કોહલી, શર્માની સદીઓના જોરે ભારતે વેસ્ટ ઈન્ડિઝને પહેલી વન-ડેમાં 8-વિકેટથી પછાડ્યું

ગુવાહાટી – ઓપનર રોહિત શર્મા અને સુકાની વિરાટ કોહલીએ ઝમકદાર સદીઓ ફટકારતાં ભારતે આજે અહીં બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝને પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 8-વિકેટથી પરાજય આપ્યો હતો અને પાંચ મેચોની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી છે.

કોહલીએ ટોસ જીત્યો હતો અને પહેલા વેસ્ટ ઈન્ડિઝને બેટિંગ કરવા કહ્યું હતું. જેસન હોલ્ડરના સુકાનીપદ હેઠળની વેસ્ટ ઈન્ડિઝ ટીમે ભારતના બોલરોની ધુલાઈ કરીને પ્રશંસનીય બેટિંગ પરફોર્મન્સ બતાવ્યો હતો. 50 ઓવરમાં ટીમે 8 વિકેટના ભોગે 322 રન કરીને ભારતને મેચ જીતવા માટે 323 રનનો ચેલેન્જિંગ ટાર્ગેટ આપ્યો હતો, પણ કોહલીએ એ પડકારને ઝીલી લીધો હતો. ભારતે 42.1 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 326 રન કરી મેચ જીતી લીધી હતી.

કોહલીએ 140 રન કર્યા હતા અને શર્મા 152 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. શિખર ધવન 4 રન કરીને ટીમના 10 રનના સ્કોર પર આઉટ થયા બાદ શર્મા અને કોહલીએ 246 રનની ભાગીદારી કરી હતી.
કોહલીએ તેની કારકિર્દીની 36મી અને કુલ 60મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. એણે કુલ 107 બોલનો સામનો કર્યો હતો જેમાં 21 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

શર્મા 117 બોલ રમ્યો હતો અને 15 ચોગ્ગા અને 8 છગ્ગા ઝીંક્યા હતા. શર્માની આ 20મી વન-ડે સેન્ચુરી છે.

આ બંનેની સદીને કારણે વેસ્ટ ઈન્ડિઝના દાવમાં શિમરોન હેટમેયરે ફટકારેલી સદી (106 રન) સાવ ઝાંખી પડી ગઈ હતી.

રોહિત શર્મા સાથે અંબાતી રાયડુ 22 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

વિરાટ કોહલીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

બંને ટીમ વચ્ચે બીજી વન-ડે મેચ 24મીએ વિશાખાપટનમમાં રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]