શ્રીકાંત કિદામ્બી: બેડમિન્ટન જગતનો બ્રાન્ડ ન્યૂ સ્ટાર

શ્રીકાંત કિદામ્બી આ એક જ વર્ષમાં ચાર-ચાર સુપર સિરીઝ ટાઈટલ્સ જીતીને ભારતીય બેડમિન્ટનના મુગટના રત્ન સમાન બની ગયો છે. ગયા જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એણે ઈન્ડોનેશિયા ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન, ડેન્માર્ક ઓપન અને ફ્રેન્ચ ઓપન ટ્રોફીઓ જીતી છે. હવે જો એ ચીન અને હોંગ કોંગમાં રમાનાર અન્ય બે સ્પર્ધાઓમાં પણ જોરદાર દેખાવ કરીને વિજયી થશે તો વર્લ્ડ નંબર-1 વિક્ટર એક્સલસન (ડેન્માર્ક)ને પાછળ રાખી દશે.

ચાર-ચાર ટ્રોફીઓ જીતીને શ્રીકાંતે વિશ્વમાં હાલ નંબર-2 રેન્ક પ્રાપ્ત કરી લીધી છે.

એક જ કેલેન્ડર વર્ષમાં ચાર સુપરસિરીઝ વિજેતાપદ હાંસલ કરનાર શ્રીકાંત પહેલો જ ભારતીય બન્યો છે તો વિશ્વમાં માત્ર ચોથો છે. ભારત માટે મોટા ગૌરવની વાત છે.

વાસ્તવમાં એ પાંચ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચ્યો હતો જેમાંથી ચારમાં એ વિજેતા બન્યો છે.

એના પોઈન્ટ્સનો આંકડો હાલ ૭૩,૪૦૩ થયો છે. પહેલી રેન્ક ધરાવનાર વિક્ટર એક્સલસન કરતાં એ ૪,૫૨૭ પોઈન્ટ પાછળ છે.

આંધ્ર સરકારે ન્યાલ કરી દીધો

આંધ્ર પ્રદેશના ગુન્ટુર શહેરના વતની ૨૪ વર્ષીય શ્રીકાંત પર ઈનામોનો વરસાદ વરસ્યો છે, પણ આંધ્ર પ્રદેશની સરકાર તરફથી એને સૌથી મોટું ઈનામ મળ્યું છે. આ સરકારે એને બે કરોડ રૂપિયાનું રોકડ ઈનામ તો આપ્યું જ છે, ઉપરાંત એને ૧૦૦૦ સ્ક્વેર ફૂટનો એક પ્લોટ પણ આપ્યો છે અને એને નાયબ કલેક્ટરનું પદ પણ આપશે.

શ્રીકાંત એક અવ્વલ દરજ્જાનો બેડમિન્ટન ખેલાડી છે અને એનો આદર્શ ખેલાડી છે ટેનિસનો દંતકથાસમાન રોજર ફેડરર. એનું કહેવું છે કે અતિશય કઠિન મુકાબલાઓમાં સંઘર્ષ કરીને જીત મેળવવાનું એ ફેડરરના પ્રયાસોમાંથી શીખ્યો છે.

એક પછી એક સુપર સિરીઝ જીત મેળવીને શ્રીકાંત બેડમિન્ટન જગતનો બ્રાન્ડ ન્યૂ સ્ટાર બની ગયો છે.

શ્રીકાંતને જીત માટેનું જોમ ક્યાંથી જાગ્યું?

મેચ હતી, ગ્લાસગો ગેમ્સની મેન્સ સિંગલ્સ ક્વોર્ટર ફાઈનલ. એ દિવસે કોરિયન હરીફ સોન વાન હો સામે થયેલા પરાજયથી શ્રીકાંત ખૂબ અપસેટ થઈ ગયો હતો. પરંતુ એ પરાજયને એણે પોતાની પર જરાય અંકુશ જમાવવા દીધો નહોતો અને ઊલટાનું એણે પોતાની રમતને ખૂબ આક્રમક બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો.

દબાણની પરિસ્થિતિથી ડરી ન જઈ એને ધૈર્યપૂર્વક અને કુશળતાપૂર્વક સંભાળવાનું એ શીખ્યો.

શ્રીકાંત સામે ફાઈનલમાં પરાજિત ખેલાડીઓ

૨૦૧૭ – ફ્રેન્ચ ઓપન – કેન્ટા નિશિમોતા (જાપાન) (21-14, 21-13)

૨૦૧૭ – ડેન્માર્ક ઓપન – લી યૂન-ઈલ ( કોરિયા) (21-10, 21-5)

૨૦૧૭ – ઓસ્ટ્રેલિયન ઓપન – ચેન લોન્ગ (ચીન) 22-20, 21-16

૨૦૧૭ – ઈન્ડોનેશિયન ઓપન – કાઝુમાસા સાકાઈ (જાપાન) 21-11, 21-19

ફ્રેન્ચ ઓપનની ક્વોર્ટર ફાઈનલમાં ચીનના ગઈ વેળાના ચેમ્પિયન શી યૂકી સામેની મેચમાં એને તેનો લાભ મળ્યો હતો અને પહેલી ગેમ ૮-૨૧થી હારી ગયા બાદ બાકીની બે ગેમ એણે ૨૧-૧૯ અને ૨૧-૯થી જીતીને સાબિત કરી દીધું હતું કે હવે એને ટ્રોફી જીતતા કોઈ રોકી નહીં શકે.

શ્રીકાંતે આ વર્ષમાં તેના ઝળહળતા દેખાવ માટેનો શ્રેય છેલ્લા દસ મહિનામાં લીધેલી આકરી ફિટનેસ તાલીમને આપ્યો છે. આ તાલીમ એણે મેળવી ઈન્ડોનેશિયન કોચ મુલ્યો હેન્ડોયોની દેખરેખ હેઠળ. હેન્ડોયોએ અગાઉ ભૂતપૂર્વ વર્લ્ડ તથા ઓલિમ્પિક ચેમ્પિયન તૌફિક હિદાયતને કોચિંગ આપ્યું હતું. એમણે શ્રીકાંતનું ફિટનેસ લેવલ અનેકગણું ઉંચે લાવી દીધું છે.

એક જ વર્ષમાં ચાર કે તેથી વધારે સુપર સિરીઝ ટાઈટલ્સ જીતનાર અન્ય ત્રણ ખેલાડી છે – લિન ડાન, લી ચોન્ગ વેઈ અને ચેન્ગ લોન્ગ. આમાંનો ચેન્ગ લોન્ગ તો બે વખત વર્લ્ડ ચેમ્પિયન થયો છે. આમ, બેડમિન્ટનનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે ત્યારે શ્રીકાંતની સાથે ભારતનું નામ પણ ચમકશે.

મહિલાઓના વર્ગમાં, સાઈના નેહવાલ એક જ વર્ષમાં ત્રણ સુપર સિરીઝ ટાઈટલ્સ જીતનાર એકમાત્ર ભારતીય છે.