શ્વેત ક્રાંતિની બીજી બાજુ…

વિશ્વમાં સૌથી વધુ ઢોર-ઢાંખર ભારતમાં છે. દેશમાં ગાય-ભેંસની જાળવણી સારી રીતે કરવામાં આવતી નથી. કેટલીક જગ્યાએ રખડતા ઢોર પર એસિડ ફેંકવામાં આવે છે. ફળ વેચાણ કરતા વેપારીઓ આ ઢોરને ઝેર આપે છે. એમને લોકોથી દૂર લઈ જવામાં આવે છે, ચામડા માટે  એમની ચામડી ઊતરડી લેવામાં આવે છે. એમને દૂધ માટે નાની જગ્યાઓમાં બાંધી રાખવામાં આવે છે. એમને ટ્રકમાં ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. એમને ગેરકાયદે ગૌશાળા (કતલખાના)માં લઈ જવામાં આવે છે. એ ભૂખમરાથી મરી જાય છે, એમને અસ્વચ્છ જગ્યાએ ઊભા રહેવા મજબૂર કરવામાં આવે છે. એ પ્લાસ્ટિક ખાય છે. એ ગંદી ગટરમાંથી પાણી પીએ છે. એમની પાસેથી પસાર થતી કારમાંથી ફટકારવામાં આવે છે.

2014થી ભાજપ સરકાર માંસની નિકાસ અટકાવવાના સંકલ્પ સાથે સત્તા પર આવી હતી, પણ ભારત વિશ્વમાં સૌથી મોટા ગાયના માંસનો નિકાસકર્તા દેશ છે. ભારતે આ મામલે બ્રાઝિલને પણ પાછળ રાખી દીધું છે. વિશ્વમાં ગાયના માંસના ઉત્પાદનમાં બંને દેશોનો હિસ્સા આશરે 40 ટકા જેટલો છે. વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં આપણે અમેરિકા અને ચીનને પાછળ રાખીને સોથી મોટો દૂધ ઉત્પાદક દેશ છીએ.

વળી, મોટા ભાગની ગાય-ભેસોનો કુદરતી ઉછેર કરવામાં નથી આવતો. એક વ્યક્તિ જે સેંકડો પશુઓને ભાડે રાખે છે, એ ખરેખર પશુઓને થતા રોગ, નિદાન અને દવા વિશે જાણતા નથી હોતા.

દૂધ અને માંસને મેળવવા માટે દેશમાં એક મોટો નેશનલ બ્રીડિંગ કાર્યક્રમ (રાષ્ટ્રીય પ્રજનન કાર્યક્રમ) છે. સાંઢમાંથી વીર્ય કાઢવામાં આવે છે અને એને દેશભરમાં મોકલવામાં આવે છે. જેનો ઉપયોગ વ્યાવહારિક રીતે દૂધના વેપારમાં સામેલ લોકો દ્વારા કરવામાં આવે છે, જે પછીથી માંસનો પણ વેપાર કરે છે. 80 ટકા ડેરીની ગાયોને કૃત્રિમ રીતે ગર્ભવતી બનાવવામાં આવે છે. કુદરતી રીતે પ્રજનનમાં એક સ્ખલનથી એક અથવા બે વાછરડા પેદા થઈ શકે છે.

2014- 2106 દરમ્યાન શુક્રાણુ ફાર્મિંગ અને વીર્યને ફ્રોઝન ટેક્નોલોજીના ઉદ્યોગ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો (જર્નલ ઓફ હ્યુમન એનિમલ સ્ટડીઝ, યામિની નારાયણ-2018). આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સરકારી માલિકીનાં વીર્ય સ્ટેશનોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં એ નિષ્કર્ષ નીકળ્યો હતો કે વીર્ય કાઢવાની પ્રક્રિયા, ગુણવત્તાની સમીક્ષા, સ્ટોરેજ અને ડેરીઓને ટ્રાન્સપોર્ટેશનથી વીર્યનો ઉપયોગ કૃત્રિમ રીતે ગર્ભાધાન કરવા માટે કરવામાં આવશે. એક સિંગલ વીર્યથી સેંકડો વાછરડા પેદા કરી શકે છે.

અનેક ભારતીયોએ દૂધ પીવાનું બંધ કરી દીધું છે, કેમ કે તેઓ ગાય અને નર વાછરડાના દુરુપયોગ કરવા વિશે જાણી ગયા છે અને નારાજ થયા છે, પરંતુ મોટા ભાગના લોકો આખલામાંથી વીર્ય કાઢવાની ક્રૂર પ્રક્રિયાથી અજાણ છે.

એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, આખલાઓના નાકમાં નાના ગ્રુપોમાં રસી નાખીને એમને એકલા રાખવામાં આવે છે, એ હતાશ અને ઉશ્કેરાઇ જાય છે, પણ એમના નાકમાં નાખેલા દોરડાથી એમને નિયંત્રિત કરવામાં આવે છે. આ દરમ્યાન એમને ઇજા થાય છે અને કદાચ રોગ પણ થાય છે. દરેક આખલાને દિવસમાં બે વાર અને અઠવાડિયામાં ચાર દિવસ માટે વીર્ય કાઢવાની પ્રક્રિયા માટે સેન્ટર પર લઈ જવામાં આવે છે. એક બનાવટી ગાયને ત્યાં રાખવામાં આવે છે અને એ આખલાને ગાય સાથે કૃત્રિમ રીતે સેક્સ કરાવવામાં આવે છે. પછી એ આખલાને બનાવટી ગાયની યોનિમાં સ્ખલન કરાવવામાં આવે છે. આ આખલાને ઇલેક્ટ્રો-ઇજેક્યુલેશનની પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ પ્રક્રિયામાં ગુદામાર્ગમાં વીજળીનો 12-24 વોટનો ઝટકો પણ આપવામાં આવે છે.

1960ના દાયકાના અંતે આ શરૂ થયું હતું (કલ્પના કરો કે દિવસમાં બે વાર માણસના ગુદામાર્ગે ઇલેક્ટ્રિક સળિયો રાખીને વીર્ય મેળવવામાં આવે તો). એક સિંગલ વીર્ય સ્ખલનથી 500થી 600 વીર્યના ડોઝ મેળવવામાં આવે છે. જેમાં બે કરોડ શુક્રાણુ હોય છે. આખલા પાસે વીર્ય 5-10 વર્ષ મેળવાય છે (ઉત્પાદનની ગુણવત્તાને આધારે) અને પછી એને કતલ માટે મોકલવામાં આવે છે.

એ પછી આખલાના વીર્યને લિક્વિડ નાઇટ્રોજનમાં ફ્રોઝન કરવામાં આવે છે. આ પીડાજનક પ્રજનન પ્રક્રિયા 1970ના દાયકામાં સફેદ ક્રાંતિ અથવા ઓપરેશન ફ્લડની સફળતા માટેનું કારણ હતું. જેનાથી ભારત અગ્રણી દૂધ ઉત્પાદક દેશ બન્યો હતો.

ભારતીય પશુપાલન વિભાગમાં 60થી વધુ ફ્રોઝન સિમેન ફાર્મ્સ અને આશરે 77,000 કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રો આવેલાં છે. એમના માટે કોઈ નિયમો નથી, આ આખલાઓ માટે કોઈ પશુ કલ્યાણ સુરક્ષા નથી. આખલાઓની માનસિક સ્થિતિ અને શારીરિક યાતના વીર્ય કાઢવાની પ્રક્રિયા માટે બિનજરૂરી માનવામાં આવે છે.

આખલાના શરીર પર ઇલેક્ટ્રો સ્ખલનની શી અસર થાય છે?

ગુદામાર્ગમાં લાકડી અથવા તપાસની રિંગમાં ઇલેક્ટ્રોરોડ્સ હોય છે. ઇલેક્ટ્રોરોડ્સ સ્ખલન માટેની નસોને ઉત્તેજિત કરે છે. પરિણામે પગ, જાંઘ અને પીઠના સ્નાયુઓમાં સંકોચન થાય છે. આ સંકોચન કેટલીક તપાસમાં  ગંભીર જોવા મળ્યું છે. અને આ સ્નાયુઓમાં ધીમે-ધીમે જડતા આવે છે.

ઇલેક્ટ્રો સ્ખલનના 15 મિનિટ પછી પ્લાઝમાં કોર્ટિસોલનું સ્તર ઝડપથી વધે છે અને 2-4 કલાક સુધી ચરમસીમાએ રહે છે. આને લીધે નેધરલેન્ડ અને ડેન્માર્કે આ પ્રથા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આમ પશુપાલન ક્ષેત્રે બધું સમુસૂતરું નથી. આખલાના શારીરિક આરોગ્યની તપાસ થવી જોઈએ. એમને સારી રીતે આહાર આપવો જોઈએ. એમને ખુલ્લામાં કામ કરાવવું જોઈએ, કસરત કરાવવી જોઈએ અને એમની સારી રીતે દેખભાળ કરવી જોઈએ.

વિશ્વના સૌથી મોટા કૃત્રિમ બોવાઇન પ્રજનન કેન્દ્રો હોવા છતાં અન્ય દેશોની તુલનાએ કૃત્રિમ ગર્ભાધાનનો ઉપયોગ કરતાં ભારતનો સફળતાનો દર ઘણો ઓછો છે. આખલાઓને બહુ ખરાબ રીતે રાખવામાં આવે છે. વળી આખલાઓ સ્વસ્થ ન હોવાથી ગાયોમાં પણ માંદગી અને ગર્ભપાત થાય છે. આની સીધી અસર માનવના આરોગ્ય પર થાય છે અને ક્ષય રોગનો ફેલાવો સીધી રીતે દૂધ આપતાં પશુઓમાં થાય છે, જે આખલાઓના વીર્યમાંથી આવે છે. આ આખલાઓમાંથી અનેક રોગો થાય છે. તમે તમારી જાતને આખલાની જગ્યાએ મૂકો. જ્યાં સુધી તમે દૂધ પીશો ત્યાં સુધી આખલાએ આ યાતના સહન કરવી પડશે. શું તમે દૂધ પીને આ ભયંકર ક્રૂરતા માટે જવાબદાર બનવા માગો છો?

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)