આર્કિટેક્ટ્સના અનુભવોને વર્ણવતું “વિટ-નેસ ટુ મત-હારૂ સ્પિરિટ” પુસ્તક

અમદાવાદ: જાણીતા આર્કિટેક્ટ્સ ગુરજિત સિંહ મથારૂ અને વાગિશ નાગણૂર દ્વારા લિખિત ‘વિટ-નેસ ટુ મત-હારૂ સ્પિરિટ’ નામના પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું. શુક્રવારે શહેરના મિલ ઓનર્સ બિલ્ડિંગ ખાતે આર્કિટેક્ટ્સ, વિદ્યાર્થીઓ, લેખકો અને ડિઝાઇનરસિકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો.હાસ્ય, નિખાલસતા અને નમ્રતાથી લખાયેલું આ પુસ્તક આર્કિટેક્ચર પ્રેક્ટિસની એવી અનકહી વાર્તાઓ પર પ્રકાશ પાડે છે, જે ભાગ્યે જ જર્નલ્સ અથવા મુખ્ય પ્રવાહની ચર્ચાઓમાં પહોંચી શકે છે. પુસ્તકમાં થોડોક ભાગ આત્મકથા રૂપે અને થોડોક ભાગ ક્રોનિકલ રીતે લખાયેલો છે. આ પુસ્તક ગ્રાહકો સાથેનાં રસપ્રદ પ્રસંગો, સર્જનાત્મક ભૂલચૂક, અડધી રાતના બ્રેકથ્રૂ અને ડિઝાઇનરને આકાર આપતા અનિશ્ચિત અનુભવોથી ભરેલું છે—એવા અનુભવોથી જેને કારણે ડ્રોઇંગ પહેલાં જ વિચાર જન્મે છે. તે કલ્પનાને હકીકતમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયામાં લાગતી ધીરજ, હાસ્ય અને માનવીય જિદ્દને ઉજવે છે.

આ અવસરે ગુરજિત સિંહ મથારૂએ જણાવ્યું: “લોકો આર્કિટેક્ચરને ઘણી વખત એક ચકાચક તસવીર અથવા પરફેક્ટ ડ્રોઇંગ તરીકે જોતાં હોય છે. પરંતુ વાસ્તવિક દુનિયા ઘણી વધુ ગૂંચવણભરી છે. આ પુસ્તક એ સફરમાં સહજ રીતે જોવા મળતા હાસ્ય, નિરાશા, આગ્રહ અને ક્યારેકના ‘પાગલપણાં’ને માન આપવાનો અમારો પ્રયાસ છે. આ કહાનીઓ ઇમારતો જેટલી જ વાસ્તવિક છે.”

વાગિશ નાગણૂરે આ પ્રસંગે હાજર લોકો સાથે સંવાદ કરતા જણાવ્યું, “અમારું લક્ષ્ય એવું પુસ્તક લખવાનું હતું કે જેમાં આર્કિટેક્ચરને અમે જેમ જીવી રહ્યા છીએ એ રીતે રજૂ કરી શકીએ—ખડતલતા, હાસ્ય, ઘાયલ અહંકાર અને અનાયાસ મળતી ખુશીઓ સાથે. જો વાચકોને આ પાનાંઓમાં પોતાના સંઘર્ષની ઝાંખી મળે, તો પુસ્તકનો ઉદ્દેશ પૂર્ણ થયો, એમ માનીએ.”

પુસ્તકના અનાવરણ બાદ થયેલી સર્જનાત્મક પેનલ ચર્ચામાં ભૂતપૂર્વ CEPT ફેકલ્ટી અને પ્રોફેસર મિકી દેસાઈ, આર્કિટેક્ટ-શિક્ષક-લેખક પ્રવીણ બવડેકર, આર્કિટેક્ટ અને લેખક રોબર્ટ સ્ટીફન્સ, તેમજ લેખિકા અને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ સમીક્ષક સોહિની ચટોપાધ્યાયે ભાગ લીધો. પેનલિસ્ટોએ સંશોધન, પ્રેક્ટિસ, ઇતિહાસ, લેખન અને સંસ્કૃતિ જેવા વિવિધ ક્ષેત્રોમાંથી પોતાના વિચારો રજૂ કર્યા અને પુસ્તક પર સમૃદ્ધ પ્રતિભાવો આપ્યા.આ કાર્યક્રમ આર્ટિયસ ભારતમાં માસ ટિમ્બર ઇનોવેશનના આગેવાનના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. આયોજન માટે અમદાવાદના આઇકોનિક ‘મિલ ઓનર્સ બિલ્ડિંગને સ્થળ તરીકે પસંદ કરવું, પરંપરાને પડકારતું અને ડિઝાઇનના આત્માને ઉજવણી કરતા આ પુસ્તક માટે અત્યંત અનુરૂપ હતું.