પ્રતિબંધિત શ્રીસાન્તને અન્ય દેશ વતી રમવું છે, પણ…

દુબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે મૂકેલા આજીવન પ્રતિબંધને કેરળ હાઈકોર્ટે પ્રસ્થાપિત કરાવ્યા બાદ ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્તે એવો સંકેત આપ્યો છે કે પોતે એની ક્રિકેટ કારકિર્દીનો બાકીનો હિસ્સો કદાચ કોઈ અન્ય દેશ વતી રમીને પૂરો કરશે.

શ્રીસાન્તની દલીલ છે કે ભારતમાં રમવાનો એની પર પ્રતિબંધ બીસીસીઆઈએ મૂક્યો છે, આઈસીસી સંસ્થાએ નથી મૂક્યો તેથી પોતે કોઈ અન્ય દેશ વતી રમવા મુક્ત છે.

શ્રીસાન્ત હાલ એક કાર્યક્રમ માટે દુબઈ આવ્યો છે અને એક મુલાકાતમાં એણે કહ્યું કે જો ભારતમાંથી હું રમી નહીં શકું તો કોઈ અન્ય દેશમાંથી રમીશ. મારી ઉંમર હજી ૩૪ છે અને હું બીજા વધુ છ વર્ષ સુધી રમી શકું એમ છું. હું ક્રિકેટનો પ્રેમી છું અને હું ક્રિકેટ રમવા માગું છું. બીસીસીઆઈ એક ખાનગી કંપની છે. આપણે બધા એમ કહીએ છીએ કે આ તો ભારતીય ટીમ છે, પણ તમે એ જાણી લો કે બીસીસીઆઈ એક ખાનગી કંપની છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૩ની આઈપીએલ સ્પર્ધા વખતે સ્પોટ-ફિક્સિંગના સંબંધમાં બીસીસીઆઈની શિસ્ત સમિતિએ શ્રીસાન્ત પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. શ્રીસાન્ત એની સામે કેરળ હાઈકોર્ટમાં ગયો હતો જ્યાં સિંગલ-જજ બેન્ચે એ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો, પણ બાદમાં બીસીસીઆઈની વળતી અપીલ પરની સુનાવણીમાં ન્યાયાધીશોની વિભાગીય બેન્ચે આજીવન પ્રતિબંધ પ્રસ્થાપિત કરાવ્યો હતો.

શ્રીસાન્તની ઈચ્છા પૂરી નહીં થાયઃ બીસીસીઆઈએ કડક નિયમો બતાવ્યા

દરમિયાન, બીસીસીઆઈના સેક્રેટરી અમિતાભ ચૌધરીએ જે વાત કહી છે એને કારણે અન્ય દેશમાં જઈને ક્રિકેટ કારકિર્દી શરૂ કરવાના શ્રીસાન્તના પ્રયાસોને ફટકો પડશે.

ચૌધરીનું કહેવું છે કે, આઈસીસીનો નિયમ છે કે, એના કોઈ પણ સંપૂર્ણ સદસ્ય દ્વારા પ્રતિબંધિત કરાયેલો ખેલાડી કોઈ પણ અન્ય સંપૂર્ણ સદસ્ય વતી કે કોઈ પણ એસોસિએશન વતી રમી શકતો નથી.

ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈ આઈસીસીનું સંપૂર્ણ સદસ્ય છે. મોટા ભાગના ક્રિકેટ પ્લેઈંગ દેશો આઈસીસીના સંપૂર્ણ સદસ્યો છે.

ચૌધરીએ કહ્યું છે કે કોઈ અન્ય દેશ વતી ક્રિકેટ રમી શકવાનો શ્રીસાન્તનો દાવો નર્યો બકવાસ છે. બીસીસીઆઈ પોતાની કાનૂની સ્થિતિથી વાકેફ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]