય પક્ષના પ્રમુખોએ લેવાનો છે એટલે કે સોનિયા ગાંધી (કોંગ્રેસ), શરદ પવાર (એનસીપી) અને ઉદ્ધવ ઠાકરે (શિવસેના).

કહેવાય છે કે શરદ પવારે એમની પાર્ટીના કયા પ્રધાનને કયું ખાતું આપવું એની યાદી મુખ્ય પ્રધાન ઠાકરેને આપી દીધી છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે ઉપરાંત અન્ય 6 પ્રધાનોએ 28 નવેંબરે શપથ લીધા હતા અને ત્યારબાદ ગયા અઠવાડિયે ત્રણેય પક્ષોનાં મળીને બીજા 36 પ્રધાનોએ શપથ લીધા હતા. એમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનો પણ સમાવેશ થાય છે.

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથે સગાઈ કરી; ક્રિકેટરે સોશિયલ મિડિયા પર જાણકારી આપી

દુબઈ/વડોદરા – ટીમ ઈન્ડિયાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ નવા વર્ષનો ધમાકેદાર રીતે આરંભ કર્યો છે. આ ઓલરાઉન્ડરે એની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેન્કોવિચ સાથે આજે સગાઈ કરી લીધી છે અને હાર્દિકે પોતે જ આ જાણકારી ઈન્સ્ટાગ્રામ પર આપી છે. નતાશા સર્બિયાની મોડેલ અને અભિનેત્રી છે. આ બંને જણ રિલેશનશિપમાં છે એવી ચર્ચા ઘણાય વખતથી ચાલતી હતી.

એણે નતાશા સાથે પોતાની સગાઈ થયાને સમર્થન આપ્યું હતું અને એની સાથેની તસવીરો પોસ્ટ કરી છે. એક તસવીરમાં, નતાશા એની આંગળી પર સગાઈની વીંટી પણ બતાવે છે.

નતાશા હાર્દિકની લાંબા સમયની ગર્લફ્રેન્ડ છે. એ હાર્દિકના ગાઢ મિત્રવર્તુળમાં રહેલી છે. હાર્દિકે એની ઓળખાણ પોતાના માતાપિતાને પણ કરાવી હતી.

26 વર્ષીય હાર્દિક પંડ્યા હાલ દુબઈમાં છે અને પીઠના દુખાવાની તકલીફની સારવાર લઈ રહ્યો છે. એની સાથોસાથ તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સમય પણ વિતાવી રહ્યો છે.

ન્યૂઝીલેન્ડના પ્રવાસે જનાર ઈન્ડિયા-A ટીમો હાર્દિક સભ્ય છે.

તસવીરો સાથેની કેપ્શનમાં હાર્દિકે લખ્યું છેઃ ‘મૈં તેરા, તૂ મેરી, જાને સારા હિન્દુસ્તાન. 01.01.2020 #engaged’

સગાઈના બંધનમાં નવું જ બંધાયેલું આ યુગલ આ તસવીરો પરથી કોઈક સ્પીડબોટમાં સહેલગાહ કરતું હોય એવું જણાય છે.

આ તસવીરની કેપ્શનમાં હાર્દિકે લખ્યું છેઃ ‘મારી ફાયરવર્ક (ફટાકડી) સાથે નવા વર્ષનો આરંભ.’

પંડ્યાને થોડાક સમય અગાઉ પીઠના દુખાવાને કારણે સર્જરી કરાવવી પડી હતી. આ ઈન્જરીને કારણે એ ક્રિકેટથી દૂર રહ્યો છે. છેલ્લે એ દક્ષિણ આફ્રિકા સામે ભારતની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝમાં રમ્યો હતો, પરંતુ ત્યારબાદ બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીઓમાંથી એને બાકાત રાખવામાં આવ્યો હતો.

સુરતમાં સૌપ્રથમ કિડની પ્રત્યારોપણ સફળ રહ્યું; કિરણ હોસ્પિટલની સિદ્ધિ

સુરત – ભારતની આગવી હોસ્પિટલોમાંની એક, અત્રેની કિરણ હોસ્પિટલ તમામ પ્રકારનાં રોગોનાં નિદાન તથા સારવારમાં કાર્યરત છે. કિરણ હોસ્પિટલનો ઉદ્દેશ ‘નહીં-નફો–નહીં-નુકસાન’નો છે. આ હોસ્પિટલમાં છેલ્લા 2.6 વર્ષમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા અન્ય રાજ્યો અને વિદેશનાં અંદાજે 7,50,000થી વધુ દર્દીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સારવાર-સુવિધાનો લાભ લીધો છે. હોસ્પિટલની સેવાનો લાભ સુખી-સંપન્ન અને ઓછી આવક ધરાવતા તેમજ દરેક વર્ગનાં લોકો લઈ રહ્યાં છે. સાથોસાથ આ હોસ્પિટલમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે ‘મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના’ અને ‘આયુષ્યમાન ભારત યોજના’ સેવાનો લાભ પણ મોટી સંખ્યામાં દર્દીઓ લઈ રહ્યા છે.

