યુસુફ પઠાણ ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો; પાંચ મહિના માટે સસ્પેન્ડ થયો છે

મુંબઈ – ક્રિકેટ ઓલરાઉન્ડર યુસુફ પઠાણને ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પાંચ મહિના માટે સસ્પેન્ડ કર્યો છે અને એનો સસ્પેન્શન પીરિયડ 14 જાન્યુઆરીએ પૂરો થશે.

ક્રિકેટ બોર્ડે આજે આની જાહેરાત કરતાં કહ્યું કે પઠાણને ગયા વર્ષની 15 ઓગસ્ટની પાછલી તારીખથી લાગુ થાય એ રીતે પાંચ મહિનાનું સસ્પેન્શન લાગુ કરવામાં આવ્યું છે.

પઠાણ ગયા વર્ષની 16 માર્ચે એક ટ્વેન્ટી-20 સ્પર્ધા દરમિયાન લેવામાં આવેલી ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. એને ત્યારથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પઠાણે એના ગુનાની કબૂલાત કરી હતી અને એને પાંચ મહિનાનું સસ્પેન્શન ફટકારવામાં આવ્યું હતું, એમ બીસીસીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે.

યુસુફ પઠાણે ક્રિકેટ બોર્ડનો આભાર માનતો આ પત્ર રિલીઝ કર્યો છે

ડોપિંગને લગતા નિયમોનો ભંગ કરવા બદલ યુસુફ પઠાણને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એણે એક પ્રતિબંધિત દ્રવ્યનું અજાણતાં સેવન કર્યું હતું. એ દ્રવ્ય કફ સિરપમાં સામાન્યપણે રહેતું હોય છે, એમ બીસીસીઆઈના નિવેદનમાં જણાવાયું છે.

યુસુફ પઠાણના યુરિનના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્યારે એમાં ટર્બ્યૂટાલીન દ્રવ્ય હોવાનું માલૂમ પડ્યું હતું. આ દ્રવ્યને વિશ્વસ્તરીય સંસ્થા WADA દ્વારા પ્રતિબંધિત દ્રવ્યોની યાદીમાં સામેલ કર્યું છે.

પઠાણને ગયા વર્ષની 27 ઓક્ટોબરે એન્ટી-ડોપિંગ રૂલ વાયોલેશન કમિશન દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યો હતો અને તરત જ એને સસ્પેન્ડ કરી દેવાયો હતો.

ત્યારબાદ પઠાણે કબૂલ કર્યું હતું કે એ દ્રવ્ય એને એક દવામાં ભૂલમાં આપવામાં આવ્યું હતું.

પઠાણે કરેલા ખુલાસાથી બીસીસીઆઈને સંતોષ થયો છે, એમ પણ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]