ભારતે બાંગ્લાદેશને 28 રનથી હરાવી વર્લ્ડ કપ-2019ની સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો

બર્મિંઘમ – આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં આજે અહીં એજબેસ્ટન ખાતે ભારતે ODI નંબર-1 ટીમના એના દરજ્જા અને એની તાકાતને છાજે એ રીતે બાંગ્લાદેશને 28-રનથી હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 315 રનના ટાર્ગેટ સામે બાંગ્લાદેશની ટીમ 48 ઓવરમાં 286 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતનો આ વિજય તેના વાઈસ-કેપ્ટન અને ઓપનર રોહિત શર્માની આ સ્પર્ધાની ચોથી સદી અને ત્યારબાદ બોલરોના સહિયારા તરખાટને આભારી છે. બોલિંગમાં, સૌથી વધારે વિકેટ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે લીધી. એણે 10 ઓવરમાં 55 રન આપીને 4 બેટ્સમેનને આઉટ કર્યા હતા. ચારેય બેટ્સમેનને એણે ક્લીન બોલ્ડ કર્યા હતા. હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ અને ભૂવનેશ્વર કુમારે એક-એક બેટ્સમેનને આઉટ કર્યો છે.

બાંગ્લાદેશના બેટ્સમેનોએ ભારતના બોલરોને લડત આપવાના તમામ પ્રયાસો કર્યા હતા, પણ ભારતના 3 ફાસ્ટ બોલર – શમી, બુમરાહ અને ભૂવનેશ્વર, એક મધ્યમ ઝડપી બોલર – હાર્દિક પંડ્યા અને એક લેગસ્પિનર – ચહલ સામે તેઓ નિયમિત રીતે વિકેટ ગુમાવતા રહ્યા હતા.

સૌથી વધારે રન બાંગ્લાદેશના સૌથી અનુભવી એવા શાકિબ અલ હસને – 66 રન કર્યા હતા. 74 બોલના એના દાવમાં 6 ચોગ્ગા હતા. તમીમ ઈકબાલ (22) અને સૌમ્યા સરકાર (33)ની જોડીએ પહેલી વિકેટ માટે 39 રન કર્યા હતા. વિકેટકીપર મુશ્ફિકુર રહીમે 24, લિટન દાસે 22, મોઝદેક હુસેને 3, શબ્બીર રેહમાને 36, કેપ્ટન મુશરફ મુર્તઝાએ 8, રૂબેલ હુસેને 9 રન કર્યા હતા. મુસ્તફિઝુર રેહમાન ઝીરો પર બોલ્ડ થયો હતો. મોહમ્મદ સૈફુદ્દીન 38 બોલમાં 9 ચોગ્ગા સાથે 51 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

અગાઉ, ભારતે વાઈસ-કેપ્ટન અને ઓપનર રોહિત શર્માની ફાંકડી સદી – 104 રનની મદદથી પોતાના હિસ્સાની 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 314 રન કર્યા હતા. રોહિત અને લોકેશ રાહુલ (77) વચ્ચે પહેલી વિકેટ માટે 180 રનની ભાગીદારી થયા બાદ ભારત 350નો સ્કોર આસાનીથી હાંસલ કરશે એવું જણાયું હતું, પણ ત્યારબાદ કોઈ મોટી ભાગીદારી થઈ શકી નહીં. એક જ વર્લ્ડ કપમાં ચાર સદી ફટકારનાર રોહિત વિશ્વનો બીજો બેટ્સમેન છે, પહેલો બેટ્સમેન છે – શ્રીલંકાનો કુમાર સાંગકારા. આ સિદ્ધિ હાંસલ કરનાર રોહિત ભારતનો પહેલો જ બેટ્સમેન છે.

વર્તમાન વર્લ્ડ કપમાં રોહિતની આ ચોથી સદી છે. એણે વર્લ્ડ કપ રેકોર્ડની બરોબરી કરી છે. શ્રીલંકાના વિકેટકીપર કુમાર સાંગકારાએ 2015ની સ્પર્ધામાં ચાર સદી ફટકારી હતી. વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિતની આ 26મી સદી થઈ છે.

