લેજન્ડની મહાનતા…

દંતકથા સમાન ક્રિકેટર અને ‘ભારત રત્ન’થી સમ્માનિત સચીન તેંડુલકરે રાજ્યસભાના સદસ્ય તરીકે એમને મળેલો સંપૂર્ણ પગાર, જે લગભગ રૂ. 90 લાખ થવા જાય છે, એ વડા પ્રધાનના રાહત ફંડમાં દાનમાં આપી દીધો છે.

નિયુક્ત કરાયેલા સાંસદ તરીકે તેંડુલકરની મુદત ગયા અઠવાડિયે પૂરી થઈ છે. એમણે પોતાને સાંસદ તરીકે મળેલો સમગ્ર પગાર તથા વિવિધ પ્રકારનાં ભથ્થાંની રકમ વડા પ્રધાનના રાહત ફંડમાં દાન કરી દીધી છે.

સચીન તેંડુલકરે રાજ્યસભાના સદસ્ય તરીકે છ વર્ષમાં લગભગ રૂ. 90 લાખ રકમ માસિક પગાર તથા ભથ્થાંના રૂપમાં મેળવી હતી.

વડા પ્રધાન કાર્યાલયે સચીનને એક પત્ર આપ્યો છે અને પગાર દાનમાં આપી દેવાની આ ઉમદા ચેષ્ટા બદલ એમની પ્રશંસા કરી છે અને આભાર માન્યો છે. પત્રમાં જણાવાયું છે કે, આપનું આ યોગદાન તકલીફમાં ફસાયેલી વ્યક્તિઓને સહાયતા પૂરી પાડવામાં ખૂબ જ મદદરૂપ થશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સદસ્ય તરીકે છ વર્ષ દરમિયાન ગૃહમાં પાંખી હાજરી આપવા બદલ તેંડુલકર તથા પીઢ બોલીવૂડ અભિનેત્રી રેખાની આકરી ટીકા કરવામાં આવી છે, પરંતુ તેંડુલકરે એમને મળેલા ‘મેમ્બર ઓફ પાર્લામેન્ટ (MP) લોકલ એરિયા ડેવલપમેન્ટ’ MPLAD ફંડનો સરસ રીતે ઉપયોગ કર્યો છે.

તેંડુલકરના કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, તેંડુલકરે દેશભરમાં શાળાઓનાં મકાન તથા વર્ગોનાં બાંધકામ કે રીનોવેશન સહિત શૈક્ષણિક તથા સંબંધિત 185 જેટલી માળખાકીય યોજનાઓને સાકાર કરવા માટે પોતાને મળેલા ફંડમાંથી રૂ. 7.4 કરોડની ફાળવણી કરી છે.

તેંડુલકરે તે ઉપરાંત સાંસદ ગ્રામ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત બે ગામને દત્તક લીધા છે અને ત્યાં વિકાસકાર્યો કરાવ્યા છે. એમણે આંધ્ર પ્રદેશમાં પુટ્ટમ રાજુ કન્ડ્રીગા અને મહારાષ્ટ્રમાં દોન્જા ગામ દત્તક લીધા છે.