કોહલીની 21 ટેસ્ટ સદી થઈ: વરસાદે ત્રીજા દિવસની રમત બગાડી, SAની કુલ લીડ 118 રન

સેન્ચુરિયન – ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં 1-0થી આગળ રહેનાર દક્ષિણ આફ્રિકાએ અહીં રમાતી બીજી ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસે પોતાના બીજા દાવમાં 2 વિકેટના ભોગે 90 રન કર્યા હતા.

આજે વરસાદ અને ઝાંખા પ્રકાશને કારણે મેચનો ઘણો સમય વેડફાઈ ગયો હતો અને અંતે રમત વહેલી બંધ કરી દેવી પડી હતી.

દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં એઈડન મારક્રામ (1) અને હાશીમ અમલા (1)ની વિકેટો ગુમાવીને 90 રન કર્યા છે. ડીન એલ્ગર 36 રન અને એબી ડી વિલિયર્સ 50 રન સાથે દાવમાં હતો. દક્ષિણ આફ્રિકાની બંને વિકેટ પાડવામાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સફળ થયો હતો.

પહેલી વિકેટ 1 રને અને બીજી 3 રને પડ્યા બાદ એલ્ગર અને ડી વિલિયર્સની જોડીએ 87 રન ઉમેર્યા છે. ડી વિલિયર્સ તેના 78 બોલના દાવમાં 6 ચોગ્ગા ફટકારી ચૂક્યો છે. એલ્ગરે ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા છે.

તે પહેલાં, ભારતનો પહેલો દાવ 307 રનમાં પૂરો થયો હતો અને દક્ષિણ આફ્રિકાએ 28 રનની લીડ મેળવી હતી. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ કારકિર્દીની 21મી સદી ફટકારીને ભારતને 300ના આંકની પાર લઈ જવામાં અને ભારતની ખાધ ઘટાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

કોહલી 153 રન કરીને અંતિમ વિકેટના રૂપમાં આઉટ થયો હતો. એણે 217 બોલનો સામનો કર્યો હતો અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા.

કોહલીએ તેના 85 રનના આગલા દિવસના અધૂરા દાવને આજે આગળ વધાર્યો હતો. તેનો સાથી બેટ્સમેન હાર્દિક પંડ્યા 15 રન કરીને રનઆઉટ થયો હતો.

ત્યારબાદ કોહલીને રવિચંદ્રન અશ્વિન (38)નો સાથ મળ્યો હતો. બંનેએ 7મી વિકેટ માટે 71 રન ઉમેરીને ભારતના દાવને સ્થિર કર્યો હતો. 280 રને અશ્વિનની વિકેટ પડ્યા બાદ ભારતનો દાવ લાંબું ટક્યો નહોતો.

મોર્ની મોર્કલ 60 રનમાં કોહલી સહિત ચાર વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાનો બેસ્ટ બોલર રહ્યો હતો.

કેશવ મહારાજ, વર્નન ફિલેન્ડર, કેગીસો રબાડા, લુંગીસાની એનજીડીએ 1-1 વિકેટ લીધી હતી.

દક્ષિણ આફ્રિકાએ પહેલા દાવમાં 335 રન કર્યા હતા.

ત્રણ મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ જીતીને દક્ષિણ આફ્રિકા 1-0થી આગળ છે.