કિરણ હોસ્પિટલના સીઈઓ ડો. રવિન્દ્ર કરંજેકરના જણાવ્યા મુજબ કિરણ હોસ્પિટલ કિડનીના રોગો માટે સામાન્ય નિદાનથી લઈને દરેક પ્રકારનાં ઓપરેશનો, ડાયાલીસીસ તથા કિડની ફેઈલરની બીમારીમાં તમામ સારવાર પૂરી પાડે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગમાં કુશળ અને અનુભવી ડોકટરો, સ્ટાફ તથા જંતુમુક્ત ઓપરેશન થિયેટર તથા ટ્રાન્સપ્લાન્ટ આઈ.સી.યુ.ની સર્વોતમ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગઈ 22 ડિસેમ્બર, 2019ના રોજ કિરણ હોસ્પિટલની કુશળ ટ્રાન્સપ્લાન્ટ ટીમ દ્વારા 19 વર્ષીય સમર્થ નિલેષભાઈ મૈસુરિયા નામના યુવાન દર્દીને તેમના 43 વર્ષીય પિતા નિલેષભાઈ હસમુખભાઈ મૈસુરિયા દ્વારા દાન કરાયેલી કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલમાં સુરતનું આ સૌપ્રથમ કિડની પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) ઓપરેશન કરવામાં આવ્યું. હવે ટૂંક સમયમાં અન્યો દર્દીઓમાં પણ આ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવનાર છે.

કિરણ હોસ્પિટલમાં કુશળ અને અનુભવી ડોકટરો દ્વારા 36 મશીનો સાથેનો અતિ આધુનિક અને દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ડાયાલીસીસ વિભાગ કાર્યરત છે. જેમાં 2.6 વર્ષમાં 90,000થી વધારે ડાયાલીસીસ કરવામાં આવ્યા છે.

ખૂબ જ આધુનિક ડાયાલીસીસ વિભાગમાં R.O. વોટર પ્લાન્ટ અને મશીનો જર્મનીથી આયાત કરવામાં આવ્યા છે અને દર્દીઓ ડાયાલીસીસની આ સુવિધાઓથી ખૂબ જ સંતોષની લાગણી અનુભવે છે.

નિર્ભયા બળાત્કાર કેસઃ ચારેય અપરાધીને એક સાથે ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી – અહીંની તિહાર જેલમાં પહેલી જ વાર એક સાથે ચાર અપરાધીને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવનાર છે.

અત્યાર સુધી તિહારમાં એક વખતમાં માત્ર એક અપરાધીને ફાંસી દેવામાં આવતી રહી છે. પરંતુ હવે નિર્ભયા ગેંગરેપ-હત્યા કેસના ચારેય અપરાધીને એક સાથે ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ચાર અપરાધીના નામ છે – મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય ઠાકુર અને પવન ગુપ્તા.

જેલમાં વધુ ત્રણ ફાંસીના માંચડા તૈયાર કરવામાં આવ્યા છે.

દેશમાં તિહાર પહેલી જ જેલ બનશે જ્યાં એક સાથે ચાર અપરાધીને ફાંસી અપાશે.

તિહાર જેલમાં ફાંસીનો એક માંચડો તો હતો જ, બીજા 3 પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આનો મતલબ એ કે નિર્ભયા કેસના ચારેય અપરાધીને એક જ દિવસે ફાંસી પર લટકાવી દેવામાં આવશે.

જેલ પ્રશાસન આ ચારેય અપરાધી વિશેનો અહેવાલ કોર્ટને સુપરત કરશે. તમામ કાયદેસર પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ ફાંસી આપવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. કહેવાય છે કે ચારેય આરોપી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ક્યૂરેટિવ પીટિશન નોંધાવશે. એ નકારી કઢાયા બાદ ચારેય જણ રાષ્ટ્રપતિ કોવિંદને દયાની અરજી કરશે. એ પણ નકારી કાઢવામાં આવ્યા બાદ ચારેયને ફાંસીએ લટકાવી દેવાશે.

