આઈપીએલ-11: રાયડુની સદીના જોરે ચેન્નાઈએ પુણેમાં હૈદરાબાદને હરાવ્યું

પુણે – અહીંના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે આઈપીએલ-11 મોસમની આજે રમાઈ ગયેલી 46મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8-વિકેટથી પરાજય આપ્યો છે. હૈદરાબાદ ટીમે તેની 20 ઓવરમાં 4 વિકેટે 179 રન કર્યા હતા. તેના જવાબમાં ચેન્નાઈ ટીમે 19 ઓવરમાં માત્ર બે જ વિકેટના ભોગે 180 રન કરીને મેચ જીતી લીધી હતી.

ચેન્નાઈની જીતનો હીરો રહ્યો એનો અંબાતી રાયડુ, જે 62 બોલમાં 100 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેની સાથે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 20 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. રાયડુએ એના દાવમાં 7 સિક્સર અને 7 બાઉન્ડરી ફટકારી હતી. આઈપીએલ સ્પર્ધામાં રાયડુની આ પહેલી સદી છે.

રાયડુ અને શેન વોટ્સન (57)ની જોડીએ પહેલી વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી. સુરેશ રૈના માત્ર બે જ રન કરી શક્યો હતો. વોટસને 35 બોલના દાવમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

એ પહેલાં, હૈદરાબાદ ટીમે શિખર ધવનના 79 અને કેપ્ટન કેન વિલિયમ્સનના 51 રનના મુખ્ય યોગદાન સાથે 179 રનનો સ્કોર કર્યો હતો. દીપક હુડા 21 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

હૈદરાબાદ સામે આ ચોથા બેટ્સમેને સદી ફટકારી છે. રાયડુ અગાઉ રીષભ પંત (દિલ્હી ડેરડેવિલ્સ), ક્રિસ ગેલ (કિંગ્સ ઈલેવન પંજાબ) અને બ્રેન્ડન મેક્યૂલમ (ચેન્નાઈ સુપરકિંગ્સ) સદી ફટકારી ચૂક્યા હતા.

પોઈન્ટ્સ ટેબલમાં હૈદરાબાદ ટીમ હજી પણ 18 પોઈન્ટ સાથે મોખરે છે. ચેન્નાઈ ટીમ 16 પોઈન્ટ સાથે બીજા નંબરે છે.