F1 સ્ટાર મિકા હેકીનન ભારત આવશે; લોકોને ખાસ અપીલ કરશે

મુંબઈ – ક્યારેય પણ દારૂનો નશો કરીને વાહન હંકારવું નહીં એવી લોકોને અપીલ કરવા અને આ સંદેશનો પ્રચાર કરવા માટે ભૂતપૂર્વ F1 વર્લ્ડ ચેમ્પિયન મિકા હેકીનન ભારત આવવાનો છે. એ મુંબઈ તથા હરિયાણાના ગુરુગ્રામમાં એક સ્પર્ધાના વિજેતાઓ સાથે ડ્રાઈવ પણ કરશે.

હેકીનન જોની વોકર – ધ જર્નીના ગ્લોબલ ભરોસાપાત્ર ડ્રિન્કિંગ એમ્બેસેડર તરીકે ભારત આવવાનો છે.

#JOINTHEPACT નામક પ્રચારની હેકીનને ૧૦ વર્ષ માટે આગેવાની લીધી છે અને તે દુનિયાભરના લોકોને અપીલ કરી રહ્યો છે કે તેઓ અંગત રીતે એવો સંકલ્પ કરે કે ક્યારેય દારૂનો નશો કરીને વાહન હંકારશે નહીં.

હેકીનને એક નિવેદનમાં કહ્યું છે કે, ફોર્મ્યૂલા 1 કાર હંકારવી એટલે સ્વયંને નિયંત્રણમાં રાખવું. એક ડ્રાઈવર અને આદર્શ વ્યક્તિ તરીકે મારી ફરજ છે કે મારે લોકોને ભરોસાપાત્ર ડ્રિન્કર બનવાના મહત્વના મુદ્દે લોકોને સમજાવું. જોની વોકર – ધ જર્નીનો #JOINTHEPACT સંકલ્પ લોકોને નિયંત્રણમાં રહેવા તથા સ્વયંની, તમારા પ્રવાસીઓની તથા બીજાં કોઈ પણ લોકોની સલામતીની તકેદારી લેવા જણાવે છે.

ફિનલેન્ડવાસી હેકીનન ૨૦૦૧માં પ્રોફેશનલ રેસિંગ સ્પોર્ટમાંથી નિવૃત્ત થયો હતો.

હેકીનન મુંબઈમાં એક સ્પર્ધાના વિજેતાઓની સાથે ડ્રાઈવ કરશે અને ગુરુગ્રામમાં કાપારો T1 સુપરકારમાં પસંદગીકૃત મહેમાનો સાથે ડ્રાઈવ કરશે.