દબાણની સ્થિતિમાં હું વધારે સારી બેટિંગ કરું છું: નીતિશ રાણા

કોલકાતા – વર્તમાન આઈપીએલ સ્પર્ધામાં જોરદાર ફોર્મમાં રમી રહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતિશ રાણાનું કહેવું છે કે પોતે પ્રેશરવાળી સ્થિતિમાં વધારે સારી બેટિંગ કરી શકે છે. રાણાના 59 રનની મદદથી કોલકાતા ટીમ સોમવારે રાતે અત્રે ઈડન ગાર્ડન્સ ખાતે દિલ્હી ડેરડેવિલ્સ સામેની આઈપીએલ-11 મેચ 71-રનથી જીતી શકી હતી.

રાણાએ 35 બોલમાં 59 રન ફટકાર્યા હતા. એ ઉપરાંત આન્દ્રે રસેલે 12 બોલમાં 41 રન ઝૂડી  કાઢ્યા હતા. આ બેઉના વિશેષ યોગદાનની મદદથી કોલકાતા ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 200 રન કર્યા હતા. એના જવાબમાં દિલ્હીની ટીમ 18.2 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કોલકાતાના સ્પિનર સુનીલ નારાયણે 18 રનમાં 3 અને કુલદીપ યાદવે 32 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

રાણાએ વર્તમાન આઈપીએલ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ચાર મેચમાં 31.75ની સરેરાશ સાથે 127 રન કર્યા છે.

કોલકાતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સતત બે હાર મળ્યા બાદ ફરી જીતના માર્ગે આવી છે.

સ્પર્ધામાં કોલકાતાની પહેલી મેચમાં પણ દિલ્હીનિવાસી 24 વર્ષીય રાણા ચમક્યો હતો અને એણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો.

રાણાએ કહ્યું કે અમારી ટીમમાં મારે જ મોટી ભૂમિકા ભજવવાની રહેતી હોય છે એવું હું માનતો નથી. દરેક ખેલાડીને અમુક જવાબદારી સોંપવામાં આવી છે. મેં મારી જવાબદારી નિભાવી છે. એવી જ રીતે, અન્યો પણ નિભાવે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સનો હવે પછીનો મુકાબલો બુધવારે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]