અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતનો વિજયી પ્રારંભઃ ઓસ્ટ્રેલિયાને 100 રનથી કચડી નાખ્યું

માઉન્ટ મોન્ગનુઈ – અહીંના બૅ ઓવલ મેદાન પર આજે ભારતના 19-વર્ષની નીચેની વયના ક્રિકેટરો આઈસીસી અન્ડર-19 વર્લ્ડ કપમાં એમની પહેલી મેચ રમ્યા હતા. જેમાં એમણે ઓસ્ટ્રેલિયાને 100-રથી કારમો પરાજય આપ્યો.

ગ્રુપ-Bમાં સ્થાન પામેલા ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરીને પોતાના હિસ્સાની 50 ઓવરમાં 7 વિકેટે 328 રન કર્યા હતા. એના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 42.5 ઓવરમાં 228 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતની જીતમાં કેપ્ટન પૃથ્વી શૉનો સર્વોત્તમ દેખાવ કર્યો હતો. એણે 94 રન કર્યા હતા અને એને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

મનજોત કાલરાએ 86 અને વાઈસ કેપ્ટન શુભમાન ગિલે 63 રન કર્યા હતા.

ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરવામાં ભારત તરફથી સૌથી સફળ બોલર રહ્યા હતા શિવમ માવી અને કમલેશ નાગરકોટી. આ બંનેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.

અભિષેક શર્મા અને અંકુલ રોયે એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના બે બેટ્સમેન રનઆઉટ થયા હતા.

ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ પૃથ્વી અને કાલરાએ પહેલી વિકેટ માટે 29.4 ઓવરમાં 180 રન કર્યા હતા. આ ભાગીદારીને કારણે જ ભારત કાંગારું ટીમ સામે તોતિંગ જુમલો ખડો કરી શકી હતી. પૃથ્વી, કાલરા અને ગિલને બાદ કરતાં બીજો કોઈ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નહોતો. હિમાંશુ રાણા, અંકુલ રોય, અભિષેક શર્મા, શિવા સિંહ સામાન્ય સ્કોર કરીને આઉટ થયા હતા.

ભારતીય ટીમ હવે પોતાની બીજી મેચ 16મીએ રમશે જેમાં એનો સામનો કરશે પપુઆ ન્યૂ ગીની ટીમ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]