રોમાંચક ત્રીજી ODIમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6-રનથી હરાવ્યું, સિરીઝ 2-1થી જીતી

કાનપુર – અહીંના ગ્રીન પાર્ક મેદાન ખાતે આજે અત્યંત રોમાંચક બની ગયેલા મુકાબલામાં ભારતે નિર્ણાયક ત્રીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂ ઝીલેન્ડને 6-રનથી હરાવીને ત્રણ મેચોની સિરીઝ 2-1થી જીતી લીધી છે.

ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળતાં ભારતે તેની 50 ઓવરમાં 6 વિકેટે 337 રન કર્યા હતા. તેના જવાબમાં ન્યૂ ઝીલેન્ડના બેટ્સમેનોએ જોરદાર લડત આપી હતી, પણ તેઓ 50 ઓવરમાં 7 વિકેટે 331 રન કરી શક્યા હતા અને ભારતનો 6-રનથી વિજય થયો હતો.

આજની મેચમાં ભારતના વિજયનો શ્રેય મુખ્યત્વે રોહિત શર્મા (147) અને કેપ્ટન વિરાટ કોહલી (113) વચ્ચે બીજી વિકેટ માટે થયેલી 230 રનની વિક્રમસર્જક ભાગીદારીને જાય છે. ત્યારબાદ ન્યૂ ઝીલેન્ડના દાવમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરા અને લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે બતાવેલા પરાક્રમે પણ ભારતની જીતમાં ભાગ ભજવ્યો હતો. આ બંને બોલરે મહત્વના તબક્કે ન્યૂ ઝીલેન્ડની વિકેટ પાડી હતી. બુમરાહ અને ચહલ, બંનેએ પોતપોતાની 10-10 ઓવરમાં 47-47 રનમાં અનુક્રમે 3 અને 2 વિકેટ લીધી હતી. ભૂવનેશ્વર કુમારે એક વિકેટ લીધી હતી તો વિકેટકીપર ટોમ લેધમ ધોની/બુમરાહના સહિયારા પ્રયાસોથી રનઆઉટ થયો હતો.

કોલીન મુનરો (75), કેપ્ટન કેન વિલિયમ્સન (64) અને ટોમ લેધમ (65)ના જોરદાર બેટિંગ પરફોર્મન્સને કારણે મેચ રસપ્રદ બની ગઈ હતી અને ભારતના બોલરોને અનેક તબક્કે મેચ ગુમાવી દેવાનો ડર લાગ્યો હતો. ખાસ કરીને ટોમ લેધમ ક્રીઝ પર હતો ત્યાં સુધી ભારતને જીતની પૂરી આશા નહોતી, પરંતુ ખરા સમયે ભારતને એની વિકેટ મળી હતી તેથી અંતે ટીમ ઈન્ડિયા વિજયી થઈ.

રોહિત શર્મા અને વિરાટ કોહલી વન-ડે ક્રિકેટમાં ડબલ સેન્ચુરીની ભાગીદારી ચાર વખત પૂરી કરનાર વિશ્વની પહેલી જોડી બન્યા છે.

ભારતીય ટીમે આ લગાતાર ૭મી બાઈલેટરલ (દ્વિપક્ષીય) વન-ડે સિરીઝ જીતી છે. પાકિસ્તાન ૨0૧૧-૧૨ની સાલમાં ૭ સિરીઝ જીત્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૯-૧૦ની સાલમાં ૮ સિરીઝમાં વિજય મેળવ્યો હતો જ્યારે વર્લ્ડ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝનો છે – ૧૫ સિરીઝ જીતવાનો, જે એણે ૧૯૮૦-૮૮ના સમયગાળામાં જીતી હતી.

આ છે, ભારતની સાત દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતઃ

ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ – 3 મેચોની સિરીઝ 2016માં – ભારતે 3-0થી જીતી

ન્યૂ ઝીલેન્ડનો ભારત પ્રવાસ – 5 મેચોની સિરીઝ 2016માં – ભારતે 3-2થી જીતી

ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ – 3 મેચોની સિરીઝ 2017માં – ભારતે 2-1થી જીતી


ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ – 5 મેચોની સિરીઝ 2017માં – ભારતે 3-1થી જીતી


ભારતનો શ્રીલંકા પ્રવાસ – 5 મેચોની સિરીઝ 2017માં – ભારતે 5-0થી જીતી


ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ – 5 મેચોની સિરીઝ 2017માં – ભારતે 4-1થી જીતી


ન્યૂ ઝીલેન્ડનો ભારત પ્રવાસ – 3 મેચોની સિરીઝ 2017માં – ભારતે 2-1થી જીતી.

અગાઉ, ભારતના દાવમાં, પોતાનું જોરદાર બેટિંગ ફોર્મ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. કારકિર્દીમાં તેની આ ૩૨મી સદી થઈ છે.

આ સદીની સાથોસાથ કોહલીએ કારકિર્દીમાં ૯૦૦૦ રન પૂરા પણ કરી લીધા છે. આ સિદ્ધિ હાંસલ કરનાર એ માત્ર છઠ્ઠો ભારતીય બેટ્સમેન છે.

આ પૂર્વે મહેન્દ્ર સિંહ ધોની, સચીન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને મોહમ્મદ અઝહરુદ્દીન આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે.

વિશ્વમાં, વન-ડે ક્રિકેટમાં ૯૦૦૦ રન પૂરા કરનાર કોહલી ૧૯મો બેટ્સમેન બન્યો છે, પણ ૨૦૨મી મેચ અને ૧૯૪મા દાવમાં ૯૦૦૦ રન પૂરી કરીને આ સિદ્ધિ હાંસલ કરનાર એ દુનિયાનો ફાસ્ટેસ્ટ બેટ્સમેન બન્યો છે.

સિરીઝની પુણેમાં રમાઈ ગયેલી બીજી મેચમાં પણ કોહલીએ સદી ફટકારી હતી અને એણે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગની ૩૦ સદીના આંકને પાર કર્યો હતો. હવે કોહલીની આગળ માત્ર સચીન તેંડુલકર છે – જેની ૪૯ સદી છે.

કોહલીએ આજે તેની સદી ૯૬ બોલમાં પૂરી કરી હતી. અંતે તે વ્યક્તિગત ૧૧૩ રન કરીને આઉટ થયો હતો જેમાં ૯ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ હતો. એણે અને રોહિત શર્મા (૧૪૭)ની જોડીએ મળીને બીજી વિકેટ માટે ૨૧૧ બોલમાં ૨૩૦ રનની વિક્રસમર્જક ભાગીદારી કરી હતી. એના જોરે ભારતે પોતાના હિસ્સાની ૫૦ ઓવરમાં ૬ વિકેટે ૩૩૭ રનનો ડુંગર ખડકી દીધો હતો. રોહિત શર્માએ કારકિર્દીની ૧૫મી સદી ફટકારી છે.