સચીન તેંડુલકરના ક્રિકેટ ગુરુ, વિખ્યાત કોચ રમાકાંત આચરેકરનું મુંબઈમાં નિધન

મુંબઈ – દંતકથા સમાન ક્રિકેટર સચીન તેંડુલકરને બાળપણથી ક્રિકેટની તાલીમ આપનાર, કોચ રમાકાંત આચરેકરનું વૃદ્ધાવસ્થાને કારણે અમુક બીમારીઓને કારણે આજે સાંજે અહીં નિધન થયું છે.

સચીન તેંડુલકરની બેટિંગ ક્ષમતાને પારખનાર આચરેકર હતા. તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન બની શક્યા એનો મુખ્ય શ્રેય આચરેકરને જાય છે.

રમાકાંત આચરેકર 87 વર્ષના હતા.

તેંડુલકર અને આચરેકરના અન્ય ક્રિકેટ શિષ્ય વિનોદ કાંબલી મુંબઈમાં એમની ક્રિકેટ શિબિરના આરંભ પૂર્વે હાલમાં જ આચરેકરના આશીર્વાદ લેવા હજી હાલમાં જ એમના નિવાસસ્થાને ગયા હતા.

આચરેકર ‘દ્રોણાચાર્ય એવોર્ડ’વિજેતા (1990) તેમજ ‘પદ્મશ્રી’ ખિતાબથી (2010) સમ્માનિત પણ હતા.

આચરેકરે તેંડુલકર અને કાંબલી ઉપરાંત પ્રવીણ આમરે, સમીર દીઘે અને બલવિન્દર સિંહ સંધુ જેવા ક્રિકેટરોને પણ તાલીમ આપી હતી, જેઓ પણ રાષ્ટ્રીય ટીમ વતી રમ્યા હતા. સંધુ 1983માં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ જીતનાર કપિલ દેવની ટીમના સભ્ય હતા અને ફાઈનલ મેચમાં પણ રમ્યા હતા.

પોતાના ક્રિકેટ ગુરુ, કોચ રમાકાંત આચરેકરના નિધન અંગે સચીન તેંડુલકરે આ રીતે શબ્દોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છેઃ ‘આચરેકર સરના જવાથી સ્વર્ગમાં ક્રિકેટ પણ સમૃદ્ધ થશે. અન્ય વિદ્યાર્થીઓની જેમ હું પણ સરનાં માર્ગદર્શન હેઠળ ક્રિકેટની એબીસીડી શીખ્યો.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]