કુસ્તીબાજ ગીતા ફોગાટે માતૃત્વ ધારણ કર્યું, પુત્રને જન્મ આપ્યો; અભિનંદનની વર્ષા

ચંડીગઢ – ફ્રીસ્ટાઈલ કુસ્તીબાજ ગીતા ફોગાટને નાતાલ તહેવારની પૂર્વસંધ્યાએ એનાં જીવનની સૌથી મોટી ગિફ્ટ મળી. એની કૂખે દીકરાનો જન્મ થયો. ગીતા અને એનાં પતિ પવનનું આ પહેલું જ સંતાન છે. એમણે આ આનંદના સમાચાર એમના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યા હતા.

આ સમાચાર વહેતા થતાં જ ગીતા અને પવન પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

ગીતા અને પવને 2016માં લગ્ન કર્યા હતા.

ગીતા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કુસ્તી રમતમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલી જ ભારતીય મહિલા છે.

ગીતાએ 2017માં કોમનવેલ્થ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

એ જ વર્ષે ટીવી રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 8’માં એને સ્પર્ધક તરીકે પસંદ કરવામાં આવી હતી અને સૌથી વધુ રકમની એને ચૂકવણી કરવામાં આવી હતી.

ગીતાની જેમ એની બહેન બબીતા ફોગાટ પણ કુસ્તીબાજ છે.

આ બંને બહેનોનાં જીવનસંઘર્ષ પરથી જ આમિર ખાને હિન્દી ફિલ્મ ‘દંગલ’ બનાવી હતી જે સુપરહિટ નિવડી છે. બંને બહેનોને કુસ્તીની તાલીમ એમનાં પિતાએ જ આપી હતી, જેઓ પોતે હરિયાણાના કુસ્તીબાજ હતા.

ગીતાનો પતિ પવન કુમાર પણ કુસ્તીબાજ છે. બંનેને અભિનંદન આપવામાં મોખરે રહેલાઓમાં સાઈના નેહવાલ, બજરંગ પુનિયા, રિતુ ફોગાટ, કરણવીર બોહરા, કર્ણ વાહી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અભિનેત્રી હીના ખાન, ગાયિકા રિચા શર્મા, અભિનેત્રી શિલ્પા સેટ્ટીએ પણ ટ્વિટર-ઈન્સ્ટાગ્રામ પર ગીતાને અભિનંદન આપ્યાં છે.

પોતે ગર્ભવતી છે એ સમાચાર ગીતાએ ગયા સપ્ટેંબરમાં આપ્યા હતા.

ઉનાળુ ઓલિમ્પિક્સ માટે ક્વાલિફાય થનાર ગીતા પહેલી ભારતીય કુસ્તીબાજ હતી.