મહિલાઓની વર્લ્ડ કપ હોકીઃ પ્લે ઓફ્ફમાં ઈટાલીને હરાવવા ભારત ફેવરિટ

લંડન – અહીં મહિલાઓની રમાતી વર્લ્ડ કપ હોકી સ્પર્ધામાં ભારતીય ટીમ નોક-આઉટ તબક્કામાં પહોંચી ગઈ છે. મંગળવારે એનો મુકાબલો પ્લે-ઓફ્ફ મેચમાં ઈટાલી સામે છે. ઈટાલીની ટીમ નીચી રેન્કવાળી છે અને એની સામે જીતવા માટે ભારતીય ટીમ ફેવરિટ છે. આ મેચ જીતનાર ટીમ 2 ઓગસ્ટે ક્વાર્ટર ફાઈનલમાં આયરલેન્ડ સામે રમશે.

પૂલ-Bમાં રાની રામપાલની આગેવાની હેઠળની ટીમ ત્રીજા સ્થાન પર રહી હતી. પહેલા બે સ્થાને આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ હતી. ચોથા સ્થાને અમેરિકાની ટીમ રહી.

વિશ્વમાં ભારતીય ટીમ 10મી રેન્ક ધરાવે છે. એણે સાતમી રેન્કવાળી અમેરિકા સામે રવિવારની મેચને 1-1થી ડ્રોમાં કરી હતી. ભારતનો એકમાત્ર ગોલ કેપ્ટન રાનીએ કર્યો હતો.

ઈટાલીની ટીમ વિશ્વમાં 17મી રેન્ક ધરાવે છે. એ પૂલ-Aમાં બીજા સ્થાને રહી હતી. છેલ્લી પૂલ મેચમાં વર્લ્ડ નંબર-1 નેધરલેન્ડ્સ સામે એનો 1-12થી પરાજય થયો હતો.

જોકે એ જ ઈટાલીએ તે પહેલાં ચીનને 3-0થી અને દક્ષિણ કોરિયાને 1-0થી પરાજય આપ્યો હતો.

રાનીનું માનવું છે કે એની ટીમ ઈટાલીને ગંભીર હરીફ તરીકે ગણશે. અમે એમને હરાવી જ દઈશું એવા વધુપડતા આત્મવિશ્વાસ સાથે નહીં ઉતરીએ.

સ્પર્ધામાં ગોલકીપર સવિતાનાં સરસ દેખાવને કારણે ભારતીય ટીમની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં માત્ર ત્રણ ગોલ જ થયા છે. એને ડીફેન્ડર્સ સુનિતા લાકરા, ડીપ ગ્રેસ ઈક્કા, દીપિકા અને ગુરજીત કૌરનો સરસ સાથ મળ્યો છે.

તે છતાં ભારતે પોતાનું આક્રમણ સુધારવાની જરૂર છે. રાની અને વંદના કટારીયાએ એમના કમ્બાઈનને અન્ય એટેકર્સની સાથે મળીને આક્રમણને સુધારવાની જરૂર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]