વર્લ્ડ કપઃ દક્ષિણ આફ્રિકાને 49-રનથી હરાવી પાકિસ્તાને SFની આશા જીવંત રાખી

લંડન – અહીં લોર્ડ્સ મેદાન ખાતે આજે રમાઈ ગયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને 49-રનથી હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કરવાની પોતાની આશા જીવંત રાખી છે.

પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ એહમદે ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી. તેની ટીમે હેરિસ સોહેલના આક્રમક બેટિંગ સાથે 89 રનના યોગદાન સાથે 50 ઓવરમાં 7 વિકેટે 308 રન કર્યા હતા. તેના જવાબમાં ફાફ ડુ પ્લેસીની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકન ટીમ 50 ઓવરમાં 9 વિકેટે 259 રન કરી શકી હતી.

આ પરાજય સાથે દક્ષિણ આફ્રિકા ટીમ સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ છે. તે અત્યાર સુધીમાં રમેલી સાત મેચોમાંથી પાંચમા હારી ગઈ છે. 10-ટીમના પોઈન્ટ્સ ટેબલમાં એ 9મા ક્રમે છે. છેલ્લા સ્થાને અફઘાનિસ્તાન છે.

પાકિસ્તાન 6 મેચમાં બે જીત, 3 હાર સાથે પાંચ પોઈન્ટ મેળવીને સાતમા સ્થાને છે.

કારકિર્દીની 35મી વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમતા પાકિસ્તાનના ડાબોડી બેટ્સમેન હેરિસ સોહેલે માત્ર 59 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 89 રન ઝૂડી કાઢ્યા હતા. એ પહેલાં બાબર આઝમે 69 રન કર્યા હતા. ઈમામ ઉલ હક (44) અને ફખર ઝમાન (44)ની જોડીએ પહેલી વિકેટ માટે 81 રન બનાવ્યા હતા. મોહમ્મદ હફીઝ 20, ઈમાદ વસીમ 23, વહાબ રિયાઝ 4 રન કરીને આઉટ થયો હતો.

દક્ષિણ આફ્રિકાના દાવમાં, કેપ્ટન પ્લેસીએ 79 બોલમાં 63 રન કર્યા હતા. ટીમમાં આ એકમાત્ર હાફ સેન્ચુરી થઈ. વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે 47, રાસી વાન ડેર ડસને 36, ડેવિડ મિલરે 31 રન કર્યા હતા. એન્ડીલ ફેલુક્વેયો 32 બોલમાં 46 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

પાકિસ્તાનના 3 ડાબોડી ફાસ્ટ બોલરો – વહાબ રિયાઝ, મોહમ્મદ અમીર અને શાહીન અફરિદીએ કુલ 6 વિકેટ લીધી હતી. રિયાઝે ત્રણેય પૂંછડિયા બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હતા. અમીરે હાશીમ અમલા (2) અને ડુ પ્લેસીની કિંમતી વિકેટ લીધી હતી. અફરિદીએ મિલરને આઉટ કર્યો હતો. ઓફ્ફ સ્પિનર શાદાબ ખાને 10 ઓવરમાં 50 રનમાં 3 વિકેટ લીધી હતી.

હેરિસ સોહેલને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.

ભારત સામેની મેચમાં હારી ગયા બાદ પાકિસ્તાન ટીમ, ખાસ કરીને તેના કેપ્ટન એહમદની તેના દેશના ભૂતપૂર્વ ક્રિકેટરો તથા ક્રિકેટપ્રેમીઓએ ખૂબ ટીકા કરી હતી, પણ આજે દક્ષિણ આફ્રિકાને સજ્જડ રીતે પરાજય આપ્યા બાદ ટીમને સમર્થન મળવાનું ફરી શરૂ થશે.