રોહિતની ઐતિહાસિક ડબલ સેન્ચુરીની મદદથી વન-ડે સિરીઝમાં ભારતનું કમબેક

મોહાલી – કેપ્ટન રોહિત શર્માએ નેતૃત્વનું ઉમદા ઉદાહરણ પૂરું પાડીને આજે પોતાની ઐતિહાસિક ત્રીજી ડબલ સેન્ચુરી રૂપે અણનમ 208 રન ફટકારતાં ભારતે અહીં બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં શ્રીલંકાને 141 રન કરથી કચડી નાખ્યું હતું અને ત્રણ મેચોની સિરીઝમાં જોરદાર રીતે કમબેક કરીને સિરીઝ 1-1થી સમાન કરી છે. ત્રીજી અને શ્રેણીની આખરી વન-ડે મેચ 17મીએ વિશાખાપટનમમાં રમાશે. ધરમશાલામાં પહેલી વન-ડે હારી જવાથી ભારતીય ટીમ માટે આજની મેચમાં ‘કરો-યા-મરો’ સ્થિતિ સર્જાઈ હતી.

ભારતે આપેલા 393 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાએ પોતાના હિસ્સાની 50 ઓવરમાં 8 વિકેટે 251 રન કર્યા હતા. એના ભૂતપૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યૂસે સદી ફટકારી હતી, પરંતુ સામે છેડે વિકેટો નિયમિત અંતરે પડતી રહી હોવાને કારણે મેથ્યૂસ પોતાની ટીમને કારમી હારમાંથી બચાવી શક્યો નહોતો. મેથ્યૂસે 132 બોલનો સામનો કર્યો હતો જેમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

સવારે, શ્રીલંકાએ ટોસ જીતી ભારતને બેટિંગ આપી હતી. રોહિત અને શિખર ધવન (68) ઓપનિંગ જોડીએ 115 રનની ભાગીદારી કરીને ટીમના દાવનો મજબૂત પાયો નાખ્યો હતો.

રોહિત શર્માએ જોરદાર આક્રમક બેટિંગ કરી હતી અને માત્ર 153 બોલમાં 208 રન ફટકારી દીધા હતા. એણે પોતાના દાવમાં 13 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા.

આ વર્ષમાં રોહિતની આ છઠ્ઠી વન-ડે સદી થઈ છે. એણે શ્રેયસ ઐયરની સાથે બીજી વિકેટ માટે 213 રનની ભાગીદારી કરી હતી. ઐયર 70 બોલમાં 88 રન કરીને આઉટ થયો હતો.

મુંબઈ નિવાસી, 30 વર્ષીય રોહિતે 115 બોલમાં સદી પૂરી કરી હતી, પણ બીજા 107 રન એણે માત્ર 37 બોલમાં ફટકાર્યા હતા.

વન-ડે ક્રિકેટમાં ત્રણ ડબલ સેન્ચુરી ફટકારનાર રોહિત શર્મા દુનિયાનો પહેલો બેટ્સમેન છે.

રોહિતે આ પહેલાં 2013માં ઓસ્ટ્રેલિયા સામે બેંગલોર વન-ડેમાં 209 રન અને 2014માં શ્રીલંકા સામે કોલકાતા મેચમાં 264 રન કર્યા હતા.

શ્રીલંકાના દાવમાં, ભારત વતી સૌથી વધુ વિકેટ લેનાર હતો લેગબ્રેક બોલર યુઝવેન્દ્ર ચહલ. એણે 10 ઓવરમાં 60 રન આપીને 3 વિકેટ લીધી હતી.