રોહિતને કેવી રીતે અંકુશમાં રાખવો? ઓસ્ટ્રેલિયન ટીમ ચિંતામાં

બ્રિસ્બેન – વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ત્રણ સીરિઝ રમવા માટે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પગ મૂક્યો છે એ સાથે જ યજમાન ક્રિકેટરો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. બંને ટીમ વચ્ચેના ક્રિકેટજંગનો આરંભ ત્રણ ટ્વેન્ટી-20 મેચોથી થશે. કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા તથા એમના અન્ય સાથીઓ હાલ જોરદાર ફોર્મમાં છે.

વિરાટના ફોર્મથી તો કાંગારું બોલરો ચિંતામાં છે જ, પણ એમને વધારે ડર લાગી રહ્યો છે ઓપનર રોહિત શર્માનો.
રોહિત શર્મા, ટ્વેન્ટી-20 અને વન-ડે ક્રિકેટનો નિષ્ણાત છે અને અનેક વિક્રમોનો ધારક છે, એને કેવી રીતે અંકુશમાં રાખવો એ વિશે ઓસ્ટ્રેલિયન ટીમ વ્યૂહરચના વિચારી રહી છે. આ માટે ઓસ્ટ્રેલિયન ટીમને ઘણા સૂચનો મળી રહ્યા છે.

આઈપીએલ સ્પર્ધામાં રમતા ફાસ્ટ બોલર નેથન કુલ્ટર-નાઈલે કહ્યું છે કે ઓસ્ટ્રેલિયાના બોલરોએ રોહિત શર્માને શાર્પ ઈનસ્વિંગર વડે સ્ટમ્પ્સની સામે ટ્રેપ કરવો અથવા શોર્ટ બોલ ફેંકીને એને ફટકો મારવા માટે લલચાવવો.
રોહિત શર્મા ડેન્જરસ ઓપનર છે એવું ઓસ્ટ્રેલિયનો માને છે. આ બેટ્સમેન ઓસ્ટ્રેલિયા સામે ઘણો સારો બેટિંગ રેકોર્ડ ધરાવે છે. એ અત્યાર સુધીમાં 62.31ની સરેરાશ સાથે 810 રન કરી ચૂક્યો છે.

બંને ટીમ વચ્ચે પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ 21 નવેમ્બરે બ્રિસ્બેનના ગબ્બા સ્ટેડિયમમાં રમાવાની છે.

કુલ્ટર-નાઈલે ગબ્બામાં એક મુલાકાતમાં જણાવ્યું કે રોહિત શર્મા અસાધારણ બેટ્સમેન છે. એના રેકોર્ડ જ બધું બોલે છે. એ દુનિયાભરમાં બધી જ ટીમો સામે સારો બેટિંગ રેકોર્ડ ધરાવે છે. એટલે અમારી ટીમે એનાથી સંભાળવું પડશે.
છેલ્લે જ્યારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી ત્યારે ડાબોડી ફાસ્ટ બોલર જેસન બેરનડોર્ફે શર્માને સસ્તામાં અને લેગબીફોર આઉટ કર્યો હતો. આ વખતે પણ એને દાવના વહેલા તબક્કે જ આઉટ કરી દેવાની કાંગારુંઓ વ્યૂહરચના ઘડી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]