યુસૈન બોલ્ટનો નવો વિક્રમઃ એણે ઝીરો ગ્રેવિટી સ્પેસમાં પણ રેસ જીતી બતાવી

ન્યુ યોર્ક – આઠ વખત ઓલિમ્પિક ચેમ્પિયન બનેલા અને દંતકથા સમાન ગણાતા દોડવીર યુસૈન બોલ્ટે સાબિત કરી બતાવ્યું છે એ જમીન પર તો સૌથી ફાસ્ટ દોડી શકે છે, પરંતુ અવકાશમાં (ગુરુત્ત્વાકર્ષણ બળ વિહોણા વાતાવરણમાં) પણ સૌથી વધારે ઝડપથી દોડી શકે છે.

જમૈકાના ચેમ્પિયન રનર બોલ્ટે પોતાની રનિંગ ક્ષમતાનો પરચો સ્પેસમાં પણ બતાવી દીધો છે.

એક શેમ્પેઈન કંપનીએ તેના પ્રમોશનલ કાર્યક્રમના ભાગરૂપે ઝીરો ગ્રેવિટી સ્પેસ રેસનું આયોજન કર્યું હતું.

બોલ્ટ વિશેષ એવા એરબસ ઝીરો G વિમાનમાં સવાર થયો હતો. આ વિમાન ઝીરો ગ્રેવિટી (ગુરુત્ત્વાકર્ષણવિહોણા વાતાવરણ) જેવું હોય છે. બોલ્ટે વિમાનની અંદર યોજાયેલી ફૂટ રેસમાં તેના બે સાથી પેસેન્જરને પડકાર્યા હતા અને રેસ આસાનીથી જીતી બતાવી હતી. રેસ વખતે બોલ્ટ લગભગ ઉડતો દેખાયો હતો.

ઓલિમ્પિક સહિતની અનેક સ્પર્ધાઓની રેસ વખતે બોલ્ટને દોડતો જોઈને ઘણી વાર લોકો કહેતા કે બોલ્ટ દોડતો નથી, પણ ઉડતો હોય છે. ઝીરો ગ્રેવિટી સ્પેસ રેસ જોઈને બોલ્ટને ઉડતો જોવાનું એનાં પ્રશંસકોનું સપનું સાકાર થયું ગણાય.

બોલ્ટ ઓલિમ્પિક ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 11 ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. 2014ની ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં એણે 4X100 મીટર રીલે દોડનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પોતાના આ અનુભવ વિશે બોલ્ટે કહ્યું કે આ તો યાદગાર, શાનદાર અને સાવ નોખા પ્રકારનો અનુભવ થયો. હું જાણે કોઈ બાળક હોઉં એવી લાગણી મને થતી હતી. હું હવામાં કોઈ હળવીફૂલ ચીજની જેમ અહીંયા-ત્યાં ઉડતો હતો. બહુ મજા આવી.

બોલ્ટની સાથે એ વિમાનમાં ફ્રેન્ચ અવકાશયાત્રી જ્યાં-ફ્રાન્કોઈસ ક્લેરવોય અને નોવ્ઝસ્પેસના સીઈઓ તથા ફ્રેન્ચ ઈન્ટીરિયર ડિઝાઈનર ઓક્ટાવી ડી ગોલે પણ હતા. એમણે બોલ્ટની જેમ દોડવાનો પ્રયાસ કર્યો હતો, પણ નિષ્ફળ ગયા હતા. તે આ નીચેના વિડિયો પરથી જોઈ શકાય છે. રેસ બાદ સૌએ શેમ્પેઈન પીવાનો આનંદ માણ્યો હતો.

httpss://twitter.com/usainbolt/status/1039940885780344833

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]