ત્રીજી ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકાની શિસ્તભરી બોલિંગને કારણે ભારતનો પહેલો દાવ 187 રનમાં પૂરો

જોહનિસબર્ગ – દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ 0-2થી ગુમાવી ચૂકેલી ભારતીય ક્રિકેટ ટીમે અહીં વોન્ડરર્સ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટ મેચનો આજથી આરંભ કર્યો છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ટીમ ઈન્ડિયાનો પહેલો દાવ 187 રનના મામુલી સ્કોરમાં સમાપ્ત થઈ ગયો છે.

પહેલા દિવસની રમતને અંતે દક્ષિણ આફ્રિકાએ તેના પહેલા દાવમાં રમેલી 6 ઓવરમાં 1 વિકેટે 6 રન કર્યા હતા. ભૂવનેશ્વર કુમારે એઈડન મારક્રમ (2)ને કીપર પાર્થિવ પટેલના ગ્લોવ્ઝમાં ઝીલાવી દીધો હતો. ડીન એલ્ગર 4 રન સાથે દાવમાં હતો. નાઈટ વોચમેન તરીકે આવેલા કેગીસો રબાડાએ ખાતું ખોલાવ્યું નથી.

ભારતને પહેલા દાવમાં 200 રનના આંક સુધી પહોંચવા ન દેવાનો શ્રેય જાય છે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલરોની શિસ્તભરી બોલિંગને.

ફાસ્ટ બોલરોને યારી આપતી (બોલને સારો ઉછાળ આપતી) પીચ પરની આ મેચમાં ટોસ જીતીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આશ્ચર્ય વચ્ચે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.


પરંતુ, પહેલી બે ટેસ્ટ મેચની માફક આ મેચમાં પણ ભારતની ઓપનિંગ જોડી મોટો સ્કોર કરવામાં ફરી નિષ્ફળ ગઈ. લોકેશ રાહુલ ઝીરો પર અને મુરલી વિજય માત્ર 8 રન કરીને આઉટ થયો હતો.


ભારતના માત્ર ત્રણ જ બેટ્સમેન ડબલ ફીગરમાં પહોંચી શક્યા. કેપ્ટન વિરાટ કોહલી (54), ચેતેશ્વર પૂજારા (50) અને ભૂવનેશ્વર કુમાર (30).


લોકેશ રાહુલ ઉપરાંત હાર્દિક પંડ્યા અને ઈશાંત શર્મા પણ ખાતું ખોલાવવામાં નિષ્ફળ ગયો હતો.


રોહિત શર્માની જગ્યાએ પસંદ કરવામાં આવેલા અજિંક્ય રહાણેએ માત્ર 9 રન કર્યા હતા.


દક્ષિણ આફ્રિકાનો કેગીસો રબાડા 18.4 ઓવરમાં 39 રનમાં 3 વિકેટ ઝડપીને ગૃહ ટીમનો બેસ્ટ બોલર રહ્યો. તો મોર્ની મોર્કેલ, વર્નન ફિલેન્ડર અને એન્ડીલ ફેલુવેયોએ વ્યક્તિગત બે વિકેટ ઝડપી હતી. પહેલી ટેસ્ટમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર લુંગી એનગીડીએ એક – કોહલીની વિકેટ લીધી હતી.