સચીન તેંડુલકરનો જીવદયા પ્રેમઃ ઘરમાં આવી પડેલા બીમાર પક્ષીને બચાવ્યું

મુંબઈ – પોતાની બે દાયકાથી પણ લાંબી ક્રિકેટ કારકિર્દી દરમિયાન અનેક રેકોર્ડ કરનાર દંતકથાસમા ક્રિકેટર ‘ભારત રત્ન’ સચીન તેંડુલકર એક ઉમદા કામ કરીને અન્ય લોકો માટે એક દ્રષ્ટાંત બન્યા છે. એમણે મુંબઈમાં પોતાના નિવાસસ્થાને આવી પડેલા અને બીમાર હાલતવાળા એક પક્ષીને બચાવીને એમનો જીવદયાપ્રેમ પ્રદર્શિત કર્યો છે.

બન્યું એવું કે એક પક્ષી ઊડીને તેંડુલકરના બાન્દ્રા (વેસ્ટ) સ્થિત ઘરની બાલ્કનીમાં સવારના સમયે આવીને બેસી ગયું હતું. એ ત્યાંથી ખસતું નહોતું. પક્ષી ખૂબ જ નબળું પડી ગયું હતું. પક્ષીની હાલત જોયા બાદ બપોરે તેંડુલકરે ગૂગલ સર્ચ એન્જિન પરથી NGO સંસ્થા SARRP (સ્પ્રેડિંગ અવેરનેસ ઓન રેપ્ટાઈલ્સ એન્ડ રીહેબિલીટેશન પ્રોગ્રામ) સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો.

પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવાની ઉમદા કામગીરી કરતી સંસ્થા SARRPના નિષ્ણાત, ક્વોલિફાઈડ નેચરલિસ્ટ અને સ્વયંસેવક સંતોષ શિંદેએ Chitralekha.comને જણાવ્યા મુજબ, એ સમડી પંખી (Kite) જુવાન વયનું હતું અને માળામાંથી પહેલી જ વાર ઉડ્યું હશે, પરંતુ ઉડતા ફાવ્યું નહીં હોય એટલે એના વેરી ગણાતા કાગડાઓએ એની પર હુમલો કર્યો હશે. એ ગભરાયેલું પક્ષી રક્ષણ મેળવવા માટે તેંડુલકરના ઘરની બાલ્કનીમાં આવીને છુપાઈ ગયું હતું. તેંડુલકરે સંપર્ક કર્યા બાદ તરત જ SARRPની ટીમ તેંડુલકરના નિવાસસ્થાને પહોંચી હતી. એમની નિષ્ણાત સલાહ અનુસાર તેંડુલકરે એ પક્ષીને ચોક્કસ પ્રકારનું ખાવાનું આપ્યું હતું. પક્ષીએ એ તરત ખાધું હતું.

ત્યારબાદ સંતોષ શિંદેએ એ પક્ષીને પકડી લીધું હતું અને કહ્યું હતું કે આ પક્ષીની અમારી સંસ્થાના ડોક્ટર સારવાર કરશે. એને એકદમ સાજું-સારું થતાં દસેક દિવસ લાગશે અને સાજું થઈ ગયા બાદ અમે એને આકાશમાં છોડી દઈશું.

સચીન તેંડુલકર અને SARRP સંસ્થાના સંતોષ શિંદે

જોકે સારવાર મળ્યા બાદ પક્ષી બે જ દિવસમાં સાજું થઈ ગયું હતું. ત્યારબાદ તેંડુલકરની ઈચ્છાને માન આપીને સંતોષ શિંદે એ પક્ષીને ફરી તેંડુલકરના ઘેર લઈ ગયા હતા અને ત્યાંથી જ એને આકાશમાં છોડી દીધું હતું. પક્ષી આનંદની કિકિયારીઓ કરતું આકાશમાં ઉડી ગયું હતું.

સચીન તેંડુલકરે આ કિસ્સાને પગલે લોકોને એવી અપીલ કરી છે કે જ્યારે પણ તમને કોઈ પણ પક્ષી કે પ્રાણી આવી નિઃસહાય હાલતમાં જોવા મળી આવે તો એને ઉગારવાનો પ્રયાસ કરજો. ખરેખર એનો અનેરો આનંદ પ્રાપ્ત થશે.

પક્ષી-પ્રાણીઓને બચાવવાની ઉમદા કામગીરી કરતી SARRP (Spreading Awareness On Reptiles And Rehabilitation Programe)નું નામ, ફોન નંબર તથા અન્ય વિગત નોંધી રાખવા જેવી છે. આ છે, એના હેલ્પલાઈન નંબર છે – 9769335531 / 9821134056. એની વેબસાઈટ છે https://www.sarrpindia.org અને ફેસબુક એકાઉન્ટ આ છે, https://www.facebook.com/sarrp.org

સચીન તેંડુલકરે એ સમગ્ર ઘટનાનો વિડિયો પોતાના ફેસબુક પર શેર કર્યો છે.

httpss://www.facebook.com/SachinTendulkar/videos/1927122520645271/

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]