મહિલાઓની T20 એશિયા કપ ફાઈનલમાં ભારતનો બાંગ્લાદેશ સામે આંચકાજનક પરાજય

ક્વાલાલમ્પુર (મલેશિયા) – હરમનપ્રીત કૌર ભુલ્લરની આગેવાની હેઠળની ભારતીય ટીમે એશિયા કપ T20 ટ્રોફી ગુમાવી. અત્રે આજે રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં એનો બાંગ્લાદેશ સામે મેચના છેલ્લા બોલે 3-વિકેટથી આંચકાજનક પરાજય થયો છે. બાંગલાદેશની મહિલા ટીમે આ પહેલી જ વાર T20 એશિયા કપ સ્પર્ધા જીતી છે. બાંગ્લાદેશની ટીમ છેલ્લા બોલે જીતી જતાં ભારતીય હરમનપ્રીત કૌરની હાફ સેન્ચુરી (42 બોલમાં 56 રન) અને લેગબ્રેક બોલર પૂનમ યાદવ (4 વિકેટ)નો ઉત્કૃષ્ટ દેખાવ ફોગટ ગયો છે.

ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 112 રન કર્યા હતા. તેના જવાબમાં, બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 113 રન કરીને મેચ અને વિજેતાની ટ્રોફી જીતી લીધી હતી.

હરમનપ્રીત કૌરે મેચની છેલ્લી ઓવર ફેંકી હતી. એ ઓવરમાં બાંગ્લાદેશને જીત માટે 9 રન કરવાની જરૂર હતી. પહેલા બોલે 1 રન, બીજા બોલે બાઉન્ડરી, ત્રીજા બોલે વળી 1 રન થયો હતો. ચોથા બોલે વિકેટ પડી હતી. પાંચમા બોલે ખેલાડી રનઆઉટ થઈ હતી. છેલ્લા બોલમાં બાંગ્લાદેશને જીત માટે 2 રનની જરૂર હતી. જહાંઆરા આલમે ફટકો માર્યો હતો, મિડ-વિકેટ પરની ભારતીય ફિલ્ડર દોડવામાં ધીમી રહી હતી અને એનો થ્રો પણ બરાબર આવ્યો નહોતો અને જહાંઆરા-કેપ્ટન સલમા ખાતુન બે રન દોડવામાં સફળ રહી હતી. આમ, છેક છેલ્લા બોલે બાંગ્લાદેશને જીત પ્રાપ્ત થઈ હતી.

સૌથી વધારે નિરાશા હરમનપ્રીત કૌરને થઈ હશે, કારણ કે ભારતના દાવમાં એણે સૌથી વધુ 56 રન કર્યા હતા. એણે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ જીત્યો હતો, પરંતુ વિજેતાને બદલે રનર્સ-ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો.

બાંગ્લાદેશની લેગબ્રેક બોલર રુમાના એહમદને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાઈ હતી. એણે 4 ઓવરમાં બે વિકેટ લીધી હતી અને બેટિંગમાં 22 બોલમાં 23 રન કર્યા હતા. બાંગલાદેશની ટીમની હાઈએસ્ટ સ્કોરર હતી નિગાર સુલતાના, જેણે 27 રન કર્યા હતા.

ભારતીય ટીમે સ્પર્ધામાં અગાઉ બાંગલાદેશને પરાજય આપ્યો હતો અને શનિવારે પાકિસ્તાનને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.