વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટેની ભારતીય ટીમો જાહેરઃ ધોની નથી, ધવનનું પુનરાગમન

મુંબઈ – વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમની આજે અહીં જાહેરાત કરવામાં આવી છે.

ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણેય ફોર્મેટની ક્રિકેટ સીરિઝ રમવાની છે. આ ત્રણેય ફોર્મેટ માટેની ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી રહેશે.

T20 સીરિઝ માટે કેટલાક યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે અને એને આ પ્રવાસ માટેની એકેય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને આ પ્રવાસ માટે સામેલ કરાયો નથી. પોતે ભારતીય અર્ધલશ્કરી દળનો માનદ્દ અધિકારી છે અને લશ્કર માટેની અમુક કામગીરીઓમાં એણે ભાગ લેવાનો હોવાથી પોતે આ પ્રવાસ સહિત બે મહિના માટે ઉપલબ્ધ થઈ નહીં શકે એવી તેણે અગાઉથી જાહેરાત કરી હતી.

આ પ્રવાસ માટે વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ એહમદ અને નવદીપ સૈનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખેલાડીઓએ હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ-A સામેની શ્રેણીઓમાં ઈન્ડિયા-A વતી રમતાં સરસ દેખાવ કર્યો હતો.

ટેસ્ટ ટીમમાં અજિંક્ય રહાણે અને રિદ્ધિમાન સહાને તક આપવામાં આવી છે. એવી જ રીતે, હનુમા વિહારી અને મયંક અગ્રવાલનો પણ સમાવેશ કરાયો છે.

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ત્રણ T20 મેચો, બે ટેસ્ટ મેચ અને 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ રમશે.

ટેસ્ટ સીરિઝ પ્રારંભિક આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો હશે.

ભારતની ટેસ્ટ ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), મયંક અગ્રવાલ, કે.એલ. રાહુલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સહા (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ.

ભારતની વન-ડે ઈન્ટરનેશનલ ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમી, ભૂવનેશ્વર કુમાર, ખલીલ એહમદ, નવદીપ સૈની.

T20I માટેની ટીમઃ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભૂવનેશ્વર કુમાર, ખલીલ એહમદ, દીપક ચહર, નવદીપ સૈની.

નવદીપ સૈની દિલ્હીનો ફાસ્ટ બોલર છે. રાહુલ ચહર રાજસ્થાનનો લેગસ્પિનર છે. એનો નાની ઉંમરનો પિતરાઈ ભાઈ દીપક ચહર ફાસ્ટ બોલર છે.