સ્મિથ, વોર્નર IPL-11માંથી આઉટ: ઓસ્ટ્રેલિયન બોર્ડે 1 વર્ષનો પ્રતિબંધ મૂક્યો

મુંબઈ/કેનબેરા – સાઉથ આફ્રિકામાં ગયા અઠવાડિયે રમાઈ ગયેલી ત્રીજી ટેસ્ટ મેચ વખતે બોલ ટેમ્પરિંગના વિવાદમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઈસ-કેપ્ટન ડેવિડ વોર્નર પર આ વખતની ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધા (આઈપીએલ-11)માં રમવાનો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પ્રતિબંધ મૂકી દીધો છે.

બીસીસીઆઈએ આ નિર્ણય ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે સ્મિથ અને વોર્નર પર એક વર્ષ સુધી ક્રિકેટ રમવાનો આજે પ્રતિબંધ મૂક્યા બાદ લીધો હતો.

આઈપીએલ-11માં સ્મિથ રાજસ્થાન રોયલ્સ વતી અને વોર્નર સનરાઈઝર્સ હૈદરાબાદ વતી રમવાનો હતો. સ્મિથને તો રાજસ્થાન ટીમે બે દિવસ પહેલાં જ કેપ્ટનપદે દૂર કરીને અજિંક્ય રહાણેને કેપ્ટન નિયુક્ત કર્યો હતો. વોર્નરે આજે હૈદરાબાદ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, પણ ભારતીય ક્રિકેટ બોર્ડે એને આ વર્ષની આઈપીએલમાં રમવામાંથી જ બાકાત કરી દીધો છે.

સાઉથ આફ્રિકામાં ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત દરમિયાન બોલ ટેમ્પરિંગનો પર્દાફાશ થયો હતો. સાઉથ આફ્રિકાના દાવ વખતે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી કેમરન બેન્ક્રોફ્ટ છૂપી રીતે બોલ પર સેન્ડપેપર ઘસતો કેમેરામાં ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ બેન્ક્રોફ્ટ અને સ્મિથે પત્રકાર પરિષદમાં કબૂલ કર્યું હતું કે બોલ સાથે ચેડાં કરવાનો ટીમે પ્લાન ઘડ્યો હતો, પણ એ પ્લાનમાં ટીમના કોચ ડેરેન લેહમેન સામેલ નહોતા.

આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ પત્રકારોને જણાવ્યું હતું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથ અને વોર્નર પર પ્રતિબંધ મૂકી દીધો છે. એ નિર્ણયની જાણ થયા બાદ અમે પણ બંને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમે પહેલા આઈસીસીના નિર્ણયની રાહ જોઈ હતી. ત્યારબાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો નિર્ણય આવ્યા બાદ અમે નિર્ણય લીધો છે.

શુક્લાએ કહ્યું કે સ્મિથ અને વોર્નરની બદલીમાં બીજા ખેલાડી બંને ટીમને આપવામાં આવશે. અમે કોઈ નિર્ણય ઉતાવળમાં લેવા માગતા નથી.

સ્મિથ, વોર્નર 12 મહિના માટે, બેન્ક્રોફ્ટ 9 મહિના માટે સસ્પેન્ડ

કેનબેરામાં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે બેઠક બોલાવીને સ્મિથ અને વોર્નરને ક્રિકેટ રમવા માટે 12 મહિના સુધી સસ્પેન્ડ કરી દીધા છે. કેમરન બેન્ક્રોફ્ટ પર 9-મહિનાનો પ્રતિબંધ મૂક્યો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યૂટિવ જેમ્સ સધરલેન્ડ જોહાનિસબર્ગની એક હોટેલમાં ત્રણેય ખેલાડીને મળ્યા હતા અને ક્રિકેટ બોર્ડે લીધેલા નિર્ણયની જાણ કરી હતી. ત્યારબાદ એ સૌ ઓસ્ટ્રેલિયા પાછા ફરવા માટે રવાના થયા હતા.

ત્રણેય ખેલાડીઓને કરાયેલી શિક્ષાની જાણકારી ખુદ સ્મિથે એના સાથી ખેલાડીઓને આપી હતી. ક્રિકેટ બોર્ડે સ્મિથ પાસેથી સુકાનીપદ તો ગયા રવિવારે જ છીનવી લીધું હતું અને વિકેટકીપર ટીમ પેઈનને કેપ્ટન બનાવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]