વર્લ્ડ કપ ફૂટબોલઃ સ્વિટ્ઝરલેન્ડને હરાવી સ્વીડન QFમાં

સેન્ટ પીટર્સબર્ગ (રશિયા) – અહીં ફિફા વર્લ્ડ કપ સ્પર્ધામાં આજે રમાયેલી પહેલી નોકઆઉટ મેચમાં સ્વિટ્ઝરલેન્ડને 1-0થી હરાવી સ્વીડને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

મેચનો એકમાત્ર, વિજયી ગોલ એમીલ ફોર્સબર્ગે 66મી મિનિટે કર્યો હતો. સ્વિટ્ઝરલેન્ડ એનો વળતો જવાબ આપવામાં નિષ્ફળ ગયું હતું.

સ્વીડન 24 વર્ષે વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં ફરી પ્રવેશ્યું છે.

66મી મિનિટ સુધી બંને ટીમ વચ્ચે બરાબરની રસાકસી જોવા મળી હતી. છેવટે ફોર્સબર્ગે લૉ-બોલ શોટ ફટકાર્યો હતો. સ્વિટ્ઝરલેન્ડના મેન્યુલ અકાન્જીએ એને ડીફ્લેક્ટ કરતાં બોલ ગોલ્ડપોસ્ટમાં પ્રવેશી ગયો હતો.

પહેલા હાફમાં બંને ટીમ સમાન આક્રમક્તાથી ખેલ રમી હતી અને એકબીજાને જરાય મચક આપતી નહોતી.

બીજા હાફમાં ફોર્સબર્ગે સૌથી વધારે કુશળતા બતાવી હતી.