આજની મેચમાં, રોહિતે 90 બોલમાં સદી પૂરી કરી હતી. આખરે 92 બોલમાં 104 રન કરીને એ આઉટ થયો હતો. એણે સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. એની વિકેટ સૌમ્યા સરકારે લીધી હતી. રોહિતે લોકેશ રાહુલ સાથે મળીને પહેલી વિકેટ માટે 29.2 ઓવરમાં 180 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. વર્તમાન સ્પર્ધામાં એણે આ ત્રીજી વાર પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે.

ભારતના બેટ્સમેનોને પરચો બતાવવામાં સફળ થયો બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર મુસ્તફીઝુર રેહમાન, જેણે 10 ઓવરમાં 59 રનના ખર્ચે પાંચ વિકેટ લીધી હતી. એના પાંચ શિકાર છેઃ વિરાટ કોહલી (26), હાર્દિક પંડ્યા (0), વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની (35), દિનેશ કાર્તિક (8) અને મોહમ્મદ શમી (1).

આજની જીત સાથે ભારતે 8 મેચમાંથી 6માં જીત મેળવીને 13 પોઈન્ટ્સ મેળવ્યા છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં 2015ના વિજેતા ઓસ્ટ્રેલિયા બાદ બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે ન્યૂઝીલેન્ડ છે. ચોથું સ્થાન હજી ખુલ્લું છે. એ માટે ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે હરીફાઈ છે.

ઈંગ્લેન્ડ સામેની મેચ હારી જતાં અપરાજિતપણું ગુમાવી દેનાર ભારતે આજે તેની ટીમમાં બે ફેરફાર કર્યા હતા. રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવની જગ્યાએ ભૂવનેશ્વર કુમાર અને કેદાર જાધવની જગ્યાએ દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કર્યો હતો.

મુસ્તફીઝુર રેહમાન – પાંચ વિકેટ ઝડપી


વર્તમાન વર્લ્ડ કપમાં રોહિત શર્માના અત્યાર સુધીના સ્કોર…

122 દક્ષિણ આફ્રિકા સામે

57 ઓસ્ટ્રેલિયા સામે

140 પાકિસ્તાન સામે

1 અફઘાનિસ્તાન સામે

18 વેસ્ટ ઈન્ડિઝ સામે

102 ઈંગ્લેન્ડ સામે

104 બાંગ્લાદેશ સામે


વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધારે સદી કરનાર બેટ્સમેનોઃ

રોહિત શર્મા – 4* (2019)

કુમાર સાંગકારા – 4 સદી (2015)

માર્ક વો – 3 (1996)

સૌરવ ગાંગુલી – 3 (2003)

મેથ્યૂ હેડન -3 (2007)


વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી કરનાર બેટ્સમેનો (સદી/દાવ)

6/44 – સચીન તેંડુલકર

5/42 – રિકી પોન્ટિંગ

5/35 – કુમાર સાંગકારા

5/15 – રોહિત શર્મા


વર્લ્ડ કપમાં ભારત વતી હાઈએસ્ટ ઓપનિંગ ભાગીદારી

180 રોહિત શર્મા-લોકેશ રાહુલ વિરુદ્ધ બાંગ્લાદેશ – એજબેસ્ટન, 2019

174 રોહિત શર્મા-શિખર ધવન વિરુદ્ધ આયર્લેન્ડ – હેમિલન્ટન, 2015

163 અજય જાડેજા-સચીન તેંડુલકર વિરુદ્ધ કેનેડા – કટક, 1996

153 સચીન તેંડુલકર-વિરેન્દર સેહવાગ વિરુદ્ધ શ્રીલંકા – જોહનિસબર્ગ, 2003


વર્લ્ડ કપ-2019માં 400 કે તેથી વધારે રન કરનાર બેટ્સમેનોઃ

544 – રોહિત શર્મા

516 – ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) 

504 – એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા)

476 – શાકિબ અલ હસન (બાંગ્લાદેશ)

476 – જો રૂટ (ઈંગ્લેન્ડ)

454 – કેન વિલિયમ્સન (ન્યૂઝીલેન્ડ)

426 – વિરાટ કોહલી