તેંડુલકરે ક્રિકેટ કોચિંગ એકેડેમી શરૂ કરી, કાંબલીનો સાથ લીધો…

યુવા ક્રિકેટરોની નવી પેઢીને તૈયાર કરવા માટે દંતકથા સમાન ક્રિકેટર સચીન તેંડુલકરે મુંબઈમાં ક્રિકેટ કોચિંગ એકેડેમી શરૂ કરી છે. એનું નામ છે – તેંડુલકર-મિડલસેક્સ ગ્લોબલ એકેડેમી.

આ એકેડેમી આવતી 1-4 નવેંબરે નવી મુંબઈના નેરુલ ઉપનગરના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં અને 6-9 નવેંબરે મુંબઈના બાન્દ્રા ઉપનગરના એમ.આઈ.જી. ક્લબ ખાતે શિબિરોનું આયોજન કરવામાં આવશે.

બાદમાં, આ શિબિર પુણેમાં શિફ્ટ કરવામાં આવશે ત્યાં 12-15 નવેંબર તેમજ 17-20 નવેંબરે એનું આયોજન કરવામાં આવશે.

સચીન તેંડુલકરે આ એકેડેમી ઈંગ્લેન્ડની મિડલસેક્સ ક્રિકેટ ક્લબના સહયોગમાં શરૂ કરી છે.

આ એકેડેમીની બીજી વિશેષતા એ છે કે એના કોર ટીમ મેમ્બર તરીકે જોડાવાનું તેંડુલકરે એમના બાળપણના મિત્ર અને ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીને આમંત્રણ આપ્યું છે.

આ બંને ભૂતપૂર્વ ક્રિકેટરોએ 1988ની સાલમાં એક સ્કૂલ સ્પર્ધા વખતે 664 રનની ભાગીદારી કરી હતી. હવે આ બંને જણ ફરી એ જ મેદાન પર ભેગા થયા છે.

નવી ભાગીદારીમાં, તેંડુલકર એકેડેમીના સંચાલનમાં કાંબલી મદદરૂપ થશે.

શિબિર તથા કોચિંગ પ્રોગ્રામમાં 7-17 અને 13-18 વર્ષની વયના છોકરાઓને ક્રિકેટની તાલીમ આપવામાં આવશે.

તેંડુલકરે કહ્યું છે કે હું અને વિનોદ સ્કૂલના સમયથી અવારનવાર સાથે ક્રિકેટ રમ્યા છીએ. અમે જ્યારે તાજેતરમાં મળ્યા હતા ત્યારે મેં એને મારા પ્રોજેક્ટ વિશે કહ્યું હતું અને એમાં યોગદાન આપવા માટે વિનોદ તૈયાર થયો હતો. એનો સાથ મેળવ્યાનો મને બહુ આનંદ છે.

વિનોદ સાથે ફરી ક્રિકેટના મેદાનમાં ભેગા થવાથી મારી જૂની વિશેષ યાદો ફરી તાજી થશે.

1988ના ફેબ્રુઆરીમાં, મુંબઈની શાળાઓ વચ્ચેની ક્રિકેટ સ્પર્ધા – હેરિસ શિલ્ડ ટુર્નામેન્ટમાં, તેંડુલકર અને કાંબલીએ તેઓ જ્યાં ભણતા હતા એ દાદરની શારદાશ્રમ વિદ્યામંદિર સ્કૂલ તથા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ વચ્ચેની સેમી ફાઈનલ મેચમાં 664 રનની અતૂટ ભાગીદારી કરી હતી. તે રેકોર્ડ 2006 સુધી ટક્યો હતો.

વિનોદ કાંબલી માટે પણ આ જાણે સપનું સાકાર થવા જેવું છે. એણે કહ્યું, સચીને જ્યારે મને સાથે મળીને કોચિંગ એકેડેમીનો આઈડિયા જણાવ્યો ત્યારે મેં તરત જ હા પાડી દીધી હતી. એની સાથે મેદાનમાં ફરી ભેગા થવાની તકને હું સોનેરી ગણું છું. આચરેકર સરે અમને બેઉને જે રીતે તૈયાર કર્યા હતા એ રીતે અમે નવા છોકરાઓને તૈયાર કરી શકીશું એવી મને આશા છે.

તેંડુલકર મિડલસેક્સ ગ્લોબલ એકેડેમીના કોચિંગ સ્ટાફમાં મુંબઈના પ્રથમ કક્ષાના વર્તમાન તેમજ ભૂતપૂર્વ સમયના અનેક ક્રિકેટરો હશે. તે ઉપરાંત ડેવિડ માલન, ટોબી રોલેન્ડ જોન્સ, નિક કોમ્પ્ટન અને જોન સિમ્પસન જેવા વિદેશી કોચ પણ હશે.

બાળપણમાં સાથે ક્રિકેટ રમેલા અને રાષ્ટ્રીય ટીમમાં પણ સાથે પ્રવેશ મેળવનાર તેંડુલકર અને કાંબલી વચ્ચેના સંબંધ એક સમયે બગડી ગયા હતા. કાંબલીને એવું લાગ્યું હતું કે એનો વધુ સફળ થયેલો મિત્ર તેંડુલકર પોતાને હવે ભૂલી ગયો છે.

તેંડુલકરે જ્યારે એમની 24-વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવ્યા બાદ પાર્ટી યોજી હતી ત્યારે કાંબલીને એમાં આમંત્રિત કર્યો નહોતો એટલે કાંબલીને વધારે દુઃખ થયું હતું.

તે છતાં, યુવા ટેલેન્ટેડ ક્રિકેટરોને તૈયાર કરવા માટેની એકેડેમીના સંચાલનમાં પોતાને મદદરૂપ થવાનું તેંડુલકરે કાંબલીને આમંત્રણ આપ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]