જેલમાં વધુ 3 માંચડા તૈયાર કરવાનું કામ જાહેર બાંધકામ (PWD) વિભાગને સોંપવામાં આવ્યું હતું, જે તેણે ગયા સોમવારે પૂરું કરી દીધું હતું. જેલમાં માંચડા તૈયાર કરવા માટે JCB અંદર લઈ જવામાં આવી હતી. માચડાઓની નીચે એક બોગદું બનાવવામાં આવ્યું છે. ફાંસી અપાઈ ગયા બાદ ચારેય અપરાધીના મૃતદેહ બોગદામાંથી બહાર કાઢવામાં આવશે.

દેશભરને હચમચાવી મૂકનાર નિર્ભયા કાંડ 2012ની 16 ડિસેંબરે દિલ્હીમાં બન્યો હતો. આ કેસમાં કોર્ટમાં સુનાવણી થઈ ચૂકી છે. આખરી ચરણમાં ડેથ વોરંટની સુનાવણી કરાશે જે માટે દિલ્હીની પટિયાલા કોર્ટે 7 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.

એ દિવસે કમનસીબ યુવતી, જેની સાચી ઓળખ છુપાવીને એને નિર્ભયાનું નામ આપ્યું છે, એની પર દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ચાલુ બસની અંદર એનાં બોયફ્રેન્ડની હાજરીમાં ઉક્ત ચારેય અપરાધીએ ગેંગરેપ કર્યો હતો.

ચારેય જણને ફાસ્ટ ટ્રેક કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી, જેને નીચલી અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતે પણ મંજૂર રાખી છે.

1982માં તિહાર જેલમાં રંગા અને બિલ્લા નામના અપરાધીઓને એક સાથે ફાંસી આપવામાં આવી હતી. એ બંનેએ 1978માં નવી દિલ્હીમાં પૈસા માટે સગીર વયનાં ભાઈ-બહેન ગીતા અને સંજયનું અપહરણ કર્યું હતું, પણ બાદમાં એમને જ્યારે ખબર પડી કે બાળકોનાં પિતા નૌકાદળમાં અધિકારી છે ત્યારે એમણે ભાઈ-બહેનની હત્યા કરી હતી. એમણે ગીતા પર બળાત્કાર કર્યો હતો અને પછી હત્યા કરી હતી. રંગાનું સાચું નામ કુલજીત સિંહ હતું અને બિલ્લાનું નામ જસબીર સિંહ હતું. ગીતા અને સંજયના પિતા મદનમોહન ચોપરા નૌકાદળના અધિકારી હતા.

બીએસઈ સ્ટાર એમએફ પર ટર્નઓવરનો નવો વિક્રમઃ ડિસેમ્બરમાં 49.60 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ થયા

મુંબઈ – દેશના અગ્રણી પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફની પ્રભાવશાળી કામગીરીની ચાલી રહેલી આગેકૂચમાં ડિસેમ્બર 2019માં પ્લેટફોર્મ પર 49.60 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ થયા હતા. અગાઉ ઓક્ટોબર, 2019માં 46.70 લાખ ટ્રાન્ઝેક્શન અને નવેમ્બર, 2019માં રૂ.13,721 કરોડના ટર્નઓવરનો રેકોર્ડ નોંધાયો હતો. એપ્રિલથી ડિસેમ્બર, 2019ના ગાળા દરમિયાન પ્લેટફોર્મ પર 3.92 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.

પ્લેટફોર્મ પર ડિસેમ્બર મહિનામાં 2.45 લાખ નવા એસઆઈપી રજિસ્ટર થયા હતા એ સાથે સ્ટાર એમએફ પર નોંધાયેલા એસઆઈપીઝની સંખ્યા 34.01 લાખની થઈ છે, જેઓ રૂ.952.45 કરોડનું કોર્પસ ધરાવે છે.

બીએસઈ સ્ટાર એમએફ એપ (સ્ટાર એમએફ મોબિલિટી) લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી તેણે રૂ.1634.37 કરોડના 1.72 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ હાથ ધર્યા છે. આ એપ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ઈન્ડિપેન્ડન્ટ ફાઈનાન્સિયલ એડવાઈઝર્સ રિયલ ટાઈમ ધોરણે ક્લાયન્ટ્સની નોંધણી કરી શકે અને પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સ કરી શકે એ માટે લોન્ચ કરવામાં આવેલું છે અને તેના પગલે પ્લેટફોર્મ ભારે વૃદ્ધિ પામ્યુ છે. અત્યારે પ્લેટફોર્મ પર ભારત ભરના 55,00થી અધિક ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર્ડ છે.