મુંબઈ ODIમાં વિન્ડીઝ બેટિંગ-બોલિંગ બંનેમાં પરાસ્તઃ ભારત સીરિઝમાં 2-1થી આગળ

મુંબઈ – ભારતીય ટીમે આજે અહીં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ ગયેલી ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 224 રનના માર્જિનથી પછાડીને પાંચ મેચોની સીરિઝમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ ટાઈ થઈ હતી. પાંચમી અને આખરી મેચ 1 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. વન-ડે ક્રિકેટમાં, આઈસીસી સંપૂર્ણ કક્ષાના સભ્ય દેશની ટીમ પર ભારતનો આ સૌથી મોટા માર્જિનવાળો વિજય બન્યો છે.

આજે, ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ રોહિત શર્માના 162 અને અંબાતી રાયડુના 100 રનની મદદથી 50 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 377 રન કર્યા હતા. ત્યારબાદ ભારતના બોલરોએ એમની તાકાત બતાવી હતી અને વેસ્ટ ઈન્ડિઝ ટીમને 36.2 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ફાસ્ટ બોલર ખલીલ એહમદે પાંચ ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ લીધી હતી તો ડાબોડી ચાઈનામેન બોલર કુલદીપ યાદવે 8.2 ઓવરમાં 42 રનમાં 3 વિકેટ લીધી હતી. ભૂવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

378 રનનો ટાર્ગેટ ચેઝ કરવાનું પ્રવાસી ટીમ માટે અત્યંત મુશ્કેલ હતું. અગાઉની બે મેચમાં ભારતીય ટીમને લડત આપનાર કેરેબિયન ખેલાડીઓ આજે સાવ નિસ્તેજ રહ્યા હતા.

નવાઈની વાત એ છે કે વેસ્ટ ઈન્ડિઝના 11 બેટ્સમેનો મળીને પણ રોહિત શર્મા જેટલા – 162 રન કરી શક્યા નહીં.

રોહિત શર્માએ તેની કારકિર્દીની 21મી સદી ફટકારી હતી. વન-ડે ક્રિકેટમાં દોઢસો રન સાતમી વાર કરીને એણે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. છ વખત દોઢસો રન કરવાનો વિક્રમ સચીન તેંડુલકરના નામે હતો. શર્માએ 137 બોલનો સામનો કર્યો હતો અને 20 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

શિખર ધવન 38 અને કેપ્ટન વિરાટ કોહલી 16 રન કરીને આઉટ થયા બાદ શર્મા સાથે જોડાયેલા અંબાતી રાયડુએ 100 રન કર્યા હતા. એના 81 બોલના દાવમાં 8 ચોગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. શર્મા અને રાયડુએ ત્રીજી વિકેટ માટે 211 રનની ભાગીદારી કરી હતી. રાયડુની કારકિર્દીની આ ત્રીજી છે.

વેસ્ટ ઈન્ડિઝનો દાવમાં શરૂઆતથી જ લથડી ગયો હતો. 20 રનના સ્કોર પર એણે ટોચના ત્રણ બેટ્સમેનને ખોઈ દીધા હતા. એ આંચકામાંથી પ્રવાસી ટીમ ફરી ક્યારેય બહાર આવી શકી નહોતી. માત્ર કેપ્ટન જેસન હોલ્ડર 54 રન (નોટઆઉટ) ભારતના બોલરોને સામે ઝીંક ઝીલી શક્યો હતો, પણ એને બીજા કોઈનો ટેકો મળ્યો નહોતો.

રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.