લોર્ડ્સ ટેસ્ટના પહેલા દાવમાં ભારત 107માં ઓલઆઉટ; 20 રનમાં પાંચ વિકેટ લેનાર એન્ડરસન ખુશખુશાલ

લંડન – અહીંના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન ખાતે ઈંગ્લેન્ડ સામે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચનો આરંભ ભારત માટે નિરાશાજનક રહ્યો છે. વરસાદે પહેલા બે દિવસમાં ઘણો સમય વેડફી નાખ્યો, ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી ટોસ હારી ગયો અને બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ જેમ્સ એન્ડરસનની આગેવાની હેઠળ ઈંગ્લેન્ડના ચાર ફાસ્ટ બોલરોના આક્રમણ સામે ભારતીય ટીમ પહેલા દાવમાં માત્ર 107 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયા માત્ર 35.2 ઓવર જ રમી શકી હતી.

મેચનો ગુરુવારનો પહેલો આખો દિવસ વરસાદ ધોઈ નાખ્યો હતો. ગઈ કાલે શુક્રવારે પણ વરસાદે અવારનવાર વિઘ્ન નાખીને રમતનો સમય બરબાદ કરી નાખ્યો હતો. ભારતનો પહેલો દાવ પૂરો થતાં અમ્પાયરોએ બીજા દિવસની રમત સમાપ્ત થયેલી જાહેર કરી હતી.

જેમ્સ એન્ડરસને 13.2 ઓવરમાં 20 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જેમાં બંને ઓપનર મુરલી વિજય (0) અને લોકેશ રાહુલ (8)નો સમાવેશ થાય છે. ત્રણ બેટ્સમેનને એણે ઝીરો પર આઉટ કર્યા હતા. એના અન્ય ત્રણ શિકાર છે – અજિંક્ય રહાણે (18), કુલદીપ યાદવ (0) અને ઈશાંત શર્મા (0). એણે આ 26મી વખત એક જ દાવમાં પાંચ-વિકેટ લેવાનો પરફોર્મન્સ બતાવ્યો છે.

ક્રિસ વોક્સે કેપ્ટન કોહલી (24) અને હાર્દિક પંડ્યા (11)ને આઉટ કર્યા. સ્ટુઅર્ટ બ્રોડે ભારતના ટોપ સ્કોરર રવિચંદ્રન અશ્વિન (29)ને આઉટ કર્યો હતો જ્યારે સેમ કરને વિકેટકીપર દિનેશ કાર્તિક (1)ની વિકેટ લીધી.

એન્ડરસને દિવસની રમત બાદ કહ્યું કે આ પ્રકારની આબોહવામાં તો અમે દુનિયાની કોઈ પણ ટીમને સસ્તામાં ઓલઆઉટ કરી દઈએ. ગઈ કાલે અમે એક પણ ખરાબ બોલ ફેંક્યો નહોતો. જો અમે આજે હવામાનનો ફાયદો ઉઠાવ્યો ન હોત તો મને બહુ જ અફસોસ થાત.

પાંચ-મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડ 1-0થી આગળ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]