ટીમ ઈન્ડિયા સાથે અનુષ્કાની હાજરીથી કોઈ પ્રોટોકોલ ભંગ થયો નથીઃ BCCIની સ્પષ્ટતા

લંડન – અત્રે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમવા આવેલી ભારતીય ક્રિકેટ ટીમે ઔપચારિકતા અનુસાર શહેરસ્થિત ભારતીય દૂતાવાસની મુલાકાત લીધી હતી.

એ મુલાકાત વખતે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમના સભ્યોની સાથે કોહલીની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા પણ સામેલ હતી. અનુષ્કાની હાજરીથી સોશિયલ મિડિયા પર હો-હા મચી ગઈ છે. ઘણા લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ એ પ્રસંગે અનુષ્કાને પણ સામેલ કરીને પ્રોટોકોલ (નિયમ)નો ભંગ કર્યો છે.

બીસીસીઆઈએ ભારતીય હાઈ કમિશન ખાતે ટીમ ઈન્ડિયાની એ તસવીર પોતાના સોશિયલ મિડિયા નેટવર્ક્સ એકાઉન્ટ્સ પર શેર કર્યા બાદ એની પર માછલાં ધોવામાં આવ્યા હતા. ઘણાયનું એમ કહેવું હતું કે તસવીરમાં ટીમનો વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણે છેલ્લી લાઈનમાં ઊભેલો છે જ્યારે અનુષ્કા એકદમ આગળ ઊભી છે. આમ કેમ?

ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ તે નિર્ણયનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે કોઈ સત્તાવાર પ્રોટોકોલનો ભંગ થયો નથી. ખેલાડીઓને એમની જીવનસાથીઓ કે પાર્ટનર સાથે હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને પોતાની જીવનસાથીને સાથે લાવવી કે નહીં એ નિર્ણય ખેલાડીઓએ વ્યક્તિગત રીતે લેવાનો હતો.

ઉલ્લેખનીય છે કે, તે પ્રસંગે કોહલી સિવાય બીજો કોઈ ખેલાડી પોતાની પત્ની કે પાર્ટનર સાથે આવ્યો નહોતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]