એશિયન ગેમ્સ 2018: 16 વર્ષના છોકરા સૌરભ ચૌધરીએ નિશાનબાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો

જાકાર્તા – અહીં રમાતી એશિયન ગેમ્સમાં આજે પુરુષોની શૂટિંગની રમતમાં ભારતે બે મેડલ જીત્યા છે. 10 મીટર એર પિસ્તોલ હરીફાઈમાં સૌરભ ચૌધરીએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે તો અભિષેક વર્માએ કાંસ્ય ચંદ્રક.

સૌરભ ચૌધરી તો હજી માત્ર 16 વર્ષનો જ છે. એણે 240.7ના સ્કોર સાથે નવો એશિયન ગેમ્સ રેકોર્ડ કર્યો છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે.

વર્તમાન એશિયન ગેમ્સમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ છે.

આ પહેલાંના બે ગોલ્ડ મેડલ કુસ્તીમાં મળ્યા છે. એક પુરુષ કુસ્તીમાં – બજરંગ પુનિયા તરફથી અને મહિલા કુસ્તીમાં વિનેશ ફોગાટ તરફથી.

હરિયાણાના 29 વર્ષના અભિષેક વર્માએ 219.3 પોઈન્ટ્સના સ્કોર સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ હરીફાઈનો રજત ચંદ્રક જાપાનના નિશાનેબાજે જીત્યો છે – 239 પોઈન્ટ સ્કોર કર્યા હતા.

સૌરભ ચૌધરી ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાનો રહેવાસી છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સૌરભને રૂ. 50 લાખનું ઈનામ આપવાની અને નોકરી આપવાની જાહેરાત કરી છે.

સૌરભે આ પહેલાં જર્મનીમાં ISSF જુનિયર વર્લ્ડ કપ સ્પર્ધામાં પણ નવો વિશ્વ રેકોર્ડ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના એ દેખાવને પગલે જ એની પસંદગી એશિયન ગેમ્સ માટેની ભારતીય શૂટિંગ ટીમમાં કરવામાં આવી હતી.

મેળામાં બંદૂકથી ફૂગ્ગાઓ ફોડતો સૌરભ રિયલમાં શૂટિંગ ચેમ્પિયન બન્યો

સૌરભ મેરઠ જિલ્લાના એક સાધારણ ગામના કિસાન પરિવારનો પુત્ર છે. એને નાનપણથી જ શૂટિંગનો શોખ હતો. ગામમાં કે આસપાસના વિસ્તારોમાં જ્યારે કોઈ મેળો લાગે ત્યારે સૌરભ પોતાને ત્યાં લઈ જવા માટે એના પિતા અને મોટા ભાઈ પાસે જિદ્દ કરતો, કારણ કે મેળામાં એને નિશાનેબાજીના સ્ટોલ પર જઈ બંદૂકથી ફૂગ્ગાઓ ફોડવામાં બહુ મજા આવતી. એવા મેળામાં કમાલના નિશાન લગાવીને એ ઈનામો પણ જીતતો.

એ મોટો થતો ગયો તેમ એનો નિશાનેબાજીનો શોખ એક ઝનૂન બની ગયો. એ દરમિયાન એના ગામમાં કેટલાક છોકરા શૂટિંગની પ્રેક્ટિસ કરવા આવ્યા હતા. એમને જોઈને સૌરભને પણ શૂટિંગ શીખવાનું મન થયું. 2015માં એના પિતા એને પડોશના નગરમાં વીરશાહમલ રાઈફલ ક્લબમાં પ્રેક્ટિસ માટે લઈ ગયા. એને ત્યાં જોઈ કરાવ્યો અને સૌરભ દરરોજ સાતથી આઠ કલાક સુધી પ્રેક્ટિસ કરતો હતો. પ્રેક્ટિસમાં એની ટેલેન્ટ જોઈને એના કોચે પોતાની ગન સૌરભને આપી હતી. એ જ ગનથી સૌરભે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને જીત પણ હાંસલ કરી હતી.