વર્લ્ડ બેડમિન્ટન રેન્કિંગ્સઃ પાંચ ભારતીય પુરુષ ખેલાડી ટોપ-20માં

મુંબઈ – વિશ્વ બેન્ડમિન્ટન રેન્કિંગ્સની આજે જાહેરાત કરવામાં આવી છે. પુરુષોના વિભાગમાં સિંગલ્સમાં રમતા ભારતના પાંચ ખેલાડીઓએ ટોપ-20માં સ્થાન મેળવ્યું છે.

કિદામ્બી શ્રીકાંત હાલ 8મા ક્રમે છે. તે મેન્સ સિંગલ્સ કેટેગરીમાં ભારતીયોમાં મોખરે છે. ત્યારપછીના ક્રમે આવે છે એચ.એસ. પ્રણય, જે 15મા નંબરે છે. જાપાન ઓપન બેડમિન્ટનમાં તે ક્વોર્ટર ફાઈનલમાં પહોંચ્યો હતો એટલે તેણે રેન્કિંગ્સમાં ચાર સ્થાનની છલાંગ લગાવી છે.

બી. સાઈ પ્રણીત 17મા, સમીર વર્મા 19મા અને અજય જયરામ 20મા નંબરે છે.

એચ.એસ. પ્રણય

ગયા ઓગસ્ટમાં વિશ્વ સ્પર્ધા જીતનાર ડેન્માર્કનો વિક્ટર એક્સલ્સન રેન્કિંગ્સમાં પહેલા નંબરે છે. એણે દક્ષિણ કોરિયાના સોન વાન હો ને પાછળ રાખી દીધો છે.

23 વર્ષીય એક્સલ્સન 76,200 પોઈન્ટ્સ સાથે પહેલા નંબરે છે. આ અઠવાડિયે જાપાન ઓપન સુપરસિરીઝમાં મલેશિયાના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 લી ચોન્ગ વેઈને હરાવ્યા બાદ એક્સલ્સનના પોઈન્ટ્સમાં જબ્બર ઉછાળો આવ્યો છે.

મહિલાઓની સિંગલ્સના વિભાગમાં, ભારતની ઓલિમ્પિક ચંદ્રકવિજેતાઓ પી.વી. સિંધુ અને સાઈના નેહવાલ અનુક્રમે દ્વિતીય અને 12મા ક્રમે યથાવત્ રહી છે.

મહિલાઓની સિંગલ્સ યાદીમાં ચીનની તાઈ તૂ યીન્ગ પહેલા નંબરે છે જ્યારે રિયો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સ્પેનની કેરોલીના મેરીન ચોથા ક્રમે છે.