યોગાસનને દેશમાં સ્પર્ધાત્મક રમત તરીકે પ્રમોટ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે યોગવિદ્યાને દેશમાં એક સ્પર્ધાત્મક રમત તરીકે પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. સરકારનો હેતુ દેશના યુવા વ્યક્તિઓમાં યોગાસન, તેના લાભ અને તેના આધ્યાત્મિક મહત્ત્વ વિશે જનજાગૃતિ લાવવાનો છે. યોગવિદ્યાના વિકાસ તથા તેને એક સ્પર્ધાત્મક રમત તરીકે વિક્સાવવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્થાપના પણ કરી છે.

કેન્દ્રના ‘આયુષ’ (આયુર્વેદ યોગા એન્ડ નેચરોપથી યુનાની સિદ્ધ હોમિયોપેથી) ખાતાના પ્રધાન શ્રીપાદ યેસ્સો નાઈક તથા કેન્દ્રના ખેલકૂદ તથા યુવાઓની બાબતોના ખાતાના પ્રધાન કિરન રિજીજુએ આજે જાહેરાત કરી છે કે યોગની એક ખેલકૂદ સ્પર્ધા શરૂ કરવામાં આવશે. રિજીજુએ કહ્યું કે યોગાસન હવે ભારતમાં એક સ્પર્ધાત્મક રમત તરીકે વિધિસર માન્યતા પામશે. છેલ્લા કેટલાક વર્ષોથી ઘણા દેશોએ યોગને એક રમત તરીકે અપનાવી છે. જુદા જુદા વયજૂથ તથા છોકરા-છોકરીઓનાં જૂથો માટે યોગાસનની અનેક પદ્ધતિ તથા પ્રકારમાં સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે.