મુંબઈ – ન્યૂ ઝીલેન્ડ સામે ઘરઆંગણે આવતી ૧ નવેંબરથી રમાનાર ત્રણ ટ્વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી છે. એમાં હૈદરાબાદના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને મુંબઈના બેટ્સમેન શ્રેયસ ઐયર નવા ચહેરા તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય પસંદગીકારોએ આ ઉપરાંત ઘરઆંગણે શ્રીલંકા સામે રમાનાર ટેસ્ટ સિરીઝ માટેની ટીમ પણ જાહેર કરી દીધી છે. એમાં મુરલી વિજય અને ઈશાંત શર્માએ પુનરાગમન કર્યું છે.
ડાબોડી ફાસ્ટ બોલર આશીષ નેહરાને ન્યૂ ઝીલેન્ડ સામે નવી દિલ્હીમાં રમાનાર પહેલી ટ્વેન્ટી-૨૦ મેચ માટેની ટીમમાં પસંદ કરાયો છે. મોટે ભાગે એ તેની કારકિર્દીની આખરી મેચ હશે.
પસંદગીકારોની સમિતિના વડા એમ.એસ.કે. પ્રસાદે કહ્યું છે કે શ્રેયસ ઐયર ત્રણેય ફોર્મેટમાં – પ્રથમ કક્ષા, વન-ડે મેચો અને ટ્વેન્ટી-૨૦ મેચોમાં સરસ સ્કોર બનાવી રહ્યો છે. અમે કોઈ ખેલાડીને પસંદ કરીએ છીએ તો એમને ચમકવાનો પૂરતો સમય આપીએ છીએ. ઐયર અને સિરાજની બાબતમાં પણ એ જ લાગુ રહેશે.
ન્યૂ ઝીલેન્ડ સામે ત્રણમાંની પહેલી ટ્વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન પર રમાશે. બીજી અને ત્રીજી મેચ અનુક્રમે રાજકોટ અને તિરુવનંતપુરમમાં રમાશે.
શ્રીલંકા સામેની ટેસ્ટ મેચોની સિરીઝ માટેની ટીમમાં સ્પિન જોડી – રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને ફરી સામેલ કરવામાં આવ્યા છે.
પહેલી ટેસ્ટ ૧૬-૨૦ નવેંબરે કોલકાતામાં, બીજી ૨૪-૨૮ નવેંબરે નાગપુરમાં અને ત્રીજી તથા છેલ્લી ટેસ્ટ ૨-૬ ડિસેંબરે દિલ્હીમાં રમાશે.
ન્યૂ ઝીલેન્ડ સામે ટ્વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ્સ માટેની ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આશિષ નેહરા (માત્તર પહેલી મેચ માટે)
શ્રીલંકા સામેની પહેલી બે ટેસ્ટ માટેની ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, મુરલી વિજય, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), રોહિત શર્મા, રિદ્ધિમાન સહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ભૂવનેશ્વર કુમાર, ઈશાંત શર્મા.