ગોપી બહુ ઉર્ફે જિયા માણેક લગ્નના બંધનમાં બંધાઈ, જાણો કોણ છે વરુણ જૈન?

ટેલિવિઝન અભિનેત્રી અને ગોપી બહુ તરીકે જાણીતી જિયા માણેક લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. જિયા માણેકે અભિનેતા વરુણ જૈને સાથે પ્રભુતામાં પગલા માંડ્યા છે. તેમણે 21 ઓગસ્ટના રોજ તેમના લગ્નની જાહેરાત કરતી એક પોસ્ટ શેર કરીને ચાહકોને ખુશખબરી આપી છે. આ કપલે પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા.

જીયાએ ઇન્સ્ટાગ્રામ પર લગ્નના બે ફોટા શેર કર્યા અને કેપ્શનમાં લખ્યું, “ભગવાન અને ગુરુની કૃપા અને અપાર પ્રેમથી, અમે આ શાશ્વત જોડાણમાં પ્રવેશ કર્યો છે, હાથમાં હાથ જોડીને, હૃદયથી હૃદય. અમે બે મિત્રો હતા, આજે અમે પતિ-પત્ની છીએ. અમે અમારા બધા પ્રિયજનોના પ્રેમ, આશીર્વાદ અને શુભેચ્છાઓ માટે ખૂબ આભારી છીએ જેમણે આ દિવસને ખાસ બનાવ્યો. શ્રી અને શ્રીમતી જીયા અને વરુણ તરીકે હાસ્ય, સાહસો, યાદો અને એકતાથી ભરપૂર જીવનની શુભેચ્છા.”

જિયાને ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી બહુના રોલથી ખ્યાતિ મળી હતી. વરુણ ‘દિયા ઔર બાતી હમ’માં મોહિત રાઠીના રોલ માટે જાણીતો છે. જિયા અને વરુણે ‘તેરા મેરા સાથ રહે’માં પણ સાથે કામ કર્યું હતું, જ્યાં તેમની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. વરુણને ‘સાથ નિભાના સાથિયા’માં ચિરાગ મોદીની ભૂમિકા માટે પણ યાદ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ કપલને ઘણી શુભેચ્છાઓ પાઠવી છે.

 

View this post on Instagram

 

A post shared by Gia Manek (@gia_manek)

જિયા માણેકના પતિ વરુણ જૈન કોણ છે?

ટીવી દર્શકો માટે વરુણ જૈન નવો ચહેરો નથી. તેમણે ‘દિયા ઔર બાતી હમ’માં મોહિત રાઠીનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. આ ઉપરાંત, તેઓ ‘કાલી – એક અગ્નિપરીક્ષા’, ‘મેરે અંગને મેં’, ‘પહરેદાર પિયા કી’ અને ‘રિશ્તા લિખેંગે હમ નયા’ જેવી સિરિયલોમાં પણ જોવા મળ્યા છે. વરુણ મોડેલિંગમાંથી અભિનયની દુનિયામાં આવ્યો હતો અને હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના હજારો ફોલોઅર્સ છે.

જીયા અને વરુણની જોડી વિશે બીજી એક રસપ્રદ વાત એ છે કે તેમની ઉંમરમાં પાંચ વર્ષનો તફાવત છે. 18 ફેબ્રુઆરીએ જન્મેલી જીયાએ આ વર્ષે પોતાનો 39મો જન્મદિવસ ઉજવ્યો, જ્યારે વરુણનો જન્મ 15 એપ્રિલ, 1991ના રોજ થયો હતો અને તે હાલમાં 34 વર્ષનો છે.

બંનેની મુલાકાત ટીવી શો ‘તેરા મેરા સાથ રહે’ દરમિયાન થઈ હતી. શૂટિંગ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઈ, જે સમય જતાં ગાઢ બની. શો પૂરો થયા પછી પણ, જિયા અને વરુણ સાથે રહ્યા અને આખરે આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ અને હવે લગ્નના બંધનમાં બંધાઈ જીવનનો એક નવો તબક્કો શરૂ કર્યો.