ઓડિશા કરશે પુરુષોની હોકી વર્લ્ડ કપ-2023નું આયોજન

ભૂવનેશ્વર – 2018માં પુરુષોની હોકી વર્લ્ડ કપ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ ભારતને 2023ની વર્લ્ડ કપ સ્પર્ધાનું પણ યજમાનપદ ફાળવવામાં આવ્યું છે. 2018ની માફક 2023માં પણ આ સ્પર્ધાનું યજમાન ઓડિશા રાજ્ય રહેશે.

2023ની સ્પર્ધાની મેચો ભૂવનેશ્વર ઉપરાંત રાઉરકેલા શહેરમાં યોજવામાં આવશે.

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે આજે સાંજે અહીં કલિંગા સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.

2023ની મેન્સ હોકી વર્લ્ડ કપનું યજમાન પદ ફરી ઓડિશાને આપવાનો નિર્ણય ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) દ્વારા લેવામાં આવ્યો છે.

પટનાયકે કહ્યું કે 2023ની સ્પર્ધાની મેચો ભૂવનેશ્વર ઉપરાંત રાઉરકેલા શહેરમાં યોજવામાં આવે છે.

આજે કલિંગા સ્ટેડિયમના કાર્યક્રમમાં ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન અને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન સંસ્થાઓના પ્રમુખ નરિન્દર બત્રા, હોકી ઈન્ડિયાના પ્રમુખ મોહમ્મદ મુશ્તાક એહમદ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઈન્ટરનેશનલ હોકી ફેડરેશને આ મહિનાના આરંભમાં જ જાહેર કર્યું હતું કે 2023ની વર્લ્ડ કપ સ્પર્ધાનું આયોજન કરવાનો અધિકાર ભારતે મેળવ્યો છે. આ રેસમાં ભારત સાથે બેલ્જિયમ અને મલેશિયા પણ હતા.

મેન્સ હોકી વર્લ્ડ કપ સ્પર્ધા 2023ની 13-29 જાન્યુઆરીએ યોજવામાં આવશે જ્યારે મહિલાઓની વર્લ્ડ કપ 2022ની 1-17 જુલાઈએ યોજાશે. મહિલાઓની વર્લ્ડ કપ સ્પર્ધાનું આયોજન સ્પેન અને નેધરલેન્ડ્સ સંયુક્ત રીતે કરવાના છે. બે દેશ સાથે મળીને હોકી વર્લ્ડ કપનું આયોજન કરે એવો આ પહેલો જ પ્રસંગ હશે.

રાઉરકેલાનો ચોક – હોકી રમતને અર્પણ

ભૂવનેશ્વર શહેર અનેક મોટી આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓ યોજતું આવ્યું છે. 2017માં એણે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ, 2017માં FIH હોકી વર્લ્ડ લીગ ફાઈનલ, FIH મેન્સ સિરીઝ ફાઈનલ્સ-2019 અને FIH હોકી ઓલિમ્પિક ક્વાલિફાયર્સ સ્પર્ધાઓ પણ યોજી હતી.

2020ના વર્ષની ફિફા મહિલા અન્ડર-17 ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા પણ ઓડિશાના ભૂવનેશ્વર તથા અન્ય શહેરોમાં યોજાવાની છે.