U-19 ક્રિકેટ WC: ચોથી વાર ચેમ્પિયન બનવાનો ભારતનો ઈરાદો

19 વર્ષથી ઓછી વયના ક્રિકેટરો માટેની આઈસીસી વર્લ્ડ કપ સ્પર્ધાનો શનિવારથી ન્યૂ ઝીલેન્ડમાં આરંભ થઈ રહ્યો છે. 1988થી શરૂ થયેલી અને અત્યાર સુધીમાં રમાઈ ગયેલી 11 વર્લ્ડ કપમાં ભારત ત્રણ વાર ચેમ્પિયન બન્યું છે. 2000માં મોહમ્મદ કૈફના સુકાનીપદ હેઠળ, 2008માં વિરાટ કોહલી કેપ્ટન હતો અને 2012માં ઉન્મુક્ત ચંદની કેપ્ટનસી હેઠળ ભારત વિશ્વવિજેતા બન્યું હતું.

12મી વર્લ્ડ કપ જીતીને ચોથી વાર ચેમ્પિયન બનવાનું સપનું ઘડ્યું છે કેપ્ટન પૃથ્વી શૉ અને તેનાં સાથીઓએ.

21 દિવસ સુધી (13 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી) રમાનારી આ વખતની સ્પર્ધા 16 ટીમો વચ્ચે રમાશે. બધી ટીમોને ચાર ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. દરેક ટીમ ગ્રુપમાં એકબીજા સામે રાઉન્ડ રોબીન ફોર્મેટમાં એક-એક મેચ રમશે.

દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ સુપર લીગ તબક્કામાં જશે અને ત્યારબાદ ક્વાર્ટર ફાઈનલ, સેમી ફાઈનલ અને ફાઈનલ મેચો રમાશે.

ફાઈનલ મેચ 3 ફેબ્રુઆરીએ મોન્ગનુઈના બૅ ઓવલ મેદાન પર રમાશે.

આઈસીસી U-19 ક્રિકેટ સ્પર્ધા 1988માં શરૂ થયા બાદ બીજી આવૃત્તિ દસ વર્ષ બાદ, છેક 1998માં રમાઈ હતી. પણ ત્યારબાદ એ દર બે વર્ષે રમાતી આવી છે. 2016માં આ સ્પર્ધા બાંગ્લાદેશમાં રમાઈ હતી. ગઈ વેળાની સ્પર્ધામાં વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન બન્યું હતું. ભારતનું કટ્ટર હરીફ પાકિસ્તાન પણ બે વાર આ સ્પર્ધા જીતી ચૂક્યું છે.

અન્ડર-19 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે ઝળકીને રાષ્ટ્રીય સ્તરે પણ ટીમના આગેવાન બનવામાં સફળ થયા છે – વિરાટ કોહલી, સ્ટીવ સ્મીથ (ઓસ્ટ્રેલિયા) અને કેન વિલિયમ્સન (ન્યૂ ઝીલેન્ડ).

રાહુલ દ્રવિડના કોચપદ હેઠળની ટીમ ઈન્ડિયાને ગ્રુપ-Bમાં સ્થાન મળ્યું છે. આ ગ્રુપમાં તેની સાથે છે – ઓસ્ટ્રેલિયા, પપુઆ ન્યૂ ગિની, ઝિમ્બાબ્વે.

ગ્રુપ-Aની ટીમો છેઃ યજમાન ન્યૂ ઝીલેન્ડ, કેન્યા, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ.

ગ્રુપ-Cની ટીમો છેઃ બાંગ્લાદેશ, કેનેડા, ઈંગ્લેન્ડ અને નામિબીયા.

ગ્રુપ-Dની ટીમો છેઃ અફઘાનિસ્તાન, આયરલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા.

ભારત તેની પહેલી ગ્રુપ મેચ ઓસ્ટ્રેલિયા સામે રવિવારે રમશે.

 

ભારતની ગ્રુપ મેચોઃ

ભારત 14 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે રમશે.

16 જાન્યુઆરીએ પપુઆ ન્યૂ ગિની સામે.

19 જાન્યુઆરીએ ઝિમ્બાબ્વે સામે.

બધી મેચો મોન્ગનુઈના બૅ ઓવલ મેદાન પર રમાશે.

 

સ્પર્ધામાં આ ખેલાડીઓનાં દેખાવ પર સૌની નજર રહેશેઃ

પૃથ્વી શૉ (ભારત)

જેસન જસકિરાત સિંહ સાંઘા (ઓસ્ટ્રેલિયા)

કર્સ્ટન કાલીચરણ (વેસ્ટ ઈન્ડિઝ)

રાશીન રવિન્દ્ર (ન્યૂ ઝીલેન્ડ)

કામિન્દુ મેન્ડિસ (શ્રીલંકા)

વિલ જેક્સ (ઈંગ્લેન્ડ)

મુજીબ ઝદરાન (અફઘાનિસ્તાન)

 

ભારતીય ટીમઃ

પૃથ્વી શૉ (કેપ્ટન), શુભમાન ગિલ (વાઈસ કેપ્ટન), મનજોત કાલરા, હિમાંશુ રાણા, અભિષેક શર્મા, રીયાન પરાગ, આર્યન જુયાલ (વિકેટકીપર), હાર્વિક દેસાઈ (વિકેટકીપર), શિવમ માવી, કમલેશ નાગરકોટી, ઈશાન પોરેલ, અર્શદીપ સિંહ, અનુકૂલ રોય, શિવા સિંહ અને પંકજ યાદવ.

