ભારતનો રકાસ; દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ 135-રનથી, સિરીઝ 0-2થી ગુમાવી

સેન્ચુરિયન – દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમનો કંગાળ દેખાવ ચાલુ રહ્યો છે. અહીં તેણે બીજી ટેસ્ટ મેચ આજે પાંચમા અને છેલ્લા દિવસે 135 રનથી ગુમાવી દીધી છે. આ સાથે ત્રણ મેચની સિરીઝમાં 0-2થી હાર થઈ ચૂકી છે.

287 રનના ટાર્ગેટ સામે ભારતનો બીજો દાવ માત્ર 151 રનમાં પૂરો થઈ ગયો હતો.

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એનગીડીએ તેની કારકિર્દીની પહેલી જ ટેસ્ટ મેચમાં સિદ્ધિ હાંસલ કરી છે. બીજા દાવમાં એણે 12.2 ઓવરમાં 39 રન આપીને ભારતની 6 વિકેટ ઝડપી હતી.

સામે છેડે, અન્ય ફાસ્ટ બોલર કેગીસો રબાડાએ ત્રણ બેટ્સમેનને આઉટ કર્યા હતા. ચેતેશ્વર પૂજારા પહેલા દાવની માફક બીજા દાવમાં પણ રનઆઉટ થયો હતો.

દક્ષિણ આફ્રિકાએ કેપ ટાઉનમાં પહેલી ટેસ્ટ મેચ 72 રનથી જતી હતી. ત્રીજી અને સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ 24 જાન્યુઆરીથી જોહનીસબર્ગમાં રમાશે.

દક્ષિણ આફ્રિકાના પહેલા દાવના 335 રનના સ્કોરના જવાબમાં ભારતે કેપ્ટન વિરાટ કોહલીના 153 રનની મદદથી 307 રન કર્યા હતા.

બીજા દાવમાં, ભારતના બોલરોએ સારી કામગીરી બજાવીને દક્ષિણ આફ્રિકાને 258 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

287 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં ભારતે ગઈ કાલે ચોથા દિવસે કેપ્ટન કોહલી (5), મુરલી વિજય (9) અને લોકેશ રાહુલ (4)ની વિકેટ ખોઈ દીધી હતી.

પૂજારા અને પાર્થિવ પટેલની જોડીએ ભારતના 3 વિકેટે 35 રનના ગઈ કાલના અધૂરા દાવને આજે આગળ વધારવાનું ચાલુ કર્યું હતું, પણ તેઓ વહેલા આઉટ થઈ ગયા હતા. રોહિત શર્મા 47 રન કરી શક્યો હતો, તો મોહમ્મદ શમીએ 28 રન કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]