રાહુલ દ્રવિડ સાથે વેલ્થ મેનેજમેન્ટ કંપનીએ કરી કરોડોની છેતરપીંડી

બેંગલુરુ – ભૂતપૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડે શહેરની પોલીસમાં બેંગલુરુની જ એક વેલ્થ મેનેજમેન્ટ કંપની વિક્રમ ઈન્વેસ્ટમેન્ટ્સ સામે ફરિયાદ નોંધાવી છે. દ્રવિડે એવો આરોપ મૂક્યો છે કે ઉક્ત કંપનીએ એની સાથે રૂ. 6 કરોડની છેતરપીંડી કરી છે.

દ્રવિડે સદાશિવ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે પોતે વિક્રમ ઈન્વેસ્ટમેન્ટ્સ કંપનીમાં 20 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું હતું. કંપનીએ ઉંચી રકમમાં વળતર મળશે એવી ખાતરી આપી હતી, પરંતુ હવે કંપની એને પોતાની પ્રિન્સિપાલ રકમ પણ પાછી આપતી નથી.

દ્રવિડે કહ્યું કે એણે રૂ. 20 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. એને 16 કરોડ રૂપિયા પાછા મળી ગયા છે, પણ કંપની બાકીના ચાર કરોડ રૂપિયા એને પાછા આપતી નથી.

રાહુલ દ્રવિડ અને (જમણે) આરોપી રાઘવેન્દ્ર શ્રીનાથ

આ કંપનીએ 800 ઈન્વેસ્ટરો સાથે ઠગાઈ કરી હોવાનો અને રૂ. 300 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનો આરોપ છે.

ગઈ ત્રીજી માર્ચે પી.આર. બાલાજી નામના એક ઈન્વેસ્ટરે કંપની સામે ફરિયાદ કરી હતી ત્યારે આ કરોડો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. બાલાજીએ એવો આરોપ મૂક્યો છે કે વિક્રમ ઈન્વેસ્ટમેન્ટ્સે એની સાથે રૂ. 11.74 કરોડની છેતરપીંડી કરી છે.

આ કેસના સંબંધમાં પોલીસે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર રાઘવેન્દ્ર શ્રીનાથ સહિત પાંચ જણની ધરપકડ કરી છે.

આ કંપનીએ ઈન્વેસ્ટરોને એવી લાલચ આપી હતી કે એમને તેમની પ્રિન્સીપાલ રકમ ઉપર 40-50 ટકાનું વાર્ષિક વળતર મળશે.

રાહુલ દ્રવિડ ઉપરાંત સાઈના નેહવાલ અને પ્રકાશ પદુકોણ જેવા ખ્યાતનામ બેડમિન્ટન ખેલાડીઓએ પણ આ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું, પણ એમની સાથે પણ છેતરપીંડી થઈ છે. ફરિયાદ કરવામાં દ્રવિડ પહેલો આગળ આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]