 

ભારતને જેમના પર મદાર છે એવા ખાસ ખેલાડીઓઃ

પૃથ્વી શૉ (મુંબઈ)

ટીમનો નિઃશંકપણે બેસ્ટ પ્લેયર છે. એ સિનિયર રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે દ્વાર ખખડાવી રહ્યો છે.

14 વર્ષની વયે જ એણે હેરિસ શિલ્ડ સ્પર્ધાની મેચમાં એક જ દાવમાં 546 રન ફટકાર્યા હતા. મુંબઈ વતી તામિલ નાડુ સામેની મેચમાં એણે પોતાની પ્રથમ કક્ષાની સદી ફટકારી હતી. ન્યૂ ઝીલેન્ડની બાઉન્સી પિચો પર પૃથ્વી ઝળકશે એવી ભારતને આશા છે.

શુભમાન ગિલ (પંજાબ)

પંજાબના ફિરોઝપુરનો વતની છે. પસંદગીકારોએ રાખેલી અપેક્ષા મુજબ દેખાવ કરતાં વાઈસ-કેપ્ટનની પદવી મેળવી શક્યો છે. આ મોસમમાં રણજી ટ્રોફી સ્પર્ધામાં બે મેચ રમી ચૂક્યો છે અને એમાં એક સદી અને 61.25ની સરેરાશ સાથે 245 રન કર્યા હતા. ટીમના ઉત્કૃષ્ટ બેટ્સમેનોમાંનો એક છે. 2016-17માં ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસમાં ઝળક્યો હતો અને પૃથ્વી શૉને પણ ઝાંખો પાડી દીધો હતો.

હાર્વિક મનીષભાઈ દેસાઈ (ભાવનગર, ગુજરાત)

18 વર્ષનો છે. 1999ની 4 ઓક્ટોબરે ભાવનગરમાં જન્મ. હાર્વિકે આ મોસમમાં સૌરાષ્ટ્રની ટીમ વતી પદાપર્ણ કર્યું હતું. વર્લ્ડ કપ ટીમનો એ વિકેટકીપર છે. એ ઉપયોગી જમણેરી બેટ્સમેન પણ છે. સૌરાષ્ટ્ર વતી પાંચ મેચ રમ્યો હતો. હાઈએસ્ટ સ્કોર 48 રન ર્યો છે. વર્લ્ડ કપ પૂર્વેની વોર્મ-અપ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ કેચ પકડ્યા હતા અને એક સ્ટમ્પિંગ કરી હતી.

હિમાંશુ રાણા (હરિયાણા)

ટીમનો અનુભવી ખેલાડી છે. ટોપ-ઓર્ડરમાં રમે છે. જમણેરી બેટ્સમેન છે. જમણેરી મધ્યમ ઝડપી બોલિંગ પણ કરે છે. હરિયાણા વતી 30 મેચો રમી ચૂક્યો છે. વિરેન્દર સેહવાગ જેવા ધુરંધર ખેલાડી સાથે રમવાનું સદ્દભાગ્ય સાંપડ્યું હતું. ઈંગ્લેન્ડના પ્રવાસમાં 53ની સરેરાશ સાથે 211 રન કર્યા હતા. 11 ટ્વેન્ટી-20 મેચ પણ રમી ચૂક્યો છે. એમાં હાઈએસ્ટ 55 રન સાથે કુલ 172 રન કર્યા છે.

મનજોત કાલરા (દિલ્હી)

1999ની 15 જાન્યુઆરીએ દિલ્હીમાં જન્મેલો મનજોત ક્વોલિટી બેટિંગ ક્ષમતા ધરાવતો બેટ્સમેન છે. ડાબોડી બેટ્સમેન છે અને જમણેરી બોલર છે. બેટિંગમાં ઓપનિંગમાં રમે છે. દિલ્હી અન્ડર-19 ઉપરાંત ઈન્ડિયા અન્ડર-19 ટીમ વતી રમે છે. ગયા વર્ષના ઓગસ્ટમાં ઈંગ્લેન્ડમાં સદી ફટકારી હતી. ગયા વર્ષે કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધારે રન કરનાર બીજા નંબરનો બેટ્સમેન હતો.

અભિષેક વર્મા (પંજાબ)

ઓલરાઉન્ડર છે. 2016માં વિજય મરચંટ ટ્રોફી સ્પર્ધામાં 1,200 રન કર્યા હતા અને 57 વિકેટ લીધી હતી. આ જ મોસમમાં એણે રણજી ટ્રોફી સ્પર્ધામાં પદાર્પણ કર્યું હતું અને ચાર મેચમાં 202 રન કર્યા હતા અને છ વિકેટ પણ લીધી હતી.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]