લખનઉને 24 વર્ષે ફરી મળી ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ: દર્શકોએ નિહાળી રોહિતની વિક્રમસર્જક ચોથી સદી

લખનઉ – ભારતીય ટીમે ગઈ કાલે અહીં નવા શરૂ કરાયેલા એ.બી. વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝને બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 71-રનથી પરાજય આપ્યો હતો અને ત્રણ-મેચોની સીરિઝ 2-0થી કબજામાં લઈ લીધી છે. ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં બે વિકેટે 195 રન કર્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 124 રન કરી શકી હતી.

ભારતની આ જીતની વિશેષતા તેના કેપ્ટન રોહિત શર્માની સદી – 111 રન નોટઆઉટ રન રહ્યા.

લખનઉને 24 વર્ષના વહાણાં વીતી ગયા બાદ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ફરી ક્રિકેટ મેચ મળી છે, જેનો 50 હજાર જેટલા દર્શકોએ ખૂબ આનંદ માણ્યો હતો.

ભારતે આ સતત સાતમો T20I શ્રેણીવિજય હાંસલ કર્યો છે.

રોહિત શર્માએ ચોથી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. એણે કોલીન મુનરો (3 સદી)ને પાછળ રાખી દીધો છે. આ સાથે રોહિતે આ સૌથી ટૂંકી ફોર્મેટવાળી ક્રિકેટ રમતમાં પોતાનાં કુલ રનનો આંકડો 2108 પર પહોંચાડ્યો છે અને એણે રેગ્યૂલર કેપ્ટન વિરાટ કોહલી (2102)ને પણ પાછળ રાખી દીધો છે. શર્માની ગઈ કાલની 61-બોલની સદીમાં 8 ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે.

રોહિતને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના દાવમાં, ભારતના ચાર બોલર – ભૂવનેશ્વર કુમાર, ખલીલ એહમદ, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી અને સીરિઝની આખરી ટ્વેન્ટી-20 મેચ 11મીએ ચેન્નાઈમાં રમાશે.