રેકોર્ડ-સર્જક રોહિત; વન-ડે ક્રિકેટ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં પણ ડબલ સેન્ચુરી ફટકારી

રાંચી – ભારતના ઓપનર રોહિત શર્માએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં એનું જોરદાર બેટિંગ ફોર્મ ચાલુ રાખીને અહીં રમાતી ત્રીજી ટેસ્ટ મેચમાં આજે ડબલ સેન્ચુરી ફટકારી છે.

ત્રીજી ટેસ્ટ મેચના આજે બીજા દિવસની રમત દરમિયાન ભારતના પહેલા દાવમાં રોહિત શર્મા 212 રન કરીને આઉટ થયો હતો. આ દાવ માટે એણે 255 બોલનો સામનો કર્યો હતો અને કુલ 28 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.

ટેસ્ટ ક્રિકેટમાં શર્માની આ પહેલી ડબલ સેન્ચુરી છે.

આ સાથે જ ટેસ્ટ ક્રિકેટ તેમજ વન-ડે ક્રિકેટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર એ વિશ્વમાં ચોથો અને ત્રીજો ભારતીય બન્યો છે. અન્ય ત્રણ બેટ્સમેનો છે – સચીન તેંડુલકર, વિરેન્દર સેહવાગ અને ક્રિસ ગેલ.

રોહિત શર્મા વર્તમાન ટેસ્ટ મેચમાં ગઈ કાલે પહેલા દિવસની રમત બંધ કરાઈ ત્યારે 117 રન સાથે દાવમાં હતો. આજે એણે પોતાનો એ અધૂરો દાવ આગળ ધપાવ્યો હતો.

32 વર્ષીય રોહિત વન-ડે ક્રિકેટમાં ત્રણ ડબલ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે અને 269 રનના વ્યક્તિગત સ્કોર સાથે વર્લ્ડ રેકોર્ડ ધારક પણ છે.

રોહિત શર્માએ વર્તમાન સિરીઝમાં વિશાખાપટનમમાં રમાઈ ગયેલી પહેલી ટેસ્ટ, જે ઓપનર તરીકે એની પહેલી મેચ હતી, એમાં સેન્ચુરી ફટકારી હતી અને ત્યારબાદ પુણેમાં બીજી ટેસ્ટમાં પણ એણે સદી ફટકારી હતી.

ટી-બ્રેક વખતે પહેલા દાવમાં ભારતનો સ્કોર 9 વિકેટે 497 રન હતો. શાહબાઝ નદીમ અને મોહમ્મદ શમી દાવમાં હતો. એ જ સ્કોર પર કેપ્ટન વિરાટ કોહલીએ ટીમનો દાવ ડિકલેર કરી દીધો હતો.

ત્યારબાદ સાઉથ આફ્રિકાને પહેલા દાવમાં માત્ર પાંચ જ ઓવર રમવા મળી હતી અને એમાં 9 રનમાં એણે બે વિકેટ ગુમાવી દીધી હતી. વરસાદ અને ઝાંખા પ્રકાશને કારણે દિવસની રમત વહેલી બંધ કરી દેવામાં આવી હતી. ઓપનર ડીન એલ્ગર ખાતું ખોલાવ્યા વગર જ કીપર સહા દ્વારા કેચઆઉટ થયો હતો. એની વિકેટ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ લીધી હતી. પ્રવાસી ટીમની પહેલી વિકેટ 4 રનના સ્કોર પર પડી હતી. ત્યારબાદ અન્ય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે બીજા ઓપનર ક્વિન્ટન ડી કોક (4)ને આઉટ કર્યો હતો. એનો કેચ પણ કીપર સહાએ પકડ્યો હતો. ઝુબીર હમઝા અને કેપ્ટન ફાફ ડુ પ્લેસી દાવમાં હતો.

ભારત પહેલી બંને ટેસ્ટ મેચ જીતીને સિરીઝને પોતાના કબજામાં લઈ ચૂક્યું છે.

રોહિત શર્માને સાથ આપીને અજિંક્ય રહાણેએ એની 11મી ટેસ્ટ સદીના રૂપમાં 115 રન ફટકાર્યા હતા. એણે 192 બોલના દાવમાં 17 બાઉન્ડરી અને એક સિક્સર ઝીંકી હતી. શર્મા અને રહાણેએ ચોથી વિકેટ માટે 267 રનની ભાગીદારી કરી હતી. ટીમના 306 રનના સ્કોર પર રહાણે આઉટ થયો હતો.

રહાણેની જગ્યાએ રમવા આવેલા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 51 રન ફટકાર્યા હતા.