ICC ‘હોલ ઓફ ફેમ’ બહુમાન: સચીનને કેમ નહીં?

ક્રિકેટની રમતનું વિશ્વસ્તરે સંચાલન કરતી સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ દંતકથાસમા ક્રિકેટરોને એમણે હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ એમને ‘આઈસીસી હોલ ઓફ ફેમ’ યાદીમાં સામેલ કરે છે. આ યાદીમાં રાહુલ દ્રવિડના ઉમેરા સાથે ભારતીય ક્રિકેટરોની સંખ્યા વધીને પાંચ થઈ છે.

અન્ય ચાર ખેલાડીઓ છે – બિશનસિંહ બેદી, સુનીલ ગાવસકર, કપિલ દેવ અને અનિલ કુંબલે.

બીજી બાજુ, ‘ધ વોલ’ રાહુલ દ્રવિડ પણ ભારતના દંતકથાસમાન બેટ્સમેન રહ્યા છે. એમને આઈસીસી સંસ્થાએ હોલ ઓફ ફેમમાં સામેલ કરીને ભારતનું જ ગૌરવ વધાર્યું છે. ભારતીયો ક્રિકેટચાહકો સ્વાભાવિક રીતે ખુશ છે, પરંતુ આ યાદીમાંથી સચીન તેંડુલકરને હજી બાકાત કેમ રાખવામાં આવ્યા છે એવો ઘણાયને સવાલ થાય છે.

તેંડુલકર માત્ર ભારતના દંતકથાસમા ક્રિકેટર છે એટલું જ નહીં, એ વિશ્વમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન છે.

તો જવાબ એ છે કે હોલ ઓફ ફેમ વિશે આઈસીસી સંસ્થાએ એવો નિયમ ઘડ્યો છે કે હોલ ઓફ ફેમ માટે જે ક્રિકેટરને પસંદ કરાય તે એમની પસંદગી પૂર્વે પાંચ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમ્યા હોવા ન જોઈએ.

સચીન તેંડુલકર એમની કારકિર્દીની છેલ્લી મેચ 2013ના નવેંબરમાં રમ્યા હતા. આમ, એમને હજી પાંચ વર્ષ પૂરા થયા નથી તેથી આ યાદીમાં સમાવેશ માટે એ હજી પાત્ર ઠરતા નથી.

તેંડુલકર એમની છેલ્લી ટેસ્ટ મેચ 2013ના નવેંબરમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમ્યા હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ ક્રિકેટર પોતાની 200મી ટેસ્ટ મેચ રમ્યા હોય. તેંડુલકર ટેસ્ટ ક્રિકેટ અને વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી છે તેમજ આ બંને ફોર્મેટમાં સૌથી વધુ રન પણ એમના જ નામે છે. ટેસ્ટ ક્રિકેટમાં 15,921 અને વન-ડે ક્રિકેટમાં 18,426 રન.

સચીન તેંડુલકરે પોતે રાહુલ દ્રવિડને હોલ ઓફ ફેમમાં સ્થાન પામવા બદલ અભિનંદન આપ્યા છે.

httpss://twitter.com/sachin_rt/status/1014024173230882816

દ્રવિડે 1996માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પ્રવેશ કર્યા બાદ 2012માં નિવૃત્તિ લીધી હતી. કારકિર્દી દરમિયાન તેઓ કુલ 164 ટેસ્ટ મેચ અને 344 વન-ડે ક્રિકેટ ઈન્ટરનેશનલ મેચોમાં રમ્યા હતા અને ટેસ્ટ, વન-ડે ક્રિકેટ તથા ટ્વેન્ટી-20 ફોર્મેટમાં કુલ 10 હજારથી વધુ રન બનાવ્યા હતા. દ્રવિડે 25 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમનું સુકાનીપદ પણ સંભાળ્યું હતું.

બેદી અને ગાવસકરને 2009માં, કપિલ દેવને 2010માં અને અનિલ કુંબલેને 2015માં હોલ ઓફ ફેમમાં સમાવેશ કરીને સમ્માનિત કરવામાં આવ્યા હતા.