કોણ હતા વૃક્ષ માતા તરીકે ઓળખાતા પદ્મશ્રી થિમ્મક્કા? જેમનું 114ની ઉંમરે થયું નિધન

જાણીતા પર્યાવરણવાદી અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સાલુમરદા થિમ્મક્કાનું આજે એટલે કે શુક્રવારે 114 વર્ષની વયે નિધન થયું છે. તેમની બેંગલુરુના જયાનગરની એક ખાનગી હોસ્પિટલમાં શ્વાસોચ્છવાસની તકલીફની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેમની તાબિયત વધુ ખરાબ થતાં તેણીએ દેહ છોડી દીધો હતો.

વૃક્ષ માતા તરીકે ઓળખાતા જાણીતા પર્યાવરણવાદી સાલુમરદા થિમ્મક્કાનું 114 વર્ષની વયે અવસાન થયું છે. તેણીના શરીરમાં નબળાઈ હતી અને તેમને ભૂખ પણ નહોતી લાગતી. નાદુરસ્ત તબિયતને કારણે તેમને જયાનગરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જયાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

કોણ હતા સાલુમરદા થિમ્મક્કા?

સાલુમરદા થિમ્મક્કા કર્ણાટકના હતાં. તે પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા હતાં. થિમ્મક્કાએ 8000 થી વધુ વૃક્ષો વાવ્યા છે, જેમાં 400 વડના વૃક્ષોનો સમાવેશ થાય છે, જેના કારણે તેમને “વૃક્ષ માતા”નું બિરુદ મળ્યું છે.

30 જૂન, 1911 ના રોજ તુમાકુરુ જિલ્લાના ગુબ્બી તાલુકામાં જન્મેલા, થિમ્મક્કાના લગ્ન હુલીકલ ગામના ચિક્કૈયા સાથે થયા હતા. આ દંપતીને કોઈ સંતાન નહોતું. જેના કારણે તેણી રસ્તાના કિનારે વડના છોડ વાવતા અને તેનો ઉછેર કરતા હતાં. પોતાના બાળકોની જેમ જ તેઓ છોડની સંભાળ રાખતા હતા. આને કારણે તેણીને “સાલુમરદા (વૃક્ષોની હરોળ)” થિમ્મક્કા નામનું બિરુદ મળ્યુ હતું.

અભણ હોવા છતાં, તેણી પર્યાવરણ સંરક્ષણની આંતરરાષ્ટ્રીય પ્રતીક બની ગયા. વર્ષોથી, તેણીને રાજ્યોત્સવ પુરસ્કાર, વિશાલાક્ષી પુરસ્કાર, નાડોજા પુરસ્કાર (2010) અને પ્રતિષ્ઠિત પદ્મશ્રી (2019) સહિત અનેક સન્માનો મળ્યા. 2020 માં, કર્ણાટકની સેન્ટ્રલ યુનિવર્સિટીએ તેણીને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.

દેશભરના રાજકીય નેતાઓ, પર્યાવરણવાદીઓ અને જાહેર હસ્તીઓએ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું, “‘વૃક્ષમાતા’ સાલુમરદા થિમ્મક્કાના નિધનના સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. હજારો વૃક્ષો વાવીને અને પોતાના બાળકોની જેમ તેમનું પાલન-પોષણ કરીને, થિમ્મક્કાએ પોતાનું મોટાભાગનું જીવન પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત કર્યું. જોકે તે આજે આપણને છોડીને ચાલી ગયા છે, પરંતુ પ્રકૃતિ પ્રત્યેના તેમના પ્રેમે તેમને અમર બનાવી દીધા છે. જે મહાન આત્મા વિદાય લઈ ગયા છે તેમને મારી શ્રદ્ધાંજલિ.”