વોર્નરને ભરોસો છે રોહિત શર્મા પર…

ઓસ્ટ્રેલિયાના ધુરંધર ઓપનર ડેવિડ વોર્નરનું માનવું છે કે ટેસ્ટ મેચના દાવમાં વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાનો 400*નો વ્યક્તિગત સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની ક્ષમતા ભારતના રોહિત શર્મામાં છે.

વોર્નરે એડીલેડ શહેરના એડીલેડ ઓવલ મેદાન ખાતે પાકિસ્તાન સામેની દ્વિતીય ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ગઈ કાલે 335 રન કરીને સર ડોનાલ્ડ બ્રેડમેન અને માર્ક ટેલરના 334* રનના આ જ મેદાન પરના વ્યક્તિગત શ્રેષ્ઠ સ્કોરના રેકોર્ડને તોડ્યો હતો. એ 335 રનના સ્કોર પર પહોંચ્યો કે તરત જ ટીમના કેપ્ટન ટીમે પેઈને ટીમનો દાવ 3 વિકેટે 589 રનના સ્કોર પર ડિકલેર કરી દીધો હતો. લારાના 400 રનના સ્કોરથી વોર્નર 65 રન દૂર રહ્યો હતો.

સોશિયલ મિડિયા પર ટીમ પેઈનની ટીકા થઈ છે કે એણે વોર્નરને લારાનો રેકોર્ડ તોડવાની તક ન આપીને અને દાવ વહેલો ડિકલેર કરી દીધો, પણ વોર્નર ખૂબ થાકી પણ ગયો હતો. પોતે લારાનો રેકોર્ડ ભલે તોડી ન શક્યો તે છતાં વોર્નર એવું માને છે કે ટેસ્ટ મેચના દાવમાં 400 રન કરવાની રોહિત શર્મામાં ક્ષમતા રહેલી છે અને નજીકના ભવિષ્યમાં એ કદાચ આ રેકોર્ડ તોડે પણ ખરો.

લારાએ 2004માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં એક જ દાવમાં 400 રન કર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો. એની પહેલાં વર્લ્ડ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ઓપનર મેથ્યૂ હેડનના નામે હતો – 380 રન.

ફોક્સ સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતાં વોર્નરે કહ્યું કે, આપણે ત્યાંના મેદાનોમાં બાઉન્ડરી લાઈનો લાંબી હોય છે એટલે આટલો મોટો સ્કોર કરવાનું મુશ્કેલ બને છે. વળી, થાક લાગ્યો હોય ત્યારે વધારે રમવું કઠિન બને છે. હાલની જ ઈનિંગ્ઝ વખતે, હું બબ્બે રન જ દોડતો હતો, કારણ કે બાઉન્ડરી ફટકારવાની મારામાં તાકાત રહી નહોતી.

સર ડોનાલ્ડ બ્રેડમેન

વોર્નરે કહ્યું કે લારાનો 400 રનનો રેકોર્ડ તોડવાની કોનામાં ક્ષમતા છે એવું જો તમે પૂછો તો હું રોહિત શર્માનું નામ લઈશ, ચોક્કસપણે.

રોહિત શર્મા હાલ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક ગણાય છે. મુંબઈનિવાસી રોહિત ટેસ્ટ ક્રિકેટમાં ખાસ સફળતા મેળવી શક્યો નથી, પણ એણે આ ફોર્મેટમાં ઝળહળતું કમબેક કર્યું હતું. એને ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામેની સિરીઝ વખતે ઓપનર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને એણે એક ડબલ સેન્ચુરી સાથે રનનો ઢગલો ખડકી દીધો હતો.

