આઈસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગ્સમાં હવે વિરાટ કોહલી નંબર-1

નવી દિલ્હી – ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી દ્વારા ટેસ્ટ ક્રિકેટ માટેના બેટ્સમેન માટેના રેન્કિંગ્સમાં પ્રથમ નંબરે રહ્યો છે. કોહલીએ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મીથને પાછળ પાડી દીધો છે. આ સિદ્ધિ હાંસલ કરનાર કોહલી કુલ 7મો ભારતીય બેટ્સમેન બન્યો છે અને 2011ના જૂનમાં સચીન તેંડુલકર બાદ પહેલો ભારતીય બેટ્સમેન બન્યો છે.

કોહલીએ એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં કરેલી સેન્ચુરીને પગલે ટેસ્ટ બેટ્સમેન માટેના આઈસીસી રેન્કિંગ્સમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કોહલીએ 31-રનથી ભારતના પરાજયવાળી ટેસ્ટમાં પહેલા દાવમાં 149 રન અને બીજા દાવમાં 51 રન કર્યા હતા.

એજબેસ્ટનમાં કરેલી બેટિંગના જોરે કોહલીએ 31 પોઈન્ટની છલાંગ લગાવી હતી અને એ સાથે જ સ્ટીવ સ્મીથ કરતાં આગળ નીકળી ગયો. સ્મીથ 32 મહિનાથી નંબર-1 રેન્ક પર હતો. આઈસીસી ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગ્સમાં કોહલી અને સ્મીથ પછીના નંબરે આ બેટ્સમેનો છેઃ જો રૂટ (ઈંગ્લેન્ડ), કેન વિલિયમ્સન (ન્યુ ઝીલેન્ડ), ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા), ચેતેશ્વર પૂજારા (ભારત), દીમૂઠ કરુણારત્ને (શ્રીલંકા), દિનેસ ચાંદીમલ (શ્રીલંકા), ડીન એલ્ગર (દક્ષિણ આફ્રિકા) અને એડન મારક્રમ (દક્ષિણ આફ્રિકા).

કોહલી 934 પોઈન્ટ્સ સાથે પહેલા નંબરે છે. જ્યારે સ્મીથના 929 પોઈન્ટ્સ છે.

કોહલીએ એની 67 ટેસ્ટ મેચોની કારકિર્દીમાં આ પહેલી જ વાર નંબર-1 પદ પ્રાપ્ત કર્યું છે. સ્મીથ કરતાં કોહલી હવે પાંચ પોઈન્ટ આગળ છે.

આઈસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગ્સમાં નંબર-1 હાંસલ કરનાર કોહલી અને તેંડુલકર ઉપરાંતના ભારતીય બેટ્સમેનો છેઃ રાહુલ દ્રવિડ, ગૌતમ ગંભીર, સુનીલ ગાવસકર, વિરેન્દર સેહવાગ અને દિલીપ વેંગસરકર.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]