જાપાનની નવી ટેનિસ હિરોઈન – નાઓમી ઓસાકા

નાનપણમાં જેને આદર્શ માનતી હતી એ સેરેના વિલિયમ્સને ઓસાકાએ યુએસ ઓપનની ફાઈનલમાં હરાવી…

જાપાનની નાઓમી ઓસાકાએ યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમમાં મહિલા સિંગલ્સ ફાઈનલમાં અમેરિકાની ચેમ્પિયન ખેલાડી સેરેના વિલિયમ્સને 6-2, 6-4થી હરાવી ઈતિહાસ સર્જ્યો છે.

20 વર્ષની નાઓમી ઓસાકાએ ટેનિસની રમતમાં જાપાનનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે. વિશ્વમાં 19મી રેન્ક ધરાવતી ઓસાકાએ શનિવારે યુએસ ઓપન ટેનિસ સ્પર્ધામાં સેરેના વિલિયમ્સને હરાવી કારકિર્દીમાં પહેલી જ વાર ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું.

સેરેના 23 વાર ગ્રાન્ડ સ્લેમ વિજેતાપદો જીતી ચૂકી છે, પણ શનિવારની ફાઈનલમાં એ ઓસાકાને હરાવી શકી નહીં. 79 મિનિટ સુધી ચાલેલી મેચમાં ઓસાકાએ તેની નાનપણની આદર્શ સેરેનાને એકેય સેટ જીતવા દીધો નહોતો.

ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર ઓસાકા પહેલી જાપાનીઝ મહિલા બની છે.

ઓસાકાએ કબૂલ કર્યું છે કે પોતાની નાનપણની પ્રેરણામૂર્તિ સેરેના વિલિયમ્સ સામે શનિવારની ફાઈનલમાં ટક્કર લેવાનું એને માટે જરાય આસાન નહોતું. પરિણામે પોતે શરૂઆતથી જ નર્વસ હતી.

20 વર્ષની ઓસાકા હૈટી મૂળની જાપાની ખેલાડી છે.

હૈટીમાં જન્મેલા પિતા અને જાપાનીઝ માતાની પુત્રી નાઓમી ઓસાકાનો જન્મ જાપાનમાં થયો હતો, પણ એ જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે એ જાપાન છોડી ગઈ હતી અને એનો ઉછેર અમેરિકામાં થયો હતો. એની પાસે જાપાનીઝ અને અમેરિકન, એમ બંને નાગરિકત્વ છે. એને માતૃભાષા જાપાનીઝ બોલવામાં બહુ ફાવટ નથી, પણ અંગ્રેજી ફાંકડું બોલે છે.