રોહિત શર્મા અત્યાર સુધીમાં માત્ર 30 ટેસ્ટ મેચ જ રમ્યો છે. એમાં તેણે 2,114 રન કર્યા છે. એનો હાઈએસ્ટ સ્કોર છે 212 રન, જે તેણે હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની મેચમાં ફટકાર્યા હતા. એ અત્યાર સુધીમાં 6 સદી અને 10 અડધી સદી ફટકારી ચૂક્યો છે. વન-ડે ઈન્ટરનેશનલ ફોર્મેટમાં એ 218 મેચ રમી ચૂક્યો છે અને 264 રનના હાઈએસ્ટ, વર્લ્ડ રેકોર્ડ સમાન સ્કોર સાથે કુલ 8,686 રન કરી ચૂક્યો છે.

વોર્નરે ઓસ્ટ્રેલિયા વતી ટેસ્ટ મેચના દાવમાં સૌથી વધુ વ્યક્તિગત રન કરનાર સર ડોનાલ્ડ બ્રેડમેનને 334 રનના રેકોર્ડને તોડી નાખ્યો છે.

વિરેન્દર સેહવાગે એક વખત કહ્યું હતું કે વોર્નર એક દિવસ પુરવાર કરશે કે એ ટ્વેન્ટ-20 ઈન્ટરનેશનલના બેટ્સમેન કરતાં ટેસ્ટ ફોર્મેટનો વધારે સારો બેટ્સમેન છે.

સેહવાગની એ ભવિષ્યવાણીને વોર્નરે સાચી પાડી છે.

ટેસ્ટ મેચના દાવમાં ત્રેવડી સદી ફટકારનાર વોર્નર સાતમો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યો છે. અન્ય બેટ્સમેનો છે – ડોન બ્રેડમેન (બે વખત – 334 અને 304), આર.બી. સિમ્પસન (311), આર.એમ. કૂપર (307), માર્ક ટેલર (334 નોટઆઉટ), મેથ્યૂ હેડન (380), માઈકલ ક્લાર્ક (329 નોટઆઉટ) છે.

ટેસ્ટ મેચના દાવમાં સૌથી વધુ વ્યક્તિગત રન ફટકારનાર ટોચના પાંચ બેટ્સમેન છે –

400* – બ્રાયન લારા (વેસ્ટ ઈન્ડિઝ) – ઈંગ્લેન્ડ સામે – એન્ટીગા (2003-04) 

380 – મેથ્યૂ હેડન (ઓસ્ટ્રેલિયા) – ઝિમ્બાબ્વે સામે – પર્થ (2003-04)

375 – બ્રાયન લારા (વેસ્ટ ઈન્ડિઝ) – ઈંગ્લેન્ડ સામે – એન્ટીગા (2003-04)

374 – મહેલા જયવર્દને (શ્રીલંકા) – સાઉથ આફ્રિકા સામે – કોલંબો (2006)

365* – સર ગાર્ફિલ્ડ સોબર્સ (વેસ્ટ ઈન્ડિઝ) – પાકિસ્તાન સામે – કિંગ્સટન (1957)

એડીલેડ ઓવલ મેદાન પર સૌથી વધારે વ્યક્તિગત સ્કોર કરવાનો રેકોર્ડ આ પહેલાં સર ડોનાલ્ડ બ્રેડમેનનો હતો – 299 રન.

ઓસ્ટ્રેલિયા ટીમના કોઈ બેટ્સમેન દ્વારા 2012 બાદ આ પહેલી ત્રેવડી સદી ફટકારવામાં આવી છે. એ વખતે માઈકલ ક્લાર્કે 329 રન કર્યા હતા.

પાકિસ્તાન સામે ત્રેવડી સદી ફટકારનાર વોર્નર ચોથો બેટ્સમેન છે. છેલ્લે, વિરેન્દર સેહવાગે મુલ્તાનમાં ત્રેવડી સદી ફટકારી હતી. એ દિવસથી જ એનું નામ મુલ્તાન કા સુલ્તાન પડી ગયું હતું.

ડે-નાઈટ ટેસ્ટ મેચમાં આ બીજી ત્રેવડી સદી છે. આ પહેલાં પાકિસ્તાનના અઝહર અલીએ 2016માં દુબઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]